Monday, May 26, 2025
Google search engine
HomeNewsBusiness'બીએસઈ દેશમાં ઈક્વિટી માર્કેટ્સના ટ્રેડિંગ-કલાકો વધારવાની તરફેણમાં'

‘બીએસઈ દેશમાં ઈક્વિટી માર્કેટ્સના ટ્રેડિંગ-કલાકો વધારવાની તરફેણમાં’

મુંબઈ તા.10 ઓગસ્ટ, 2021: બીએસઈ દેશના શેરબજારને વધુ કલાકો માટે ખુલ્લું રાખવાના પક્ષમાં છે. દેશમાં ઈક્વિટી અને કોમોડિટી બજાર વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે, એમ બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણે કહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કોમોડિટી માર્કેટ્સ 15 કલાક ચાલુ હોય છે ત્યારે ઈક્વિટીઝ માટે માત્ર સાડા છ કલાકના ટ્રેડિંગની જ છૂટ બજારના નિયામક ‘સેબી’ દ્વારા આપવામાં આવેલી છે.

“કોમોડિટી માર્કેટ્સ સવારે 9 વાગ્યાથી રાત્રે 11.55 વાગ્યા સુધી વેપાર કરે છે પરંતુ ઈક્વિટીઝની વાત આવે ત્યારે આપણે કેમ બપોરે સાડા ત્રણ વાગ્યે ટ્રેડિંગ બંધ કરી દઈએ છીએ. મને કહેવામાં આવ્યું છે કે વિદેશીઓને અને ટેલિવિઝન સમાચાર ચેનલોને આટલો જ ટાઈમ રખાય એમાં રસ છે. અન્યથા, તેમણે લાંબા સમય માટે કામ કરવું પડે. પરંતુ બાકીની દુનિયા (બજારો) પ્રતિદિન લગભગ 16 કલાક વેપાર કરે છે,” એમ ચૌહાણે મૂડીબજારમાં સુધારા અંગેની એક વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

ટ્રેડિંગના ઓછા કલાકોને કારણે ભારતનું ટ્રેડિંગ વોલ્યુમ સિંગાપોર, દુબઈ અને અમેરિકાનાં એક્સચેન્જની તુલનાએ ઓછું રહે છે. થોડાં વર્ષ પૂર્વે સેબીએ કહ્યું હતું કે બજારો સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લાં રહેવા માટે મુક્ત છે. પરંતુ સ્રોતોના જણાવ્યા પ્રમાણે બજાર નિયામકે ટ્રેડિંગનો સમય બપોરે 3.30 વાગ્યાથી અધિક વધારવા માટેના પ્રયત્નોને અટકાવ્યા હતા. નિષ્ણાતો કહે છે કે કોઈ ગરબડ ન થાય એટલા માટે ઈક્વિટી અને ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ કલાક એકસમાન રાખવા જોઈએ.

આપણી પાસે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીમાં અન્ય એક ઈક્વિટી એક્સચેન્જ છે, જે દરરોજ સાડા બાવીસ કલાક ખુલ્લું રહે છે. ટેકનોલોજી ઉપલબ્ધ છે અને જ્યારે પણ જરૂર હશે ત્યારે આપણે કેશ ઈક્વિટીઝ અને ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ કલાકો લાંબાવી શકીશું. ટી પ્લસ વન ટ્રેડ સેટલમેન્ટ શક્ય છે પરંતુ વિદેશીઓને તે પસંદ નથી.એટલે એમાં ઉતાવળ શક્ય નહિ થાય. જોકે અમે સિસ્ટમ્સ તૈયાર રાખી છે, એમ ચૌહાણે કહ્યું હતું.

સેબીના વડા અજય ત્યાગીએ ઈક્વિટી માર્કેટ્સમાં માર્જિન્સ વસૂલવાની કામગીરી હળવી બનાવવા ટી પ્લસ વન સેટલમેન્ટ દાખલ કરવાની તત્પરતા દાખવી હતી. જોકે, વિદેશી રોકાણકારોના પગલે નિયામકે બજારના સુધારાઓની ગતિ મંદ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular