મુંબઈ મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. 9 જૂન, બુધવારની સવારથી જ સતત ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બપોરે 3 વાગ્યે પણ ચાલુ હતો. મોસમના પહેલા જ વરસાદે મુંબઈમાં અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. શહેરના ચાર સબવે તથા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતાં લોકોને ચાલવામાં તકલીફ પડી રહી છે તો વાહનો ધીમી ગતિએ થતાં લાઈન લાગતાં ટ્રાફિક જામની સમસ્યા ખડી થઈ છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ઈસ્ટર્ન ફ્રીવે પર વાહનોની લાંબી લાઈન લાગી છે. મધ્ય રેલવે વિભાગ ઉપર, સાયન અને કુર્લા સ્ટેશનો પાટા પર પાણી ભરાતાં સવારે 10 વાગ્યાથી સીએસએમટી અને થાણે વચ્ચેની લોકલ ટ્રેન સેવા સસ્પેન્ડ કરી દેવી પડી છે. એવી જ રીતે, હાર્બર લાઈન પર માનખુર્દ અને પનવેલ સ્ટેશનો વચ્ચે જ લોકલ ટ્રેન સેવા ચાલુ છે. હાર્બર લાઈન ઉપર, ચુનાભટ્ટી સ્ટેશન પાસે પાટા પર પાણી ભરાતાં સીએસએમટી અને વાશી વચ્ચેની લોકલ ટ્રેન સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ તથા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મિડિયાના માધ્યમથી નાગરિકો તથા વાહનચાલકોને પરિસ્થિતિ વિશે સતત જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે તેમજ સતર્ક રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.