Monday, August 4, 2025
Google search engine
HomeNewsEntertainment‘સડક 2’ પછી ‘ખાલી પીલી’ના ટીઝર પર નેટયૂઝર્સે ઉતાર્યો ગુસ્સો

‘સડક 2’ પછી ‘ખાલી પીલી’ના ટીઝર પર નેટયૂઝર્સે ઉતાર્યો ગુસ્સો

મુંબઈઃ અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની આગામી હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે, પણ નેટયૂઝર્સે એમની નારાજગી આ ટીઝરને ડિસ્લાઈક કરીને પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે. નેટિઝન્સ ઓનલાઈન સંગઠિત થઈને ડિસ્લાઈક બટન પર ધડાધડ ક્લિક કરી રહ્યાં છે અને એમ કરવા માટે અન્યોને પણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બોલીવૂડના તેજસ્વી યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુથી ફિલ્મચાહકો આઘાતમાં છે. બોલીવૂડમાં ચાલતા નેપોટીઝમ (સગાંવાદ)ના દૂષણે સુશાંતનો ભોગ લીધો છે એ વાત નક્કી થતાં સુશાંતને ન્યાય અપાવવાની માગણીએ જોર પકડ્યું છે અને તે અંતર્ગત ઈન્ટરનેટ, સોશિયલ મિડિયા પર નેપોટીઝમ માટે સંભવતઃ જવાબદાર નિર્માતાઓ, કલાકારો પ્રતિ નેટયૂઝર્સ એમની નારાજગી દર્શાવી રહ્યાં છે.

નેપોટીઝમના દૂષણ માટે નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ પણ જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. તેથી જ એમની આગામી હિન્દી ફિલ્મ ‘સડક 2’ના થોડાક દિવસો પહેલાં રિલીઝ કરાયેલા ટ્રેલરને નેટયૂઝર્સે વિક્રમસર્જક સંખ્યામાં ડિસ્લાઈક કર્યું. તે આંકડો એક કરોડથી પણ આગળ નીકળો ગયો છે અને હવે આ ટ્રેલર દુનિયામાં યૂટ્યૂબ પર સૌથી વધુ ડિસ્લાઈક કરાયેલી પોસ્ટ બન્યું છે.

હવે નેટયૂઝર્સની ઝુંબેશ ‘ખાલી પીલી’ના ટીઝરને મોટી સંખ્યામાં ડિસ્લાઈક કરીને એને બીજો નંબર અપાવવાની છે.

અનન્યા અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે જ્યારે ઈશાન ખટ્ટર અભિનેતા શાહિદ કપૂરનો નાનો ભાઈ છે.

અલી અબ્બાસ ઝફર નિર્મિત અને મકબૂલ ખાન દ્વારા દિગ્દર્શિત ‘ખાલી પીલી’ના ટીઝરને રિલીઝ કરાયાને 3 દિવસ થયા છે અને અત્યાર સુધીમાં એનો ડિસ્લાઈકનો આંકડો 13 લાખને પાર કરી ગયો છે. જોકે યૂટ્યૂબ પર ભારતમાં આ ટીઝર ટ્રેન્ડિંગ-1 પર રહ્યું છે. ટીઝરમાં ઈશાન અને અનન્યાનાં એક્શનવાળા દ્રશ્યો જોવા મળે છે.

આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત અભિનીત ‘સડક 2’ ફિલ્મનું ટ્રેલર ડિસ્લાઈક મામલે પહેલા નંબરે છે. આ મહિનાના આરંભમાં તે રિલીઝ થયું એના પહેલા જ દિવસે 45 લાખ ડિસ્લાઈક્સનો અભૂતપૂર્વ આંકડો હાંસલ કર્યો હતો.

‘ખાલી પીલી’ મસાલા મનોરંજન મૂવી છે. જેની રિલીઝ તારીખ હજી નક્કી કરાઈ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular