જીવલેણ એવા કોરોના વાઈરસ ચેપી રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેણે આ રોગના દર્દીઓની સારવાર કરવા માટે મુંબઈના બાન્દ્રા ઉપનગરસ્થિત બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સંકુલ વિસ્તારમાં એક વિશાળ કામચલાઉ હોસ્પિટલ (હેલ્થ સેન્ટર) પણ બનાવી છે. નગરવિકાસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1000-પલંગવાળા વિશેષ કોવિડ-19 હેલ્થ સેન્ટરની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 18 મે, સોમવારે મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલનો કારભાર MMRDA સંસ્થાના કમિશનર આર. રાજીવે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને સુપરત કર્યો હતો.આ હેલ્થ સેન્ટર વિક્રમસર્જક સમયમાં યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 250થી વધારે ઓક્સિજન સપ્લાય સુવિધા સાથેના પલંગ છે, 250 હાઈ-ડીપેન્ડેન્સ બેડ પણ છે.