Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainment'ગંગૂબાઈ કાઠિયાવાડી'નું ફર્સ્ટ લૂક રિલીઝ; આલિયાનો માફિયા ક્વીન પોઝ

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું ફર્સ્ટ લૂક રિલીઝ; આલિયાનો માફિયા ક્વીન પોઝ

મુંબઈ – આલિયા ભટ્ટ અભિનીત અને સંજય લીલા ભણસાલી નિર્મિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા આ ફિલ્મમાં વેશ્યાલયની માલિકણ અને માફિયા ક્વીનનો, શિર્ષક રોલ કરી રહી છે.

આ ફિલ્મના બે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. આલિયાએ એમાં એક સાથે અનેક પ્રકારનાં હાવભાવ પ્રદર્શિત કર્યા છે.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ બનાવવાની ભણસાલીએ જ્યારથી ઘોષણા કરી છે ત્યારથી આ ફિલ્મ વિશે લોકોમાં ઉત્કંઠા વધી ગઈ છે. હવે જ્યારે ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે ત્યારે ઈન્ટરનેટ પર પ્રશંસકોએ એને ખૂબ વખાણ્યું છે.

ફિલ્મની નિર્માતા કંપની ભણસાલી પ્રોડક્શન્સે પોસ્ટરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. સાથેની કેપ્શનમાં લખ્યું છે: ‘શક્તિ. તાકાત. ભય. એક લૂક, હજાર હાવભાવ. પ્રસ્તુત છે #ગંગૂબાઈકાઠિયાવાડીનો ફર્સ્ટ લૂક. થિયેટરમાં રજૂ થશે 11 સપ્ટેંબર, 2020.’

આ પોસ્ટરમાં આલિયાને માફિયા ક્વીન તરીકે ઉલ્લેખવામાં આવી છે. એની આંખો જ બધું કહી જાય એવી છે. નાકમાં ચૂંક ધ્યાન ખેંચનારી છે તો કપાળ પર મોટો લાલ રંગનો ચાંદલો કર્યો છે.

બીજી તસવીરમાં આલિયા સાવ અલગ બ્લાઉઝમાં છે, એણે હાથમાં બંગડીઓ પહેરી છે, માથામાં બે ચોટલા વાળ્યા છે અને કપાળ પર લાલ રંગનો ચાંદલો કર્યો છે.

સાચે જ, આલિયાનો આ લૂક એકદમ હટકે છે. પોસ્ટરમાં આલિયાને એક ટેબલની બાજુમાં બેઠેલી બતાવવામાં આવી છે. ટેબલ પર રિવોલ્વર પડેલી જોઈ શકાય છે.

આલિયાએ પોતે જ સોશિયલ મિડિયા પર પોતાનું આ પોસ્ટર રિલીઝ કર્યું છે અને એની કેપ્શનમાં લખ્યું છેઃ ‘આવી ગઈ છે, ગંગૂબાઈ કાઠિયાવાડી.’

બોલીવૂડ હસ્તીઓથી લઈને સામાન્ય ઈન્ટરનેટ યૂઝર્સ તરફથી આલિયા પર અભિનંદનનો વરસાદ વરસાવવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં અજય દેવગન પણ દિલચસ્પ ભૂમિકામાં જોવા મળશે.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક ‘ક્વીન્સ ઓફ બોમ્બે’નું ફિલ્મી રૂપાંતર છે.

ગંગૂબાઈ કાઠિયાવાડી એવા વેશ્યાગૃહના માલિકણ હતા જેમણે મુંબઈના કમાઠીપુરા મોહલ્લાનો ચહેરો બદલી નાખ્યો હતો.

આલિયા ભટ્ટ આ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં શિર્ષક ભૂમિકા માટે પહેલાં પ્રિયંકા ચોપરાને પસંદ કરવામાં આવી હતી.

આલિયાએ ગયા ડિસેંબરમાં જ આ ફિલ્મમાં પોતે ટાઈટલ ભૂમિકા કરી રહી હોવાની જાહેરાત કરી હતી. એણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું કે, ‘જુઓ તો જરા, સાન્તાએ મને આ વર્ષે ગિફ્ટમાં શું આપ્યું છે.’

ફિલ્મ આ વર્ષની 11 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું છે.

આલિયા જુદા જુદા પાત્રો ભજવીને બહુ ઓછા સમયમાં બોલીવૂડમાં પોતાની છાપ ઊભી કરવામાં સફળ થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular