Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsBusinessડુંગળીની કિંમતો ચાર દિવસમાં બમણી થઈ

ડુંગળીની કિંમતો ચાર દિવસમાં બમણી થઈ

નવી દિલ્હીઃ ગરીબની કસ્તૂરી ડુંગળીની કિંમતો ચાર દિવસમાં બમણી થઈ ગઈ છે. થોડા સમય પહેલાં રૂ. 20થી રૂ. 40માં મળતી ડુંગળી રિટેલ માર્કેટમાં રૂ. 80-90એ પહોંચી છે. ડુંગળીની વધતી કિંમતોથી માત્ર જનતા જ નહીં પણ સરકારો પણ પરેશાન છે, કેમ કે આવનારા દિવસોમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. જોકે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે.

આ વર્ષે ડુંગળી પેદા કરતાં રાજ્યો –મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓછા પડેલા વરસાદને લીધે ડુંગળીની ઊપજ ઓછી થઈ છે. આ ઉપરાંત એની પાછળ જમાખોરી પણ એક કારણ છે. સ્ટોકિસ્ટોએ ઊંચી કિંમતે ડુંગળી વેચવા માટે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરી રાખ્યો છે.

સરકારે હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાંથી ડુંગળીનો સ્ટોક મગાવ્યો છે. સરકારે આ સીઝન માટે ડુંગળીનો બફર સ્ટોક પાંચ લાખ ટનનો રાખ્યો હતો, પરંતુ એમાંથી બે લાખ ટન વેચી ચૂકી છે. જેથી સરકાર હવે અન્ય રાજ્યોમાંથી બે લાખ ટન ડુંગળી ખરીદવાની તૈયારી કરી રહી છે.

સરકારે રિટેલ બજારમાં ડુંગળી ઉપલબ્ધતા જાળવી રાખવા નિકાસ પ્રતિ ટન લઘુતમ નિકાસ કિંમત 800 અમેરિકી ડોલર રાખી છે. જોકે હવે સરકાર ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે સ્ટોક મર્યાદા મૂકે એવી શક્યતા છે. જો સરકાર ડુંગળી પર સ્ટોકમર્યાદા મૂકશે તો કોલ્ડ સ્ટોરેજોમાં મૂકેલો માલ બજારમાં આવવા લાગશે. જો આ માલ બજારમાં આવશે તો રિટેલ બજારમાં ડુંગળીની કિંમતો કાબૂમાં રહેવાની ધારણા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular