Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessટ્વિટરના નવા-CEO પરાગ અગ્રવાલ પહોંચ્યા ઉન્નતિની ટોચે

ટ્વિટરના નવા-CEO પરાગ અગ્રવાલ પહોંચ્યા ઉન્નતિની ટોચે

સેન ફ્રાન્સિસ્કોઃ લોકપ્રિય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટરની 16 વર્ષ પહેલાં સ્થાપના કરનાર જેક ડોર્સેએ કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) પદેથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ ભારતમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા પરાગ અગ્રવાલને નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. 37-વર્ષીય અગ્રવાલ 2011ની સાલથી ટ્વિટર સાથે સંકળાયેલા છે. છેક દસ વર્ષમાં તેઓ કંપનીમાં ટોપ રેન્ક પર પહોંચ્યા છે. અમેરિકાના સ્ટોક માર્કેટ ઈન્ડેક્સ S&P 500 (સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ 500), જે જાહેરમાં ટ્રેડ થતી ટોચની 500 અમેરિકન કંપનીઓની યાદી છે, તેના જણાવ્યાનુસાર, પરાગ અગ્રવાલ સૌથી યુવાન વયના સીઈઓ છે. આ યાદીમાં જોકે તેઓ પહેલા નથી, પરંતુ ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સાથે થયા છે.

અગ્રવાલે ભૂતકાળમાં માઈક્રોસોફ્ટ, યાહૂ અને એટીએન્ડટી જેવી ધુરંધર કંપનીઓમાં સંશોધકની ભૂમિકામાં કામ કર્યું હતું. એમણે મશીન લર્નિંગ, રેવેન્યૂ, કન્ઝ્યૂમર એન્જીનિયરિંગ જેવા વિભાગોમાં કામ કર્યું છે. તેઓ કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી અને મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થી હતા. તેઓ 2011માં સેન ફ્રાન્સિસ્કોસ્થિત ટ્વિટરમાં જોડાયા ત્યારે એના માત્ર 1,000 કર્મચારીઓ હતા. 2017ની સાલથી તેઓ કંપનીમાં ચીફ ટેક્નિકલ ઓફિસર પદે રહ્યા છે. ગયા વર્ષના અંતે કંપનીના કર્મચારીઓની સંખ્યા 5,500 હતી. પરાગ અગ્રવાલની પત્નીનું નામ વિનીતા છે. તેઓ અમેરિકામાં ખાનગી વેન્ચર કેપિટલ કંપની એન્ડ્રીસન હોરોવિટ્ઝમાં જનરલ ભાગીદાર છે. દંપતીને એક પુત્ર છે. અમેરિકાના સિલિકોન વેલીમાં હાલ અનેક ટોચના હોદ્દાઓ પર અસંખ્ય ભારતીય-અમેરિકન બિરાજેલા છે. આમાં આલ્ફાબેટના સુંદર પિચાઈ, આઈબીએમના અરવિંદ ક્રિષ્ના, માઈક્રોસોફ્ટના સત્યા નડેલાનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular