Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusiness'ચિત્રલેખા.કોમ'-'આદિત્ય બિરલા કેપિટલ' યોજિત વેબિનાર: અનલોકમાં રાખવી જરૂરી ફાઈનાન્સિયલ પ્લાનિંગમાં તકેદારી

‘ચિત્રલેખા.કોમ’-‘આદિત્ય બિરલા કેપિટલ’ યોજિત વેબિનાર: અનલોકમાં રાખવી જરૂરી ફાઈનાન્સિયલ પ્લાનિંગમાં તકેદારી

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દેશભરમાં ગયા માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ થયું હતું, પરંતુ સરકારે ધીમે ધીમે તમામ ક્ષેત્રોને અનલોક કરવાનું શરૂ કર્યું છે. આ વિષયને લઈને ‘ચિત્રલેખા.કોમ’ અને ‘આદિત્ય બિરલા કેપિટલ’ દ્વારા રવિવારે સંયુક્તપણે એક વેબિનારનું ‘ફેસબુક લાઈવ’ પર આયોજન કરવામાં આવ્યું હતું. વેબિનારનું શિર્ષક હતું: ‘અનલોક કરો, તમારા નાણાકીય જીવનને’. બદલાયેલા સંજોગોમાં કઈ રીતે લેશો આર્થિક રોકાણના નિર્ણયો? કઈ રીતે મજબૂત બનાવશો તમારો પોર્ટફોલિયો? આ વેબિનારમાં આર્થિક જગતના ટોચના નિષ્ણાતોએ રોકાણકારોને સલાહ-સૂચન કર્યા હતા અને એમને માર્ગદર્શન આપ્યું હતું.

આ વેબિનારમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુશન  ડેવલપમેન્ટના હેડ કે.એસ. રાવ, ફાઈનાન્સિયલ પ્લાનર અને કર્મયોગ નોલેજ એકેડેમીના સ્થાપક અમિત ત્રિવેદી અને આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના EVP અને Co-Head (સેલ્સ) ભવદીપ ભટ્ટે ભાગ લીધો હતો. કાર્યક્રમના મોડરેટર હતા જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયા.

રવિવારના વેબિનારની રૂપરેખા જણાવતાં જયેશ ચિતલિયાએ જણાવ્યું હતું કે ‘ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ’ આયોજિત વેબિનારનો હેતુ ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને અવેરનેસનો હોય છે. કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાંબા લોકડાઉન બાદ આપણે હવે અનલોક તરફ જઈ રહ્યા છે. જેમાં આર્થિક જગતના નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરે છે અને લોકોને માર્ગદર્શન આપે છે. દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે આગળ વધી રહી છે. આપણે હવે ફાઈનાન્સિયલ લાઈફને અનલોક કરવાની છે. જોકે આની સામે હજી ઘણા આર્થિક પડકારો છે. લોકડાઉનના સંજોગોમાં જે લોકો ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે સજ્જ હતા એમને ઓછી તકલીફ પડી હતી, જે લોકો સજ્જ નહોતા એમને વધારે તકલીફ પડી. એમ કહેવાય છે કે વાઈરસનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટતું જશે અને રીકવરી ચાલુ થઈ જશે. આપણે આશા રાખીએ કે આ આશાવાદ ફળે.

આ અનલોકના સંજોગોમાં લોકોએ મૂડીરોકાણ માટે કયા પ્લાન અપનાવવા જોઈએ અને એના માટે કયું રક્ષણ મેળવવું જરૂરી છે? એવા સવાલના જવાબમાં કે.એસ. રાવે કહ્યું કે કોરોના લોકડાઉન અને અનલોકથી આપણા જીવન પર ઘણી અસર પડી છે. ગુજરાતીઓની ટેલેન્ટથી પ્રભાવિત થયેલા રાવે વધુમાં કહ્યું કે, અનલોકમાં દરેક જણે પોતપોતાના ધ્યેયને તેમની જરૂરિયાત અનુસાર પ્રાધાન્ય આપવું જોઈએ અને એની પર નવેસરથી કામ શરૂ કરવું જોઈએ. કન્ટીન્જન્સી ફંડને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ.

અનલોક સંજોગોમાં કોઈએ પ્લાનિંગ કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? એવા ચિતલિયાના સવાલના જવાબમાં ફાઈનાન્સિયલ વર્લ્ડ વિશેના પુસ્તકોના લેખક અમિત ત્રિવેદીએ કહ્યું કે, કોરોના વાઈરસના આક્રમણ અને પર્સનલ ફાઈનાન્સને ઘણો સંબંધ છે. બંનેમાં ઈમ્યુનિટી મહત્ત્વની હોય છે. બજારમાં ખરીદી કરવા જઈએ તો હાઈજીનનું ધ્યાન રાખવું પડે એવી જ રીતે, ફાઈનાન્સિયલ માર્કેટમાં પણ બીજાઓની બીમારીને કારણે આપણને ચેપ લાગતો હોય છે. એટલે બંને કેસમાં સંબંધિત ઈમ્યુનિટી વધારવી પડે. ફાઈનાન્સિયલ માર્કેટમાં અમુક પ્રકારના મૂડીરોકાણ અમુક રીતે વર્તતા હોય છે. એટલે લાંબા સમયે સારું વળતર આપી શકે એવા રોકાણ પસંદ કરવા અને ટૂંકા ગાળાનું નહીં કરવાનું. પોતાની જરૂરિયાત મુજબ ધ્યેય નક્કી કરવાના અને મુજબના રોકાણ કરવા જોઈએ. સામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી ફંડ રાખવું જોઈએ.

અત્યારના સમયમાં યુવા વર્ગ, મધ્યમ વયના વર્ગ અને નિવૃત્તિ વયના લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ માટે કઈ સ્કીમ, કયા પ્રોડક્ટ સારી કહેવાય? એ સવાલના જવાબમાં ઈનોવેટિવ પ્રોડક્ટ્સના નિષ્ણાત ગણાતા ભવદીપ ભટ્ટે કહ્યું કે, ડિમાન્ડ નબળી હોય એવા સંજોગોમાં લાર્જ કેપ કંપનીઝ સારી કામગીરી કરતી હોય છે. અત્યારે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તે છે. લોકોની આવક પણ અનિશ્ચિત થઈ ગઈ છે. આવા સંજોગમાં મલ્ટી કેપ ફંડ સ્થિર ગ્રોથ આપવા માટે સારી તક ગણાય. અત્યારથી લઈને છ-બાર મહિના સુધીના જે જોખમો છે એને ધ્યાનમાં રાખીને હું મેઈનસ્ટ્રીમ મલ્ટી કેપ ફંડમાં મૂડીરોકાણ કરવાની ભલામણ કરીશ. જેમાં 30 ટકા સ્મોલ-મિડ કેપમાં હોય અને બાકીનું લાર્જ કેપમાં હોય.

વેબિનારની શરૂઆતમાં જયેશ ચિતલિયાએ શ્રોતાઓ તથા રોકાણકારોનું ‘આદિત્ય બિરલા સનલાઈફ’ અને ‘ચિત્રલેખા’ પરિવાર તરફથી સ્વાગત કર્યું હતું. એમણે કહ્યું હતું કે ‘ચિત્રલેખા’ મેગેઝિન 70 વર્ષથી વાંચન પીરસી રહ્યું છે. ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સનલાઈફના સંયુક્ત ઉપક્રમે અત્યાર સુધીમાં દેશના વિવિધ શહેરોમાં 37 જેટલા સેમિનાર યોજવામાં આવી ચૂક્યા છે. ગઈ 31 મેએ પહેલો વેબિનાર કર્યો હતો. ‘ચિત્રલેખા ડિજિટલ’ વિશે ચિતલિયાએ કહ્યું કે ‘ચિત્રલેખા’ પોર્ટલ અને એના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પ્રચલિત છે અને વિશ્વભરમાં જોવાય છે – ખાસ કરીને યૂકે અને યૂએસએ. યુવા વર્ગ આ ડિજિટલનો ખૂબ ઉપયોગ કરે છે. 18 લાખ જેટલા લોકો ‘ચિત્રલેખા’ની વેબસાઈટ પર વિઝિટ કરે છે. લોકડાઉન પહેલા અને લોકડાઉન દરમિયાનના સમયગાળામાં ‘ચિત્રલેખા.કોમ’ દ્વારા ડોક્ટરો, કલાકારો જેવી હસ્તીઓના ફેસબુક-લાઈવ પર અનેક ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. કોરોના-લોકડાઉન અવસ્થાને કારણે પ્રિન્ટિંગ વ્યવસ્થા બંધ હોવાને કારણે ‘ચિત્રલેખા’એ અનેક સપ્તાહ સુધી તેના વાચકોને ઈ-કોપી ફ્રી-ઉપલબ્ધ કરી હતી. હવે પ્રિન્ટિંગ ફરી શરૂ થઈ ગયું છે. વાચકો માટે હવે પ્રિન્ટ તેમજ ઈ-કોપી, એમ બંને કોપી ઉપલબ્ધ છે.

સંપૂર્ણ વેબિનાર જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ

ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ આયોજિત વેબિનાર

ચિત્રલેખા-આદિત્ય બિરલા કેપિટલ આયોજિત વેબિનાર

Chitralekha द्वारा इस दिन पोस्ट की गई रविवार, 19 जुलाई 2020

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular