Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat29 જુલાઈથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો શુભારંભ

29 જુલાઈથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો શુભારંભ

ગાંધીનગર: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો શુભારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 29મી જુલાઈના રોજ સવારે 9:00 કલાકે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ પર્વના કારણે સાપુતારા ખાતે પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે.પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ મોન્સૂન ફેસ્ટિવલ અંગે વધુ વિગતો આપતાં કહ્યું, દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ હાઉસ ગ્રાઉન્ડ, સાપુતારા ખાતે ઉદ્ઘાટન સમારંભમાં કાર્યક્રમની શરૂઆત પ્રવાસન નિગમની તોરણ હોટેલ સામેથી રંગબેરંગી પરેડથી થશે. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, અલગ-અલગ વેશભૂષામાં પાત્રો, ડાંગી આદિવાસી નૃત્ય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરાશે. રંગબેરંગી પરેડ બાદ સાપુતારા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલ ડોમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અંતે સાપુતારા સર્કલ પાસે મુખ્યમંત્રી ‘રેઇન રન મેરેથોન’નું ફ્લેગ ઓફ કરાવશે.પ્રવાસીઓને ડાંગની સંસ્કૃતિ અંગે પરિચય કેળવાય અને સ્થાનિક કલાકારોને રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્રવાર, શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસે સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં-હાંડી કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ આસપાસ આવેલા ૧૮ જેટલાં મુખ્ય જોવાલાયક સ્થળો માણવા મળશે.  જેમાં, ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ – મહાલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલયો, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન,સાપુતારા તળાવ, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. આ સાથે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વરલી આર્ટસ, હેન્ડિક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે.પ્રવાસન મંત્રી મૂળુભાઈએ જણાવ્યું, સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય હંમેશા પ્રવાસીઓની પ્રથમ પસંદ રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલના ફળશ્રુતિરૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૮.૧૬ લાખ જ્યારે વર્ષ ૨૦૨૩માં સાપુતારા ફેસ્ટિવલમાં ૨.૪૪ લાખથી વધુ સહિત એમ સમગ્ર વર્ષમાં  કુલ ૧૧.૧૩ લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. આમ સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે. જેથી જીવન સ્તરમાં સુધારો થયો છે.ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ ૩,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરિઝમ દ્વારા સાપુતારાને ગેસ્ટહાઉસ, બગીચા, સ્વિમિંગ પુલ, બોટ ક્લબ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતું આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular