Monday, May 26, 2025
Google search engine
HomeNewsBusinessCBI સેબીના અધિકારીઓની ભૂમિકાનું સત્ય ઉજાગર કરશે

CBI સેબીના અધિકારીઓની ભૂમિકાનું સત્ય ઉજાગર કરશે

નવી દિલ્હીઃ NSEના કો-લોકેશન કેસમાં CBIએ તપાસનો વ્યાપ વધાર્યો છે. કેન્દ્રીય એજન્સીએ કો-લોકેશન કૌભાંડમાં ઊંડે ઊતરીને સત્ય શોધી કાઢવા માટે ૩૦ સભ્યોની ટુકડી બનાવી છે. CBIએ બુધવારે વિશેષ અદાલતમાં આ બાબતની જાણ કરી હતી, એમ અહેવાલ કહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યનની ધરપકડ બાદ હજી વધુ લોકોને કસ્ટડીમાં લેવાની તૈયારીઓ થઈ રહી છે.CBIએ હવે સેબીના અધિકારીઓની સંડોવણીના એન્ગલથી પણ તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ઘણાં વર્ષોમાં પહેલી વાર CBIએ આટલી મોટી ટીમને કોઈ કેસમાં ઉતારી છે.

સરકારે NSEના પ્રકરણમાં કોનું ભેજું કામ કરી ગયું છે એ જાણી લેવા માટે કમર કસી હોય એવું પહેલી વાર દેખાઈ રહ્યું છે. ચિત્રા અને આનંદ પછી હવે અજય શાહની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે શાહ સામે આરોપ છે કે તેમણે સંશોધનને નામે NSE પાસેથી ડેટા લઈને તેનો દુરુપયોગ કર્યો હતો. CBIની વર્ષ ૨૦૧૮ની FIRમાં પણ તેમનું નામ હતું.

CBI અદાલતે NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર અને MD-CEOના સલાહકાર આનંદ સુબ્રમણ્યનને ૧૪ દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે. અગાઉ એમની કસ્ટડી ૯ માર્ચ સુધીની હતી.

ચિત્રા રામકૃષ્ણને સોમવારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં ત્યારે તેમણે આનંદ સુબ્રમણ્યનને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. તેમના આ વલણને શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિને પોતે જ એક્સચેન્જમાં લઈ આવ્યાં હોય તેને ઓળખતાં નહીં હોવાનું તેઓ કઈ રીતે કહી શકે એ એક સવાલ છે. અમુક લોકો તેમના આ વલણને માનસિક અસ્થિરતાનું બહાનું કાઢીને કેસમાંથી ખસકી જવાની ચાલ ગણી રહ્યા છે. CBIએ કહ્યું છે કે હવે ચિત્રા અને આનંદની સામસામે બેસાડીને ઊલટતપાસ કરવામાં આવશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular