Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessમદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સ્પાઈસજેટ અપીલમાં જશે

મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સ્પાઈસજેટ અપીલમાં જશે

નવી દિલ્હીઃ દેશમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવતી સ્પાઈસજેટને તેની એરલાઈન બંધ કરવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને એરલાઈનની સંપત્તિઓને કબજામાં લેવાનું સત્તાવાર લિક્વિડેટરને જણાવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની વૈશ્વિક સ્તરની ઈન્વેસ્ટમેન્ટ બેન્ક અને નાણાકીય સેવાઓ પૂરી પાડતી કંપની ક્રેડિટ સૂઈસ AGને 2 કરોડ 41 લાખ ડોલરની રકમની ચૂકવણી ન કરવાને લગતા એક કેસના સંબંધમાં હાઈકોર્ટે ખાનગી ક્ષેત્રની કંપની સ્પાઈસજેટને એરલાઈન બંધ કરવા કહ્યું છે.

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ આર. સુબ્રમણ્યને જોકે સ્પાઈસજેટ જો બે અઠવાડિયાની અંદર 50 લાખ ડોલરની રકમ જમા કરાવતી હોય તો પોતાના આદેશના અમલને ત્રણ અઠવાડિયા સુધી સ્થગિત અવસ્થામાં રાખ્યો છે. સ્પાઈસજેટે ગઈ કાલે શેરબજારોને મોકલેલા સંદેશામાં કહ્યું છે કે તે આ ચુકાદા સામે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા પરવાનગીકૃત સમયમર્યાદાની અંદર અપીલમાં જવા સહિત ઉચિત ઉપાયકારી પગલાં ટૂંક સમયમાં જ લેશે. કંપનીનું માનવું છે કે પાત્રતાના ધોરણે તેનો કેસ મજબૂત છે અને અપીલમાં ચુકાદો પોતાની તરફેણમાં આવવાની એને આશા છે.

ક્રેડિટ સૂઈસ એજી કંપનીએ ભારતના કંપની કાયદાની જોગવાઈઓ અંતર્ગત મદ્રાસ હાઈકોર્ટમાં સ્પાઈસજેટ વિરુદ્ધ કેસ કર્યો છે. કંપની કાયદાની જોગવાઈ અંતર્ગત કોઈ પણ કંપની જો એનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય તો એનો બિઝનેસ સમાપ્ત કરાવી દેવાની ભારતની કોઈ પણ અદાલતને છૂટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસજેટે વિમાનોના સર્વિસિંગ કામકાજ માટે સ્વિટ્ઝરલેન્ડની એન્જિન મેન્ટેનન્સ સર્વિસીસ કંપની SRT ટેક્નિક્સ સાથે 2011ના નવેમ્બરમાં 10-વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. પરંતુ, સ્વિસ કંપનીએ પેમેન્ટ મેળવવાનો પોતાનો અધિકાર 2012ના સપ્ટેમ્બરમાં ક્રેડિટ સૂઈસને તેની સાથે કરેલા એક કોન્ટ્રાક્ટના અનુસાર વેચી દીધો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular