Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessએનએસઈ કેસમાં સીબીઆઇને અદાલતનો ઠપકો

એનએસઈ કેસમાં સીબીઆઇને અદાલતનો ઠપકો

નવી દિલ્હીઃ “એનએસઈમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું છે એવું માનનારા વિદેશી રોકાણકારોને જ્યારે ખબર પડશે કે અહીં તો ઘણું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે તેઓ ચીનમાં રોકાણ કરવા ચાલ્યા જશે. આ કૌભાંડને કારણે દેશની પ્રતિષ્ઠા જોખમમાં છે.” આ શબ્દોમાં વિશેષ અદાલતે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇનો ઉધડો લીધો હતો.

એનએસઈના કો-લોકેશન કૌભાંડ સંબંધે એક્સચેન્જના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનને 23મી માર્ચ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપતી વખતે ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે ઉક્ત ટિપ્પણી કરી હતી.

સીબીઆઇએ છેક 2018માં એફઆઇઆર નોંધ્યો હતો અને હજી તપાસ ચાલી રહી છે એને અનુલક્ષીને ન્યાયમૂર્તિએ કહ્યું હતું, “તપાસ ઘણી ધીમી ચાલી રહી છે. શું આ તપાસ વર્ષો સુધી ચાલ્યા કરશે. સીબીઆઇમાં હંમેશાં તપાસ વર્ષો સુધી ચાલ્યા કરતી હોય છે, તેની કોઈ મર્યાદા નથી. જો આ જ પરિસ્થિતિ રહેશે તો તમારા પર કોઈ વિશ્વાસ નહીં કરે. બધા (રોકાણકારો) ચીન ચાલ્યા જશે.”

અદાલતે સીબીઆઇને ઠપકો આપતાં કહ્યું હતું કે તમે સીબીઆઇની ઑફિસમાં બેસીને તપાસ કરી રહ્યા છો. શું તમે સુબ્રમણ્યનને ગુનાના સ્થળે લઈ જઈને તપાસ કરી છે?

ન્યાયમૂર્તિએ સેબીની ભૂમિકા બાબતે પણ સવાલ ઊભો કરતાં કહ્યું હતું, “સેબીની શું ભૂમિકા છે? સેબી મૂડીબજારની વૉચડોગ છે. શું એ ફક્ત ઘૂરક્યા જ કરે છે કે પછી કરડે પણ છે?”

એનએસઈના રેસિડન્ટ ઑડિટરો સંબંધે ન્યાયમૂર્તિ અગરવાલે કહ્યું હતું કે એક વર્ષે તેઓ ગરબડ પકડવાનું ચૂકી જાય એ સમજી શકાય છે, પરંતુ સતત પાંચ-છ વર્ષ સુધી તેઓ ચૂકી જાય એ કેવી રીતે શક્ય છે? જે બ્રોકરોની સાથે અન્યાય થઈ રહ્યો હતો તેમણે પોતાની ફરિયાદો રજૂ કરી નહીં હોય એવું શક્ય જ નથી.

કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઇ સહિતની તમામ ઍજન્સીઓ પર ગુસ્સે થતાં ન્યાયમૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ચિત્રા રામકૃષ્ણ સીબીઆઇની ઑફિસમાં આવ્યાં ત્યારે એમને પહેલાં કૉફી પીવડાવવામાં આવી અને પછી ધરપકડ કરાઈ. શું આ કેસમાં કોઈ દૈવીશક્તિ કામ કરી રહી છે, શું કોઈ અલૌકિક બાબત છે? એક ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટરની પૂછપરછ કરીને એમને જવા દેવાયા હતા. શું સીબીઆઇએ આઇટી ખાતાના વડાઓની પણ પૂછપરછ કરી હતી એમની સંડોવણી વગર આ કૌભાંડ થઈ શકે એમ ન હતું.

રામકૃષ્ણ અને સુબ્રમણ્યનને સામસામે બેસાડીને ઉલટતપાસ કરાઈ હોવાનું સીબીઆઇએ કસ્ટડી માટેની અરજીમાં જણાવ્યું કેમ નહીં એવો સવાલ ઉઠાવતાં ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે તમે મારી આંખમાં ધૂળ નાખી રહ્યા છો. તમે એમની સાથે હળવું વર્તન કરી રહ્યા છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular