Monday, November 17, 2025
Google search engine
HomeNewsGujaratIITGNના વિદ્યાર્થીઓએ ઓટોમેટિક ડ્રાઇવરલેસ ગોલ્ફ કાર્ટ બનાવી

IITGNના વિદ્યાર્થીઓએ ઓટોમેટિક ડ્રાઇવરલેસ ગોલ્ફ કાર્ટ બનાવી

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના 10 વિદ્યાર્થીઓએ એક સંપૂર્ણ કાર્યકારી સ્વાયત્ત વાહન વિકસાવ્યું છે જે ડ્રાઇવર વિના ચલાવી શકે છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના 10 વિદ્યાર્થીઓએ ઓટોનોમસ વ્હીકલ્સ કોર્સના ભાગરૂપે ઓટોમેટિક ડ્રાઇવરલેસ ગોલ્ફ કાર્ટ તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીના એક સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓએ આ ઇલેક્ટ્રીક ગોલ્ફ કાર્ટને એક અત્યાધુનિક ડ્રાઇવર વિનાના વાહનમાં પરિવર્તિત કર્યું છે. આ વ્હિકલ કેમ્પસ,  હોસ્ટેલ અને એકેડેમિક એરિયાને ઓટોમેટીકલી નેવિગેટ કરવા માટે સક્ષમ છે. ઇન્સ્ટિટયૂટના કુલ 10 બીટેક વિદ્યાર્થીઓએ આ વ્હિકલ વિકસાવ્યું છે. જેમાં 9 વિદ્યાર્થીઓ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અને 1 વિદ્યાર્થી કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના છે. વ્હિકલની શરૂઆતની ટેસ્ટમાં સ્પીડ 7 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે.વિદ્યાર્થીઓએ આ વ્હીકલને રેગ્યુલર કેમેરા, ડેપ્થ કેમેરા અને લિડર સહિતના સેન્સરથી સજ્જ કર્યા છે. આ ઉપરાંત સલામતી માટે સ્ટીયરીંગ મિકેનિઝમ, બ્રેકીંગ મિકેનિઝમ, એક્સિલરેશન કંટ્રોલ સિસ્ટમ તેમજ કોમ્પ્યુટર વિઝન એલ્ગોરિધમ્સ અને ઓટોમેટિક કંટ્રોલ એલ્ગોરિધમ્સ સહિતના હાર્ડવેર ફેરફારો પણ કર્યા છે. લેન ડિટેક્શન, અવરોધ શોધ, ઓટોમેટિક સ્ટીયરિંગ કંટ્રોલ અને ઓટોમેટિક બ્રેકીંગ અને એક્સિલરેશન સહિત સંપૂર્ણ સ્વાયત્ત કામગીરી માટે વાહનને સક્ષમ બનાવ્યું છે.

પ્રોફેસર હરીશ પી. એમ.એ આ વિશે વાત કરતા કહ્યું કે “વિદ્યાર્થીઓએ અસાધારણ કામ કર્યું છે. તેમણે ખુબ જ પડકારજનક કાર્ય પાર પાડ્યું છે. આ કાર્યમાં ઉચ્ચ-સ્તરની વિશ્વસનીયતા સાથે બહુવિધ આધુનિક ટેક્નોલોજીના રિયલ-વર્લ્ડના અમલીકરણની જરૂર પડે છે. ખુબ જ ઓછા સમયમાં વિદ્યાર્થીઓએ જટિલ કાર્યનું સફળ અમલીકરણ કર્યું છે. ઓટોનોમસ કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. તે સમય દૂર નથી જ્યારે આપણે તેમને એરપોર્ટ, કેમ્પસ કે મોલ્સમાં ફરતી જોઈશું.” સમગ્ર વિકાસ પ્રક્રિયા દરમિયાન ગેસ્ટ લેક્ચરર્સ, IITGN લેબોરેટરી સ્ટાફ અને શિક્ષણ સહાયકો તરફથી વિદ્યાર્થીઓને સમર્થન અને માર્ગદર્શન મળતું રહ્યું હતું. અંદાજે રૂ. 65,000 (વાહન અને કોમ્પ્યુટર સિવાય)ના કુલ બજેટ સાથે, વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કરવા માટે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો છે.

પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વિદ્યાર્થિની સાનિયા પટવર્ધને કહ્યું કે, “આ પ્રોજેક્ટ પર કામ કરવાનો અનુભવ અદ્ભુત હતો. આ એક લાંબો પ્રોજેક્ટ હતો જેમાં ઘણું સમર્પણ અને ઝીણવટભર્યું આયોજન જરૂરી હતું. પ્રોજેક્ટ દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular