Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessસુબ્રત રોય સહારાશ્રી (75)નું નિધનઃ સ્કૂટરથી લઈને એરલાઈનના માલિક; આશ્ચર્યજનક જીવનયાત્રા

સુબ્રત રોય સહારાશ્રી (75)નું નિધનઃ સ્કૂટરથી લઈને એરલાઈનના માલિક; આશ્ચર્યજનક જીવનયાત્રા

મુંબઈઃ દેશના ટોચના ઔદ્યોગિક ગૃહમાંના એક, ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સ્પોન્સર કંપની તથા અનેક ફિલ્મી સિતારાઓને મદદરૂપ થનાર સહારા ઈન્ડિયા ગ્રુપના માલિક સુબ્રત રોય ‘સહારાશ્રી’નું ગઈ કાલે રાતે અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં હૃદય બંધ પડી જવાને કારણે નિધન થયું હતું. તેઓ 75 વર્ષના હતા અને એમને લાંબા સમયથી હૃદયની તથા બીજી કેટલીક ગંભીર બીમારીઓ હતી. એમને ગઈ 12 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમના પરિવારમાં એમના પત્ની સ્વપ્ના અને બે પુત્ર – સુશાંતો અને સીમાંતો છે. સહારા ઈન્ડિયા પરિવાર ગ્રુપ તરફથી સુબ્રત રોયના નિધનના સમાચાર બહાર પાડવામાં આવ્યા હતા.

મૂળ બિહારના અરરિયાના વતની સુબ્રત રોય ‘સહારાશ્રી’ તરીકે ઉદ્યોગજગતમાં પ્રસિદ્ધ થયા છે. લાગણીશીલ વ્યક્તિ અને સફળ ઉદ્યોગપતિ તરીકેની એમની જીવન સફર આશ્ચર્યજનક અને પ્રેરણાત્મક રહી છે. યુવાનીમં તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપૂરના રસ્તાઓ પર લેમ્બ્રેટા સ્કૂટર પર ફરસાણ અને બિસ્કીટ વેચવાનું કામ કરતા હતા. આગળ જતાં તેઓ એરલાઈન કંપની એર સહારાના માલિક બન્યા હતા.

1948ની 10 જૂને અરરિયામાં જન્મેલા સુબ્રત રોય કામકાજની શોધમાં કુટુંબીજનો સહિત ગોરખપૂરમાં સ્થાયી થયા હતા અને ત્યાં ભાડાની જગ્યામાં રહેતા હતા. ગોરખપૂરમાં જ એમણે શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને આગળ જતાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હતો. બાદમાં એમણે ગોરખપુરમાં જયા પ્રોડક્ટ્સ નામે ફરસાણના પેકેટ્સ વેચીને પોતાની ધંધાકીય કારકિર્દીની શરાત કરી હતી. 1978માં એમણે પાંચ જણ સાથે મળીને સહારા ગ્રુપની નાના પાયે સ્થાપના કરી હતી.

ગ્રુપ આગળ જતાં અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરતું થયું હતું. જેમ કે, નાણાકીય, રિયલ એસ્ટેટ, મીડિયા અને હોસ્પિટેલિટી વગેરે. મહારાષ્ટ્રમાં લોનાવલા નજીક એમ્બી વેલી એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

સુબ્રત રોયને મળેલા પુરસ્કારોઃ

  • રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર (2001)
  • બિઝનેસમેન ઓફ ધ યર (2002)
  • ઉત્કૃષ્ટ ઉદ્યોગપતિ (2002)
  • રોટરી ઈન્ટરનેશનલ તરફથી ઉત્કૃષ્ટ ઉદ્યોગપતિ (2010)
  • રાષ્ટ્રીય ઉડ્ડયન પુરસ્કાર (2010)
  • ભારતના ટોચના 10 સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિમાં સમાવેશ (2012)
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular