Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessયસ બેન્ક કેસ: પુરાવા મેળવવા મુંબઈમાં પાંચ સ્થળે દરોડા

યસ બેન્ક કેસ: પુરાવા મેળવવા મુંબઈમાં પાંચ સ્થળે દરોડા

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તપાસ એજન્સીએ યસ બેન્ક સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે આજે મુંબઈમાં પાંચ સ્થળોએ દરોડા પાડી તપાસ કરી હતી. EDના અધિકારીઓની અલગ-અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાનો સંબંધ વૈશ્વિક પર્યટન અને ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સ તથા આ કેસ સાથે જોડાયેલી કેટલીક અન્ય સંદિગ્ધ વ્યક્તિઓ સાથે છે. યસ બેન્કના સહસંસ્થાપક રાણા કપૂર અને કોક્સ એન્ડ કિંગ્સ કંપની વચ્ચે થયેલા સોદાની જાણકારી અને પુરાવા ભેગા કરવાના ઉદ્દેશથી આ દરોડા પાડવામાં આવ્યા હતા.

કોક્સ એન્ડ કિંગ્સ પર બેન્કનું રૂ. 2000 કરોડનું દેવું

EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસમાં ચાલી રહેલી તપાસ હેઠળ આજે દરોડા કાર્યવાહી કરી હતી. એવું માલૂમ પડ્યું છે કે કોક્સ એન્ડ કિંગ્સ કંપની પર યસ બેન્કનું રૂ. 2000 કરોડથી વધુનું દેવું ચડી ગયું છે. આ કંપની યસ બેન્કના ટોચના દેવાદારોમાંની એક છે.

ED કથિત છેતરપીંડીના આ મામલામાં યસ બેન્ક સહિત કેટલાક અન્ય મોટા કોર્પોરેટ જૂથો સામે તપાસ કરી રહી છે. બેન્ક દ્વારા જારી કરવામાં આવેલી મોટી લોન નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) બની ગઈ છે.

MD અને CEO રાણા કપૂર

એજન્સીએ યસ બેન્કના ભૂતપૂર્વ MD અને CEO, રાણા કપૂરની આ વર્ષે આઠ માર્ચે ધરપકડ કરી હતી અને મેના પહેલા સપ્તાહમાં મુંબઈમાં વિશેષ PMLA કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. કપૂર પર આરોપ છે કે તેમણે લાંચ લઈને કેટલીક કંપનીઓને મોટી રકમની લોન મંજૂર કરી હતી.

બિલ્ડર લોનની આડમાં રૂ. 600 કરોડની ચુકવણી

આ સિવાય કેન્દ્રીય તપાસ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) પર છાપા પાડી ચૂકી છે. યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર પરના કેસમાં CBIની તપાસમાં માલૂમ પડ્યું છે કે તેમને અને તેમના પરિવારના સભ્યોને DHFLના પ્રમોટર કપિલ વાધવાન દ્વારા બિલ્ડર લોનની આડમાં રૂ. 600 કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

CBIની FIRમાં રાણા કપૂરનું ફેમિલી

CBIની FIRમાં રાણા કપૂર, તેમનાં પત્ની બિંદુ કપૂર RAB એન્ટરપ્રાઇઝીસના તત્કાલીન ડિરેક્ટર અને તેમની પુત્રીઓ – રોશની કપૂર (મોર્ગન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડાયટ અર્બન સ્ટ્રાઇકની ડિરેક્ટર), રાખી કપૂર ટંડન (મોર્ગન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડની ડિરેક્ટર) અને રાધા કપૂર ખન્ના (મોર્ગન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડુઇટ અર્બન વેન્ચર્સની ડિરેક્ટર)નાં નામ સામેલ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular