Saturday, July 5, 2025
Google search engine
HomeFeaturesYogic Sampadaસખાવત કરવાથી સંપત્તિ ઘટતી નથી

સખાવત કરવાથી સંપત્તિ ઘટતી નથી

“સર્વ મનુષ્યોએ પરમેશ્વરની ઉપાસનાથી બુદ્ધિ પ્રાપ્ત કરીને, એથી પૂર્ણ ઐશ્વર્યને સિદ્ધ કરીને સર્વ પ્રાણીઓનું હિત સિદ્ધ કરવું જોઈએ.” યજુર્વેદના સ્કંધ 22ની 14મી સંહિતાનો આ ભાવાર્થ છે. તેમાં પરમેશ્વરની ઉપાસના કરીને જ્ઞાન અને ધન પ્રાપ્ત કરવાની તથા તેનો ઉપયોગ સર્વ પ્રાણીઓના કલ્યાણાર્થે કરવાની વાત છે.

અંગ્રેજીમાં એક ઉક્તિ ઘણી પ્રસિદ્ધ છેઃ “Fool and his money are soon parted.” અર્થાત્ મૂર્ખાઓ પાસે ધન ટકતું નથી. અન્ય શબ્દોમાં એમ પણ કહી શકાય કે મૂર્ખાઓ પાસેથી કોઈ પણ માણસ સહેલાઈથી ધન પડાવી શકે છે.

થોડાં વર્ષો પહેલાં કોચીનથી કોઈમ્બતૂર જતાં મેં એક સરસ મજાની વાર્તા વાંચી હતી. એ મુજબ, 400 વર્ષ પહેલાં આધેડ વયના સ્વામી નાગપ્પા તામિલનાડુના નાનકડા શહેરમાં રહેતા હતા. તેમને વિશાળ સંપત્તિ વારસામાં મળી હતી. તેમનું બાળપણ સમૃદ્ધિની છોળો વચ્ચે પસાર થયું હતું. દુનિયાની રીતભાત વિશે તેમને કોઈ જ ગતાગમ ન હતી, કારણકે તેમને બહારની દુનિયા સાથે પરિચય થયો જ નહતો. તેઓ શાળામાં પણ ભાગ્યે જ જતા. યુવાનીમાં તેમણે આંટાફેરા ને આશીર્વાદ જ કર્યા હતા. તેમનાં માતાપિતા એક રોગચાળાનો ભોગ બન્યાં અને બધી સંપત્તિ તેમને મળી. તેમનું આયુષ્ય આરામથી પસાર થઈ જાય એટલું ધન તેમની પાસે હતું, પરંતુ તેઓ દુનિયાની રીતથી અજાણ હતા. તેમને છેતરવાનું સાવ સહેલું હતું. અનેક લેભાગુઓ તેમની પાસે આવીને સંપત્તિ બમણી કરવાની લાલચ આપીને તેમને ફોસલાવી જતા. સમય જતાં નાગપ્પાની બધી જ સંપત્તિ ખલાસ થઈ ગઈ અને છેવટે ભીખ માગવાનો વારો આવ્યો.

સંપત્તિના સર્જન માટે તથા તેના રક્ષણ માટે જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. સંપત્તિ વારસામાં મળી હોય તોપણ તેનું જતન અને વૃદ્ધિ કરવા માટે જ્ઞાન આવશ્યક છે. ધનનાં અનેક પાસાં છે અને તેમાંથી કોઈ એક પાસાંનું જ્ઞાન ન હોય તો આજે નહીં તો કાલે, ધનનો નાશ થવાનો જ છે.

ધનનું રક્ષણ કરવા માટે તાકીદની અને અણધારી સ્થિતિને પહોંચી વળવા માટેની જોગવાઈ કરી રાખવી જરૂરી છે. આ ઉપરાંત આરોગ્યવીમો અને જીવનવીમો પણ હોવા જોઈએ. સંપત્તિની વૃદ્ધિ કરવા માટેનું પહેલું પગથિયું બધું જ કરજ ચૂકતે કરી નાખવાનું છે. લૉન એ સંપત્તિસર્જનમાં સૌથી મોટો અવરોધ હોય છે. ઉક્ત બાબતોનું ધ્યાન રખાઈ જાય પછી જ રોકાણ કરવાનો વિચાર કરવો. રોકાણ કરતી વખતે પોતાનાં નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખવાં.

રોકાણ ક્યારેય અડસટ્ટે કે આડેધડ કરવું નહીં. રોકાણ થઈ ગયા બાદ સંપત્તિની ફાળવણીનું પગલું ભરવું જોઈએ. પહેલાં તો માણસે પોતાના નિવૃત્તિકાળ માટે ફાળવણી કરવી જોઈએ અને મૃત્યુ પછી સ્વજનોને કેવી રીતે અને કેટલો હિસ્સો આપવો એ નક્કી કરી લેવું જોઈએ. આ એક બાબત પ્રત્યે પણ જાગરૂકતા ન હોય તો જીવન દુષ્કર બની જાય છે.

સંપત્તિસર્જન માટે માણસે વડીલો જેવા એટલે કે પાકટ અને જવાબદાર બનવું જોઈએ.

સંપત્તિનું સર્જન કરવા માટે અને લાંબા સમય સુધી સંપત્તિ ટકાવી રાખવા માટેનો અચૂક ઉપાય કયો એવું મને કોઈ પૂછે ત્યારે મારો જવાબ એ જ હોય છે કે સંપત્તિ સમાજ સાથે વહેંચી લેવી. જે વ્યક્તિઓ/સંસ્થાઓએ સમાજ સાથે સંપત્તિ વહેંચી હોય તેમના પર લક્ષ્મીજીની કૃપા વરસતી હોય છે. સમાજ સાથે સંપત્તિ વહેંચી હોવાને કારણે વ્યક્તિઓ/સંસ્થાઓ નાદાર થઈ ગયાનો દાખલો હજી સુધી તો દેખાયો નથી. બિલ ગેટ્સથી માંડીને નંદન નીલેકણી અને માર્ક ઝુકરબર્ગથી માંડીને અઝીમ પ્રેમજી સુધીની અનેક વ્યક્તિઓ પોતાની સંપત્તિનો ઘણો મોટો હિસ્સો દાનમાં આપવાની જાહેરાત કરી ચૂકી છે. તમે જ વિચારી જુઓ, જે કંપનીઓએ સખાવત માટે કે જનોપયોગી કાર્યો માટે નાણાં ખર્ચ્યાં છે એ કંપનીઓ દાયકાઓ અને પેઢીઓ સુધી ટકી છે, જ્યારે અન્ય કંપનીઓ પડી ભાંગી છે અથવા તો વેચાઈ ગઈ છે.

સંપત્તિ તો ઝરણાની જેમ વહેતી રહેવી જોઈએ. પાણી એક ઠેકાણે જમા થાય ત્યારે તેમાં લીલ થાય છે એ જ રીતે સંગ્રહ કરી રાખેલા ધનનો બગાડ થઈ જાય છે. મનુષ્યની કમાણીનો અમુક હિસ્સો દાનમાં આપવાની વાત દરેક ધર્મમાં કરવામાં આવી છે. એક જણે મને કહેલો ઇસ્લામ ધર્મનો ઉપદેશ આ પ્રમાણે છેઃ સખાવત કરવાથી સંપત્તિ ઘટતી નથી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular