ભારતીય ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા એન્ટી-સબમરીન વોરફેર સ્ટીલ્ધ કોર્વીટ યુદ્ધજહાજ ‘INS કવરત્તી’નું 22 ઓક્ટોબર, ગુરુવારે ભારતીય નૌકાદળમાં વિધિસર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધજહાજને કોલકાતાસ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ (GRSE) કંપનીએ બનાવ્યું છે. વિશાખાપટનમના નેવલ ડોકયાર્ડ ખાતે આયોજિત આ માટેના કાર્યક્રમમાં લશ્કરી વડા જનરલ મનોજ નરવણે, રિયર એડમિરલ (નિવૃત્ત) અને GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી.કે. સક્સેના તથા ભારતીય નૌકાદળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સબમરીન-વિરોધી યુદ્ધજહાજ સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાત ઘણી વધી જશે. આ યુદ્ધજહાજ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે દુશ્મનોના રડારની પકડમાં નહીં આવે.આ યુદ્ધજહાજ સામેલ થવા સાથે જ ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી બતાવી છે.આ જહાજ બનાવવા બદલ જનરલ નરવણેએ ભારતીય નૌકાદળને અને ટીમ કરવત્તીને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા આપી હતી. એમણે કહ્યું કે આ જહાજ મળવાથી આપણા દેશ માટે સમુદ્રી લક્ષ્યો હાંસલ કરવા માટેનું એક મહત્ત્વનું કદમ છે.કરવત્તી નામ ભારતની માલિકીના ટાપુઓના સમૂહ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પાટનગરના નામ પરથી રાખવામાં આવ્યું છે.આ જહાજ પર 12 નેવી ઓફિસરો અને 134 જવાન-ખલાસીઓ રહેશે. આ ટીમના કમાન્ડિંગ ઓફિસર છે કમાન્ડર સંદીપ સિંહ.3,300 ટન વજનના આ જહાજની લંબાઈ 190 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. આ અત્યાધુનિક શસ્ત્રો, રોકેટ લોન્ચર્સ અને સેન્સરથી સજ્જ છે. એના સેન્સરને કારણે દુશ્મનોની સબમરીનોનો પતો લગાવી શકાશે અને એનો પીછો પણ કરી શકાશે. શસ્ત્રો અને સેન્સર બધું સ્વદેશી છે.