Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratઅંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ રાજ્યની સુખાકારી માટે જગત જનની આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા. આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે.

નવીન બિલ્ડીંગમાં પાર્કિંગ, મલ્ટી પર્પજ હોલ, ૧૦ વર્ગખંડો, છાત્રાલય માટે ૪૯ જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર હોલ, યજ્ઞ શાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે. અહી નોંધનીય છે કે, શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ ૧૯૬૨થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ,ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના ૫,૧૦૭ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડી.કે.ત્રિવેદી ભવન, અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાયું હતું. જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular