Thursday, June 19, 2025
Google search engine
HomeGalleryEventsPM મોદી 30 સપ્ટેમ્બરે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપશે

PM મોદી 30 સપ્ટેમ્બરે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29- 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ પોતાના ગૃહ રાજ્યને વધુ એક મોટી ભેટ આપવાના છે. વડા પ્રધાન 30 સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે. હજી થોડાક દિવસ પહેલાં જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેને કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન 0 થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનમાં દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટીસવાળાં બાયો વેક્યુમ ટોઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

વંદે ભારત એક્સપ્રેસ- માત્ર રૂ.100 કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતાં લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. વડા પ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.

રાજ્યમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના એક ભાગરૂપે વડા પ્રધાને ઓગસ્ટ, 2023 સુધીમાં દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular