Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessસોનામાં ભાવવધારાને પગલે માગ ચાર વર્ષના તળિયેઃ WGC

સોનામાં ભાવવધારાને પગલે માગ ચાર વર્ષના તળિયેઃ WGC

નવી દિલ્હીઃ દેશમાં સોનાની માગ 2024માં ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. સોનાના ભાવમાં રેકોર્ડ વધારાને પગલે  માગ તળિયે પહોંચી છે, જે ડિસેમ્બર ત્રિમાસિકમાં લગ્નસરાની ખરીદીને અસર કરે એવી શક્યતા છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)નો અહેવાલ કહે છે.  

દેશમાં આ વર્ષે સોનાની માગ 700થી 750 ટન રહે એવી શક્યતા છે, જે 2020ના વર્ષ બાદ સૌથી ઓછી છે. ગયા વર્ષે આ માગ 761 ટન હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતીય ઓપરેશન્સના CEO સચિન જૈને આ માહિતી આપી હતી. દેશમાં સામાન્ય રીતે તહેવારોની સીઝન અને લગ્નસરાની સીઝન દરમ્યાન સોનાની માગમાં વધારો થાય છે, કારણ કે લગ્નો અને દિવાળી અને દશેરા જેવા મોટા તહેવારોના પ્રસંગે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

આ વર્ષે અનેક ગ્રાહકોએ ઓગસ્ટમાં જ સોનાની ખરીદી કરી લીધી હતી, કારણ કે જુલાઇ, 2024માં ભારત સરકાર દ્વારા આયાત-જકાતમાં નવ ટકાના ઘટાડા પછી સ્થાનિક બજારોમાં ભાવમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. જોકે ગ્રાહકો હવે ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

ઘરેલુ બજારમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 79,700 સુધી પહોંચી ગયો હતો. 2024માં સોનાના ભાવમાં 26 ટકાનો વધારો થયો છે, જ્યારે 2023માં તે 10 ટકાથી વધુ વધ્યો હતો. WGCના જણાવ્યા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો સોનાનો વપરાશ 18 ટકા વધીને 248.3 ટન થયો છે. આ સમયગાળામાં રોકાણની માગમાં 41 ટકા અને જ્વેલરીની માગમાં 10 ટકાનો વધારો થયો છે.

ભારતના ફિઝિકલ ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF)એ સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠા મહિને નાણાપ્રવાહ નોંધાવ્યો હતો અને જાન્યુઆરીમાં તેમનું હોલ્ડિંગ 43.3 ટનથી વધીને 52.6 ટન થયું હતું. શેરબજારમાં ભારે વેચવાલી છે, જેના કારણે ચાલુ ત્રિમાસિકમાં થોડું રોકાણ પણ શેરબજારમાંથી સોનામાં જાય એવી શક્યતા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular