Sunday, July 13, 2025
Google search engine
HomeNewsBusinessફેડ રિઝર્વે મોંઘવારીને કાબૂમાં લેવા વ્યાજદરોમાં 0.75%નો વધારો કર્યો

ફેડ રિઝર્વે મોંઘવારીને કાબૂમાં લેવા વ્યાજદરોમાં 0.75%નો વધારો કર્યો

નવી દિલ્હીઃ અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે ચાર દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચેલી મોંઘવારીને કાબૂમાં કરવા માટે સતત ચોથી વાર વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ એટલે કે 0.75 ટકાના વધારાની જાહેરાત કરી છે. એ સાથે બેન્કે સંકેત આપ્યા છે કે મોંઘવારીને કાબૂમાં કરવા માટે વ્યાજદરોમાં વધારાનું પગલું છેલ્લા તબક્કાએ પહોંચી ગયું છે. બેન્કે કહ્યું હતું કે અમેરિકામાં મોંઘવારી દરને કાબૂમાં કરવા માટે વ્યાજદરોમાં વધારો એકમાત્ર ઉપાય છે.

 ફેડે કહ્યું હતું કે સમયની સાથે મોંઘવારીને બે ટકાએ લાવવાની જરૂર છે. ફેડની ઓપન માર્કેટ કમિટીએ બે દિવસની મીટિંગ પછી કહ્યું હતું કે ભવિષ્યમાં મોંઘવારીમાં વધારાની સંભાવનાઓને જોતાં સમિતિ ધિરાણની નીતિને આકરી કરવા પર ગંભીરતાથી વિચાર કરશે. આકરી ધિરાણ નીતિને કારણે આર્થિક કામગીરી પર અસર ના પડે અને મોંઘવારીમાં કાબૂમાં કરી શકાય એવાં પગલાં લેવામાં આવશે. ફેડે કહ્યું હતું કે અમેરિકામાં આર્થિક વિકાસમાં અડચણો નહીં આવવા દેવાય. અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વની ધિરાણ નીતિની સમિતિનું આ નિવેદન બાંધકામ અને રોજગારીના તાજા આંકડા આવ્યા બાદ આવ્યું છે. છેલ્લા સમયથી અમેરિકામાં હાઉસિંગ અને ઉત્પાદન ક્ષેત્રમાં મંદી જોવા મળી રહી છે.

સમિતિએ વ્યાજદરોને 3.75-4ના દાયરામાં રાખવાની સહમતી દર્શાવી છે. અમેરિકામાં વ્યાજદરો વર્ષ 2008 પછીના ઉચ્ચ સ્તરે છે. જોકે ફેડરલ રિઝર્વે  વ્યાજદરોમાં વધારા સાથે એ પણ સંકેત આપ્યા હતા કે બેન્ક ગમેત્યારે વ્યાજદરમાં ઘટાડો પણ કરી શકે છે. બેન્કે વ્યાજદરોમાં છઠ્ઠી વાર વધારો કર્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular