Friday, July 25, 2025
Google search engine
HomeNewsBusinessનિફ્ટીએ સૌપ્રથમ વાર 20,000ની સપાટી સર કરી

નિફ્ટીએ સૌપ્રથમ વાર 20,000ની સપાટી સર કરી

અમદાવાદઃ શેરબજારો સતત સાતમા દિવસે તેજી સાથે બંધ થયા હતા. NSEના નિફ્ટી50એ 11 સપ્ટેમ્બરે ઇતિહાસ રચ્યો છે. સૌપ્રથમ વાર નિફ્ટીએ 20,000ની સપાટી સર કરી હતી. જ્યારે સેન્સેક્સે પણ 67,000ની સપાટી સર કરી હતી. જુલાઈમાં નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. ત્યાર બાદ એમાં કરેક્શન આવ્યું હતું. નિફ્ટી ને સેન્સેક્સ પર વિદેશી બજારોથી આવનારા સંકેતોની અસર નથી થઈ. બંને સૂચકાંકો સપ્તાહના પ્રથમ દિવસે બે-બે ટકા વધ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી.

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 528.17 પોઇન્ટ ઊછળીને 67,127.08ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 176.40 પોઇન્ટ ઊછળી 20,008.15ની ઊંચી સપાટી બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 19,996.35ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી પર અદાણી પોર્ટ્સના શેરોમાં સાત ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝીસમાં આશરે ચાર ટકા તેજી જોવા મળી હતી. કોલ ઇન્ડિયામાં સૌથી વધુ 1.15 ટકા તૂટ્યો હતો.

આ વર્ષે નિફ્ટી અત્યાર સુધી 17 ટકા ઊછળી ચૂક્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લાર્જકેપ શેરોની તુલનાએ વધુ તેજી જોવા મળી છે. મિડકેપ ઇન્ડેક્સ 41 ટકા ઊછળ્યો છે, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 47 ટકા ઊછળ્યો છે. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ શેરોની ધૂમ ખરીદી કરી હતી, જેથી બજારમાં તેજી થઈ હતી. તેમણે અત્યાર સુધીમાં રૂ. 33,397 કરોડના શેરોની ખરીદી કરી હતી.  જેથી રોકાણકારોની સંપત્તિમાં 3.31 લાખ કરોડનો વધારો થયો હતો.

BSE પર કુલ 3942 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાંથી 2114 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1658 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 170 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 370 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 17 શેરો 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular