Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesNational Affairsનરેન્દ્ર મોદી જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાના છે એ વાળીનાથ મંદિરનો ઇતિહાસ...

નરેન્દ્ર મોદી જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાના છે એ વાળીનાથ મંદિરનો ઇતિહાસ શું છે?

મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી ચાલી રહી છે. સાત દિવસ સુધી ચાલી રહેલા આ ધર્મોત્સવમાં 22 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે. ત્યારે જાણીએ વાળીનાથ મહાદેવનો રોચક ઇતિહાસ.

ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. કહેવાય છે કે આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. આ સ્થાનકને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. તો વળી દરેક જાતી-જ્ઞાતિના લોકો માટે આ અનેરુ આસ્થાનું કેન્દ્ર પણ છે.

અખંડ ધુણીનો છે મહિમા

શિવધામ તીર્થ ભૂમિ શ્રી વાળીનાથ અખાડા , તરભ ખાતે આજથી લગભગ 900 વર્ષ પૂર્વે શ્રી વાળીનાથજીની હાલની જગ્યા વાળી તપોભૂમિ પર પૂજ્ય વિરમગિરી બાપુનું આગમન થયેલું. વિરમગિરી બાપુએ પહેલા થોડોક સમય કંથારિયા ગામે રોકાણ કરેલું. જ્યાંથી ફરતા ફરતા ઉંઝા આવેલા. ઉંઝામાં કડવા પાટીદારોને પણ ધર્મ જાગૃતિ સાથે જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા. ઉંઝા ના પાટીદારો અને રબારીઓ તે સમયે પૂજ્ય વીરમગીરી બાપુને ગુરુદેવ તરીકે માનતા અને પૂજન કરતા. ઉંઝાથી વિરામગીરી બાપુ એ ભક્તરાજ તરભોવનભાઈના આગ્રહથી વાળીનાથની પવિત્ર ધરતી પર પધરામણી કરી. તરભની ધરતી પર વિરમગિરિ બાપુને તે સમયે સ્વપ્નમાં શ્રી વાળીનાથ ભગવાનની મૂર્તિનાં અને ધુણીના દર્શન થયેલા. બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી પ્રતિષ્ઠા કરી. રાયણના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદીને અખંડ અગ્નિદેવ સમી ધૂણીના દર્શન થયા. જે રાયણ નું 900 વર્ષ જૂનું વૃક્ષ અને ધુણી આજે પણ હયાત છે. જેના દર્શન નો આજે પણ મહિમા છે.

મંદિરની વિશેષતાઓ

ગુજરાતના સૌથી મોટા મહાદેવ સોમનાથ દાદા પછી વાળીનાથ મહાદેવ મંદિર બીજા નંબર પર આવે એ રીતે તૈયાર કરાયું છે. અહી આકાર પામેલ અદ્ભુત નયનરમ્ય બેનમૂન અજોડ અલૌકિક નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહા શિવલિંગની ઐતિહાસિક શિવધામ શ્રી વાળીનાથ મહાદેવની અનેક વિશેષતાઓ છે.

મંદિરમાં મુખ્ય ત્રણ શિખર છે. જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંતથી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વાપરવામાં આવેલા પથ્થરનું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે.

બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ

આ વિશે વાત કરતા વાળીનાથ મહાદેવના સ્વયં સેવક જયેશ ભુવાજી ચિત્રલેખા.કોમને કહે છે, આ ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

પિરામિડ આકારની છે યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અહીં સાત દિવસ અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલા અતિ રુદ્ર મહાયજ્ઞ 22 ફેબ્રુઆરી સુદી આ યજ્ઞશાળામાં કરવામાં આવશે. યોગ્ય શાળા વિશે વાત કરીએ તો યોગ્ય શાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષથી શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. યોગ્ય શાળા બનાવવામાં 14000 વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. યોગ્ય શાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે.

રૂદ્ધાક્ષ ભેટમાં અપાશે

ભવ્ય વાળીનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર શિવલિંગની દેશના અનેક ધર્મસ્થાનોમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. સૌપ્રથમ દેશના 12 પવિત્ર જ્યોતિર્લિંગ ખાતે તેમની વિશેષ પૂજા કરવામાં આવી હતી. જે બાદ દેશના અનેક ધર્મસ્થાનોમાં લઈ જઈને વિશેષ પૂજા કરીને પવિત્ર કરવામાં આવ્યા બાદ તેમની સ્થાપના કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં તરભ વાળીનાથમાં રૂદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ અલગ અલગ જગ્યાએથી મહાદેવનાં જે જ્યોતિલિંગો છે. જેવા કે હરિદ્રાર, ઋષિકેશ, નેપાળથી આ રૂદ્રાક્ષ લાવવામાં આવ્યા છે. અંદાજે દોઢ લાખથી પણ વધારે સંખ્યામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ પૂર્ણ થયા પછી આ રૂદ્ધાક્ષ સ્વયંસેવકો અને દર્શનાર્થીઓને પૂજા માટે ભેટમાં આપવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular