Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessસેન્સેક્સ 51,000ને પારઃ નિફ્ટીએ 15,300ની પ્રતિકારક-સપાટી વટાવી

સેન્સેક્સ 51,000ને પારઃ નિફ્ટીએ 15,300ની પ્રતિકારક-સપાટી વટાવી

અમદાવાદઃ ફાઇનાન્શિયલ, આઇટી અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલીને પગલે સળંગ ચોથા સેશનમાં શેરોમાં તેજી થઈ હતી. BSE સેન્સેક્સે 380 પોઇન્ટ ઊછળીને 51,000ની મહત્ત્વની સપાટીની કુદાવીને 51,017.52 ઉપર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 93 પોઇન્ટ વધીને 15,300ની અતિ મહત્ત્વની સપાટી કુદાવીને 15,301.45ના મથાળે બંધ આવ્યો હતો. એક્સપાયરી દિવસના એક દિવસ પહેલાં બજારમાં તેજી થઈ હતી. 12 માર્ચ પછી પહેલી વાર સેન્સેક્સ 51,000ની પાર અને નિફ્ટી ઇન્ડેક્સ 15,300ને પાર થયો હતો.    

શેરબજારમાં મે કોન્ટ્રેક્ટ સિરીઝનો આવતી કાલે છેલ્લો દિવસ છે. વળી, નિફ્ટી ઇન્ડેક્સ એના પ્રતિકારક લેવલ 15,300ની ઉપર છે, એટલે નિફ્ટી કદાચ નવી ઊંચી સપાટી સર કરે એવી શક્યતા છે. હાલ બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટીએ જૂના રેકોર્ડ ક્લોઝિંગ 15,313ની સપાટી ટચ કરી હતી. જોકે નિફ્ટીનો વોલેટિલિટી વીઆઇએક્સ ઇન્ડેક્સ 11 ટકા વધ્યો છે. જેથી બજારમાં વોલેટિલિટી વધે એવી શક્યતા છે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં સુધારાની સંભાવના છે, જેને લીધે રોકાણકારો શેરોમાં લેવાલી ચાલુ રાખી હતી. વળી મેટલ સિવાયના બધાં સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી.

ક્રેડિટ સુઇસે મેટલ સેક્ટરનું રેટિંગ ડાઉનગ્રેડ કરતાં મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ ઉપરાંત સરકારી બેન્ક શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 23 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે સાત શેરોમાં મંદી હતી.

સેન્સેક્સની કંપનીઓમાં બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને એચડીએફસીના શેર તેજીમાં હતા. જોકે પાવરગ્રિડ, એનટીપીસી, ઓએનજીસી અને કોટક બેન્કના શેરો ઘટીને બંધ રહ્યા હતા.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular