Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsGujaratબિપરજોય: દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બિપરજોય: દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી, પ્રભારી સચિવશ્રી, કલેક્ટરશ્રી તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ શ્રી રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કચ્છ ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મોરબી ખાતેથી મંત્રી કનુ દેસાઈ, રાજકોટ ખાતેથી મંત્રી રાઘવજી પટેલ તેમજ પોરબંદર ખાતેથી મંત્રી કુંવરજી બાવળીયાએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે, કેઝુઆલિટી અને નુકશાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ ૨૦ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અત્યારસુધીમાં જૂનાગઢ જિલ્લામાં ૫૦૦, કચ્છમાં ૬૭૮૬, જામનગરમાં ૧૫૦૦, પોરબંદરમાં ૫૪૩, દ્વારકામાં ૪૮૨૦, ગીર સોમનાથમાં ૪૦૮, મોરબીમાં ૨૦૦૦ અને રાજકોટમાં ૪૦૩૧ મળી કુલ ૨૦૫૮૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


રાહત કમિશનરે ઉમેર્યું કે, વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૭ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૪, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૩, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે ૩ અને ગાંધીનગર ખાતે ૧ ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.


તેમણે ઉમેર્યું હતું કે, વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ કરવામાં આવી છે.
પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular