Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessમેડ ઇન ઇન્ડિયા: ગુજરાતની 7 બ્રાન્ડ જે દેશભરમાં લોકપ્રિય

મેડ ઇન ઇન્ડિયા: ગુજરાતની 7 બ્રાન્ડ જે દેશભરમાં લોકપ્રિય

અમદાવાદઃ વિશ્વ એક ગામડું બની રહ્યું છે, એવું કોરોના વાઇરસ રોગચાળો વિશ્વમાં પ્રસર્યો એ પહેલાં કહેવામાં આવતું હતું, પણ આ વાઇરસે વિશ્વની વ્યાખ્યા બદલી નાખી છે. દરેક દેશ અન્ય દેશો પરનું અવલંબન ઘટાડી રહ્યો છે અને આત્મનિર્ભર બનવા પ્રયાસ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ 12 મેએ એમના રાષ્ટ્રજોગ ટીવી સંબોધનમાં આત્મનિર્ભર બનવા માટે લોકલને વોકલની હાકલ કરી છે. તેમણે સ્વદેશી અપનાવવા સાથે સ્થાનિક અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સ્થાનિક ખરીદી પર ભાર મૂક્યો છે. ત્યારે વડા પ્રધાન મોદીના હોમ સ્ટેટ ગુજરાતની કેટલીક સૌથી વધુ આઇકોનિક-લોકપ્રિય બ્રાન્ડ જોઈએ. આ બ્રાન્ડોએ રાજ્ય અને દેશી સીમાડાઓ બહાર અનેક સફળતા અને લોકપ્રિયતા મેળવી છે. આ આઇકોનિક બ્રાન્ડ ઘણી જાણીતી અને માનીતી છે, જે ગુજરાતી ખમણ-ઢોકળાં જેટલી જ પ્રખ્યાત છે. આ કંપનીઓની રાજ્યને ત્રીજું અર્થતંત્ર બનાવવામાં મોટી ભૂમિકા છે. આ કંપનીઓનું મૂલ્ય રૂ. 18.9 લાખ કરોડ (270 અબજ ડોલર) છે, જે વિયેટનામની GDP કરતાં પણ વધુ છે.

આણંદથી અમૂલ

મૂળરૂપે ગુજરાતના મધ્યમાં આવેલા ખેડામાં દૂધઉત્પાદક ખેડૂતો દ્વારા સામૂહિક રૂપે વર્ષ 1946માં સ્થાપના કરવામાં આવી હતી. જોકે આનો હેતુ ખેડૂતોને તેમના નાશવંત ઉત્પાદન માટે વાજબી કિંમત અપાવવાનો હતો. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની રચના કરવામાં આવી હતી. આમાં ખેડૂતો પાસેથી દૂધ એકત્ર કર્યા પછી અગાઉના બોમ્બે રાજ્યનાં બજારોમાં દૂધ પહોંચાડવા માટે એના પર પ્રક્રિયા અને પેસ્ટ્યુરાઇઝ્ડ કરવામાં આવતું હતું. આ જ રીતે જિલ્લામાં  સમાન મોડેલને આધારે અન્ય યુનિયનોની પણ રચના કરવામાં આવી હતી. જોકે એ બાદમાં એક કંપનીની રચના કરીને એમાં આ યુનિયનો ભેળવી દેવામાં આવ્યાં હતાં. જેને આપણે હાલ અમૂલ (ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન) તરીકે ઓળખીએ છીએ. ડો. વર્ગીઝ કુરિયનની આગેવાની હેઠળ અમૂલનો ખૂબ વિકાસ થયો, જેણે દેશના ડેરી ઉદ્યોગને વિકસાવવામાં મદદ કરી હતી. આજે એ રૂ. 385  અબજ (5.4 અબજ ડોલર)ની સંસ્થા છે. જે ઊંટના દૂધથી લઈને ચીઝ આધારિત નાસ્તાનાં ઉત્પાદનો, ચોકલેટ અને અનેક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. વળી, આ બ્રાન્ડ હજી પણ ફેમસ ટેગલાઇન ‘ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ સાથે માર્કેટિંગ કરે છે. અમૂલ બટર કોઈ પણ જાતની શંકા વિના તેની સૌથી આઇકોનિક બ્રાન્ડ છે. છોકરીના ચિત્રને કેન્દ્રમાં રાખીને અમુલ કંપનીની જાહેરાતો એક ખૂબ જ લોકપ્રિય ઝુંબેશ બની છે. દેશ-વિદેશમાં અમૂલ બ્રાન્ડ લોકપ્રિય છે.

નિરમા- અમદાવાદ

અમદાવાદ સ્થિત નિરમા બ્રાન્ડ ઘણી મશહૂર છે. 1969માં કરસનભાઈ પટેલે લેબ ટેક્નિશિયન, પીળા, ફોસ્ફેટમુક્ત ડિટર્જન્ટ પાઉડર તૈયાર કરવા માટે તેમના બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને નજીકના હરીફની કિંમતથી અડધાથી પણ વધુ કિંમતે તૈયાર કરીને ડિટર્જન્ટ પેકેટ વેચવા ઘરે-ઘરે ગયા. તેમણે ખૂબ સંઘર્ષ કર્યો. તેમણે  નિરમા બ્રાન્ડનું નામ તેની પ્રિય પુત્રી નિરુપમા રાખ્યું, જે ખૂબ જ નાની ઉંમરે અકસ્માતમાં મૃત્યુ પામી હતી. નિરમાના પાઉડર પરનો છોકરીનો આઇકોનિક લોગો ઘણો લોકપ્રિય હતો અને આ બ્રાન્ડે ગ્રાહકોને વચન આપ્યું કે તેમનાં કપડાં ‘દૂધ જેવા સફેદ’ રાખશે. ડિટરજન્ટ ઉપરાંત, બ્રાન્ડમાં હવે એક પોર્ટફોલિયો છે, જેમાં સાબુ બાર, ખાવાનું મીઠું, ડિશવોશિંગ ડિટરજન્ટ અને ઔદ્યોગિક સામગ્રી અને સોડા એશ અને સિમેન્ટ જેવાં ઉત્પાદનોનો સમાવેશ છે.

વાડીલાલ-અમદાવાદ

ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ તો ઉનાળામાં વાડીલાલનો આઇસક્રીમ જ ખાય છે, પરંતુ તમે જાણો છો કંપનીની સ્થાપના વાડીલાલ ગાંધી દ્વારા 1907માં કરવામાં આવી હતી. ગાંધીએ વેપારની શરૂઆત તો સોડા પોપ –એટલે કે ઠંડાં પીણાંથી કરી હતી. સૌપ્રથમ વાડીલાલ આઉટલેટ 1926માં ખોલાયું હતું. એ પછી વાડીલાલ બ્રાન્ડના ચાર આઇસક્રીમ પાર્લર હતાં. વાડીલાલે જ કસાટા 1950માં બનાવ્યો હતો. ત્યારથી રાજ્યમાં અને આઇસક્રીમથી કંપનીએ વિકાસ અને વિસ્તરણ કર્યું. હાલ કંપની નેચરલ ગેસ, કેમિકલ્સ અને ફૂડ પ્રોડેક્ટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચી રહી છે. કંપની હાલ 1000 કરતાં પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. હાલમાં કંપનીનું મૂલ્ય રૂ.4 અબજ ( 63 મિલિયન અમેરિકી ડોલર) જેટલું છે.

ટાટા કેમિકલ્સ- મીઠાપુર

મુંબઈ સ્થિત ટાટા ગ્રુપનો એક ભાગ છે. ટાટા કેમિકલ્સ આમ તો ગુજરાતથી આવેલા ગુજરાતીની છે. બ્રાન્ડનો જન્મ તો દરિયાકાંઠાના મીઠાપુર ગામથી થયો હતો. કંપનીએ 1938માં ઔદ્યોગિક સોડા એશનું ઉત્પાદન શરૂ કર્યું હતું. એ પછી કંપનીએ વૈવિધ્યકરણ કરીને કન્ઝ્યુમર માર્કેટમાં ઝંપલાવ્યું હતું. ટાટાનું મીઠું ‘દેશ કા નમક’ તરીકે જાણીતું અને લોકપ્રિય છે. કંપની ખાતરથી માંડીને બાયોફ્યુઅલ અને મસાલાનું ઉત્પાદન કરે છે. હજ્જારો કર્મચારીઓ સાથે કંપનીનું બજાર મૂલ્ય રૂ. 45 અબજ (600 મિલિયન અમેરિકી ડોલર) છે.

વાઘબકરી-અમદાવાદ

1892થી એક કે બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી બ્રાન્ડ એટલે વાઘબકરી. અમદાવાદ સ્થિત આ કંપની વર્ષેદહાડે 40 મિલિયન કિલોગ્રામનું ઉત્પાદન કરે છે. દક્ષિણ આફ્રિકામાં નારણદાસ દેસાઈ પાસે 19મી સદીમાં 500 એકરમાં ચાની એસ્ટેટ હતી. ત્યાર પછી તેઓ વેપારનું વિસ્તરણ કરવા ભારત પરત ફર્યા અને વાઘબકરી નામથી ધધો શરૂ કર્યો, જે એક સૌથી લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે. કંપનીનો ખેડામાં પ્લાન્ટ છે. પેકકેજ્ય ચાના ઉત્પાદનોની ત્રીજી સૌથી મોટી ચા ઉત્પાદક કંપની છે. કંપનીનું બજાર મૂલ્ય રૂ. 12 અબજ (160 મિલિયન અમેરિકી ડોલર) છે.

બાલાજી વેફર્સ-રાજકોટ

આ બ્રાન્ડનો જન્મ જ નિષ્ફળતામાંથી થયો હતો. ત્રણ વીરાણીઓએ કામકાજ કરવા માટે 1970ના દાયકાના પ્રારંભે તેમના પિતા પાસે દુકાળને લીધે ખેતર વેચવાની ફરજ પડી. ત્યારે તેમને રૂ. 20,000 આપવામાં આવ્યા હતા. આ ભાઈઓ રાજકોટ આવ્યા અને ઘણા વેપાર-ધંધામાં હાથ નાખ્યો, પણ તેમને નિષ્ફળતા હાથ લાગી. ત્યાર પછી તેમણે બાલાજી નામથી પોતાની બ્રાન્ડની ચિપ્સ  અને સેન્ડવિચ વેચવાનું શરૂ કર્યું. એ પછી તેમણે પાછું વળીને જોયું નથી. હાલ તેમનણે ચિપ્સથી માંડીને ઇન્સ્ટન્ટ નૂડલ્સ સુધીના 50થી વધુ નાસ્તાનાં ઉત્પાદનો વેચે છે. કંપનીનું બજાર મૂલ્ય રૂ. 22 અબજ (310 મિલિયન અમેરિકી ડોલર) છે.

રસના બ્રાન્ડ-અમદાવાદ

સોફ્ટ ડ્રિન્ક્સ બનાવતી અમદાવાદી કંપની સ્થાપના વિશ્વમાં માત્ર ચાર દાયકા પહેલાં થઈ હતી. હાલ એ વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે. કંપની રસના બ્રાન્ડ હેઠળ ફ્રૂટ કોન્સન્ટ્રેટ ડ્રિન્ક ઉત્પાદનોને 53 દેશોમાં વેચે છે. કંપની હાલ પાઉડર આધારિત પીણાં, આઇસ ટી, વેજિટેબલ્સ અથાણાં સહિત અનેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. 80 અને 90ના દાયકાની સરળ અને લોકપ્રિય જાહેરખબર ‘આઇ લવ યુ રસના’ યાદ હશે સૌને. સોફ્ટ ડ્રિન્ક કોન્સન્ટ્રેટ બજારમાં 80 ટકા હિસ્સો ધરાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular