Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessકંપનીઓનાં Q3નાં નિરાશાજનક પરિણામોએ સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટ્યો

કંપનીઓનાં Q3નાં નિરાશાજનક પરિણામોએ સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ મોટા ભાગની કંપનીઓનાં સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પ્રતિકૂળ આવતાં ઘરેલુ શેરબજારમાં વેચવાલી થઈ હતી. આ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીએ બળતામાં ઘી હોમ્યું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા હતા.  સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 80,220 અને નિફ્ટી 24,500ની નીચે સરક્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી ચાલુ રહી હતી. રોકાણકારોના રૂ. 9 લાખ કરોડ ડૂબ્યા હતા.

સ્થાનિક બજારમાં સેન્સેક્સ અન્ નિફ્ટી એક ટકાથી વધુ તૂટ્યા હતા.  BSEના બધા ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. નિફ્ટી 19 ઓગસ્ટનું નીચલું સ્તર તોડ્યું હતું. વિદેશી રોકાણકારો છેલ્લા ઘણા સમયથી ઘરેલુ શેરબજારમાં વેચવાલ રહ્યા છે. તેમણે આ મહિને અત્યાર સુધી રૂ. એક લાખ કરોડથી વધુની વેચવાલી કરી છે. તેમના તરફથી એક મહિનામાં કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી વેચવાલી છે.

દેશની બીજા ક્રમની સૌથી મોટી ઓટો કંપની હ્યુન્ડાઇ લિ.ના શેરો ડિસ્ટાઉન્ટમાં લિસ્ટિંગ થયા હતા. ઇન્ટ્રા-ડે દરમ્યાન કંપનીના શેરોમાં 1.38 કરોડ શેરોનાં કામકાજ થયાં હતાં. કંપનીના શેર રૂ. 1931 પર લિસ્ટ થયા હતા. ત્યાર બાદ ટ્રેડિંગ સેશનના અંતે ત્રણ ટકા તૂટીને બંધ રહ્યા હતા. કંપનીના નિરાશાજનક લિસ્ટિંગથી રોકાણકારો નિરાશ થયા હતા. રોકાણકારોએ બે સેશનમાં રૂ. 13 લાખ કરોડ ગુમાવ્યા હતા.

BSE એક્સચેન્જ પર કુલ 4198 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1906 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2308 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 152 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 223 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 238 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular