Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusiness'નોટ-ફિટ-એન્ડ-પ્રોપર' જાહેર કરાયેલા બ્રોકરોનો બચાવ કરતા ચિદમ્બરમ

‘નોટ-ફિટ-એન્ડ-પ્રોપર’ જાહેર કરાયેલા બ્રોકરોનો બચાવ કરતા ચિદમ્બરમ

મુંબઈઃ વર્ષ 2013માં દેશમાં ગાજેલી નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ની પેમેન્ટ કટોકટીના કેસમાં ‘સેબી’એ ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કરેલા બ્રોકરોનો બચાવ કરવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ સર્વોચ્ચ અદાલતમાં કેસ લડી રહ્યા હોવાનો મુદ્દો હાલ નાણાકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એનએસઈએલ એ 63 મૂન્સ ટેક્નોલોજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ – એફટીઆઇએલ)ની પેટા કંપની હતી, જેમાં 5,600 કરોડ રૂપિયાની પેમેન્ટ કટોકટી સર્જાઈ હતી. કોમોડિટી બ્રોકરો – આનંદ રાઠી કોમોડિટીઝ, મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ અને જિયોફિન કોમટ્રેડને ‘સેબી’એ ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કર્યા છે. એ બ્રોકરો વિરુદ્ધ પોતે કરેલા કેસની સુનાવણી કરવા માટે સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)ને આદેશ આપવો એવી અપીલ એનએસઈએલે સર્વોચ્ચ અદાલતમાં કરી છે.

અહીં નોંધવું ઘટે કે એનએસઈએલ કટોકટી બહાર આવી એ સમયે ચિદમ્બરમ નાણાપ્રધાન હતા. ફોરવર્ડ માર્કેટ્સ કમિશને એનએસઈએલ અને તેના પ્રમોટર વિરુદ્ધ ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ના માપદંડની કલમ લાગુ કરી હતી. તેને પગલે પ્રમોટર 63 મૂન્સે પોતે સ્થાપેલાં અનેક એક્સચેન્જોમાંથી હિસ્સો વેચી દેવો પડ્યો હતો. 63 મૂન્સે એ વેચાણને લીધે થયેલા નુકસાન સબબ ચિદમ્બરમ અને બે ભૂતપૂર્વ આઇએએસ ઓફિસરો – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો પણ કર્યો છે.

આ વિષયે એનએસઈએલના એક પ્રવક્તાએ કહ્યા મુજબ એક્સચેન્જ અને તેના પ્રમોટરો વિરુદ્ધ કાર્યવાહી કરાવીને હવે પી. ચિદમ્બરમ બ્રોકરોને ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’માંથી બચાવવા પડ્યા છે. આના પરથી એમનો પૂર્વગ્રહ અને બદઈરાદો સ્પષ્ટ થાય છે. એનએસઈએલમાં ડિફોલ્ટ દ્વારા કટોકટી સર્જીને 63 મૂન્સ ગ્રુપને એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર કાઢી દેવા માટે ષડ્યંત્ર ઘડવામાં આવ્યું હતું. એમ કરીને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્પર્ધાથી બચાવ કરવામાં આવ્યો હતો, કારણ કે એમાં ચિદમ્બરમનું સ્થાપિત હિત છે.

નોંધનીય છે કે એનએસઈએલની કટોકટી 2013માં બહાર આવી હતી અને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ બ્રોકરોની સંડોવણીનો અહેવાલ 2015માં તૈયાર કર્યો હતો. એ અહેવાલ મુજબ બ્રોકરોએ લોકોને નિશ્ચિત વળતરની બાંયધરી આપવી, કેવાયસીની ગરબડ કરવી, ક્લાયન્ટ કોડમાં મોડિફિકેશન કરવું, બેનામી ભંડોળનો ઉપયોગ કરવો, વગેરે ગેરરીતિઓ આચરી હતી. ઈઓડબ્લ્યુએ કેટલાંક બ્રોકરેજ હાઉસીસના ઉચ્ચાધિકારીઓની ધરપકડ પણ કરી હતી. ગેરરીતિ બદલ સેબીએ ઉક્ત પાંચ બ્રોકરોને જવાબદાર ગણાવીને ફેબ્રુઆરી 2019માં ‘નોટ ફિટ એન્ડ પ્રોપર’ જાહેર કર્યા હતા. આ બાબતોને ધ્યાનમાં લઈએ તો અત્યારે આશ્ચર્ય એ વાતનું છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન ધારાશાસ્ત્રી તરીકે નોટ ફિટ એન્ડ પ્રોપર કેસમાં બ્રોકરોનો બચાવ કરી રહ્યા છે.

(Image courtesy: Wikimedia Commons)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular