Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentસદીના મહાનાયક અમિતાભ બચ્ચન થયા ૭૮ વર્ષના

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન થયા ૭૮ વર્ષના

હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન આજે એમનો ૭૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમની પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. બચ્ચન ગઈ કાલે રાતે સોશિયલ મિડિયા પર રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા અને આજે સવારે તે મુંબઈમાં એમના બંગલા જલસાની બહાર ચાલતા જતા જોવા મળ્યા હતા.

પ્રેસ ફોટોગ્રાફરોને મહામૂલી તસવીરો ક્લિક કરવા મળી ગઈ. અમિતાભ એમની ઓફિસે જવા માટે એમના બંગલાની બહાર નીકળ્યા હતા. એમની ઓફિસ એમના બંગલાની નજીકમાં જ આવેલી છે. આજે તે ત્યાં ચાલતા ગયા હતા.

દેશના ધરખમ સેલિબ્રિટી હોઈ અમિતાભના નિવાસસ્થાનની બહાર હંમેશની જેમ સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રશંસકો તથા અન્ય સેલિબ્રિટી વ્યક્તિઓ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ બચ્ચનને જન્મદિન નિમિત્તે અનેક ભેટસોગાદો મોકલવામાં આવી છે જે બધી ચીજવસ્તુઓને બંગલાની બહાર ગોઠવાયેલા સિક્યુરિટી જવાનો ભેગી કરીને અંદર લઈ જતા જોવા મળ્યા હતા.

અમિતાભઃ પાંચ આલિશાન બંગલાના માલિક

‘ઝંજીર’, ‘દીવાર’, ‘શોલે’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ત્રિશુલ’, ‘ડોન’, ‘અમર અકબર એન્થની’, ‘હેરાફેરી’, ‘સત્તે પે સત્તા’, ‘શરાબી’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં દમદાર અભિનયથી કરોડો દર્શકોને પોતાના ચાહક બનાવનાર અમિતાભ મુંબઈમાં પાંચ બંગલાના માલિક છે, પણ એ વર્ષોથી ‘જલસા’ બંગલામાં જ રહે છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલાહાબાદ)માં મશહૂર કવિ ડો. હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનનાં પરિવારમાં 1942ની 11 ઓક્ટોબરે અમિતાભનો જન્મ થયો હતો.

ફિલ્મી ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિશ્ચય કરીને અમિતાભ મુંબઈ આવ્યા હતા. પણ શરૂઆતમાં એમને કોઈ કામ મળતું નહોતું. રહેવા માટે કોઈ ઘર પણ નહોતું. એ વખતે એમને મુંબઈમાં કોમેડી એક્ટર અને નિર્માતા મેહમૂદે પોતાના ઘરમાં એમને ઉતારો આપ્યો હતો. એ જ અમિતાભ સમય જતાં સ્ટાર અને સુપરસ્ટાર અને આજે મેગાસ્ટાર બન્યા છે. આજે મુંબઈમાં એમના પાંચ-પાંચ બંગલા છે. ‘જલસા’ ઉપરાંત ‘પ્રતીક્ષા’, ‘જનક’ અને ‘વત્સ’. આ પાંચેય બંગલા વિલે પારલેના પશ્ચિમ ભાગના જુહૂ વિસ્તારમાં આવેલા છે.

જલસા બંગલો આશરે 10 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે.

અમિતાભ જલસામાં શિફ્ટ થયા એ પહેલાં ‘પ્રતીક્ષા’ બંગલામાં રહેતા હતા. ‘પ્રતીક્ષા’માં એ તેમના માતા-પિતા સાથે અનેક વર્ષો સુધી રહ્યા હતા. પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેકનું બાળપણ આ જ બંગલામાં વીત્યું હતું. માતા-પિતાનાં દેહાંત બાદ ‘પ્રતીક્ષા’માં અમિતાભનો જીવ લાગતો નહોતો એટલે તેઓ પત્ની જયા અને સંતાનો સાથે ‘જલસા’માં શિફ્ટ થયા હતા.

અમિતાભને પુસ્તકો અને પેઈન્ટિંગ્સનો પણ શોખ છે. એમણે ઘરમાં ઘણા પુસ્તકો વસાવ્યા છે અને ઘણા મશહૂર ચિત્રકારોના પેઈન્ટિંગ્સ દીવાલો પર સજાવ્યા છે.

‘જલસા’થી થોડેક જ દૂર અમિતાભનો અન્ય બંગલો ‘જનક’ આવેલો છે. અહીંયા જ એમણે પોતાની ઓફિસ બનાવી છે. ત્યાં એ મિડિયાકર્મીઓ તથા મહેમાનોને મળતા હોય છે.

અમિતાભનો એક અન્ય બંગલો પણ છે જે તેમણે એક મલ્ટીનેશનલ બેન્કને ભાડેથી આપ્યો છે. જોકે એના અમુક હિસ્સાનો ઉપયોગ બચ્ચન પરિવાર ક્યારેક પાર્ટીઓ માટે કરે છે.

આજે પોતાના જન્મદિવસ માટે શુભેચ્છા આપનાર તમામ પ્રશંસકો, સેલિબ્રિટી વ્યક્તિઓનો અમિતાભે આભાર માન્યો છે.

અમિતાભની આગામી ફિલ્મો છે

બ્રહ્માસ્ત્રઃ જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, નાગાર્જુન જેવા અન્ય કલાકારો પણ છે.

ચેહરેઃ ભેદભરમવાળી થ્રિલરમાં અમિતાભ સાથે ઈમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી, અનુ કપૂર છે.

ઝૂંડઃ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના દિગ્દર્શક નાગરાજ મંજુળે ઝૂંડ બનાવી રહ્યા છે. ‘સ્લમ સોકર’ના સર્જક વિજય બારસેના જીવન પર આધારિત આ ફિલ્મમાં અમિતાભ એમાં એક પ્રોફેસરનો રોલ કરી રહ્યા છે, જે શેરીના બાળકોને ફૂટબોલ ટીમ બનાવવા પ્રેરિત કરે છે.

તામિલ ફિલ્મઃ અમિતાભ પહેલી જ વાર એક તામિલ ફિલ્મ – Uyarndha Manithan માં જોવા મળશે.

આદીમાનવઃ પ્રભાસ અને દીપિકા પદુકોણ અભિનીત ‘આદીમાનવ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રભાસે આનો સંકેત સોશિયલ મિડિયા પર એક વિડિયો ક્લિપ દ્વારા આપ્યો છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થવાનું નિર્ધારિત છે.

આંખે 2: 2002માં આવેલી ‘આંખે’ ફિલ્મની સીક્વલમાં અમિતાભ કામ કરે એવો અહેવાલ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular