Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsEntertainmentફિલ્મફેર એવોર્ડ્સ-2023: આલિયા, રાજકુમાર રાવ શ્રેષ્ઠ અદાકાર ઘોષિત

ફિલ્મફેર એવોર્ડ્સ-2023: આલિયા, રાજકુમાર રાવ શ્રેષ્ઠ અદાકાર ઘોષિત

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં ઝમકદાર કામગીરી બજાવવા માટે દર વર્ષે કલાકારો અને કસબીઓને અપાતા ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહનું ગઈ કાલે અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ ગયેલા આ 68મા ફિલ્મફેર એવોર્ડ્સ કાર્યક્રમમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ છવાઈ ગઈ હતી. આ ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક (સંજય લીલા ભણસાલી) અને શ્રેષ્ઠ અભિનેત્રી (આલિયા ભટ્ટ) જેવા ટોચના એવોર્ડ કબજે કર્યા છે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રાજકુમાર રાવે જીત્યો છે, ‘બધાઈ દો’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા માટે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 2022ના ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. તેમાં એક એવી સામાન્ય યુવતીની વાર્તા છે જેને મુંબઈમાં વેશ્યાવાડે વેચી દેવામાં આવે છે જે બાદમાં અંધારીઆલમમાં અને મુંબઈમાં છેક અંગ્રેજોના વખતથી દેહવ્યાપારના કેન્દ્ર બની ગયેલા કમાઠીપુરા વિસ્તારની મોટી આગેવાન બની ગઈ હતી.

શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ) એવોર્ડ બે અભિનેત્રીને આપવામાં આવ્યો છે – ‘બધાઈ દો’ ફિલ્મમાં રાજકુમાર રાવની હિરોઈન બનેલી ભૂમિ પેડણેકરને અને ‘ભૂલ ભૂલૈયા 2’ માટે તબુને.

આ વખતના ફિલ્મફેર એવોર્ડ સમારોહનું સંચાલન એક્ટર સલમાન ખાન અને મનીષ પૌલે કર્યું હતું. એવોર્ડ નાઈટમાં આલિયા ભટ્ટ, રેખા, કાજોલ, આયુષમાન ખુરાના, નોરા ફતેહી, જ્હાન્વી કપૂર, વિકી કૌશલ સહિત બીજા અનેક કલાકારોએ હાજરી આપી હતી. વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, જેક્લીન ફર્નાન્ડિસ અને જ્હાન્વી કપૂરે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular