Monday, July 7, 2025
Google search engine
HomeFeaturesNational Affairsકુદરતી આપત્તિ અને ગાંધીજીને ટાગોરની ટકોર

કુદરતી આપત્તિ અને ગાંધીજીને ટાગોરની ટકોર

કુદરત આગળ માનવ લાચાર છે એ કહેવત માત્ર જૂની પેઢીના લોકો બોલે એવું નથી હોતું. યુવાનો પણ તેને ‘ફોરવર્ડ’ કરતા હોય છે. બીજાને વાંચવા મોકલે એટલે પોતાને ગમ્યું હશે એમ માની લેવું પડે. માન્યતાને તર્કની સરહદો નડતી નથી અને વાયરસને પણ કોઈ સરહદો નડતી નથી એટલે સામો તર્ક થવાનો કે માન્યતાને તોડી પાડવાની તમારી દલીલમાં વજૂદ લાગતું નથી. ધરતીકંપ આવે, વાવાઝોડું આવે, દુકાળ પડે, જવાળામુખી ફાટે, કરોડો તીડનું લશ્કર તૂટી પડે, પાકમાં રોગ આવે અને ઊભો મોલ સુકાઈ જાય, લીલુંછમ વૃક્ષ લાકડું બની જાય તે જોઈને લોકો બોલવાના જ કે કુદરત આગળ માનવ લાચાર છે.
સાથે જ ઉમેરો થવાનો કે માનવજાત સમજે નહિ તો મહામારી આવવાની. મહામારી, રોગચાળો, રહસ્યમય તાવ, કોગળિયું, ઊંટિયું, કાળો તાવ આવા કંઈ કેટલાય નામથી બીમારીઓને ઓળખવામાં આવે છે. કુદરત સજા કરે છે માનવજાતને એવું બોલવામાં આવે છે. મોટા ભાગની ભિરુ પ્રજા સામી દલીલો કરતી નથી. ભિરુ પ્રજા પ્રતિવાદ કરવા ટેવાયેલી નથી, કહે તેટલું માનવા ટેવાયેલી છે. ડાહ્યા માણસો પણ કહેવાના કે શ્રદ્ધાના મામલામાં સવાલોને અવકાશ હોતો નથી. અંધશ્રદ્ધામાં પણ આકરો પ્રતિસાદ આપવાને બદલે સાંભળી લેવું સલાહભર્યું ગણાય.
પ્રજાની માન્યતા સમજ્યા, પણ પ્રબુદ્ધજનોની પણ માન્યતા હોય છે અને તેઓ બોલે ત્યારે અનેક સાંભળતા હોય છે અને તેની અસર થતી હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ પાછળ દોરાતી હોય છે એટલે ઘણી વાર તેમની નાનામાં નાની વાતનો પ્રતિવાદ આવતો હોય છે. તેની પાછળનો શુભાશય જ હોય છે કે લોકપ્રિય વ્યક્તિએ લેખાંજોખાં લઈને બોલવું, કેમ કે પાછળથી ખુલાસા ખાસ ફેલાતા નથી. સાથે એ પણ યાદ રાખવું કે ગુરુ પોતાના શિષ્યોના હિત ખાતર અમુક ટેવ પાડવા તેમને સીધો આદેશ જ આપતા હોય છે, સમજાવાની પ્રક્રિયા બહુ લાંબી ચાલતી હોય છે માટે.
વાત 1934ની છે. 1934માં બિહારમાં ભૂકંપ આવ્યો હતો અને તેનાથી તે વખતેય ઘણું નુકસાન થયું હતું. તે વખતે ગાંધીજીએ એક નિવેદન પત્રકારોને આપીને તેમને ય સલાહ આપી હતી કે “તમારે મારી જેમ સંશયી બનવું રહ્યું અને મારી જેમ તમારે માનવું રહ્યું કે આપણે જેમને હરીજન તરીકે ઓળખીએ છીએ તેમની સામે કરેલા પાપ બદલ આપણને કુદરતની સજા સમો આ ધરતીકંપ છે”. ગુરુ શુભાશયથી પોતાના શિષ્યોને કશુંક કહેવા માગતા હોય ત્યારે આ રીતે કહે. અનુયાયીઓને બધા જ મનુષ્યો તરફ સદભાવ રાખવા માટે સમજાવટ કરવામાં વર્ષોના વર્ષો લાગે, પણ કુદરતનો ખોફ દેખાડીને જનતાને ખોટે રસ્તા જતા રોકી શકાય એમ મહાનુભાવો માનતા હશે.પણ બધા નહિ. રવિન્દ્રનાથ ટાગોરને થયું કે ગાંધીજી આવી વાત કહે તે બરાબર નથી. અસ્પૃશ્યતા નિવારણના ગાંધીજીના ઉદ્દેશને ટાગોર સ્વીકારતા હતા, પણ તેમને લાગ્યું કે તેના માટે આવી અંધશ્રદ્ધા ના ફેલાવાય. રવિન્દ્રનાથે 28 જાન્યુઆરી, 1934ના રોજ એક અખબારી નિવેદન તૈયાર કર્યું. ટાગોર અને ગાંધીજી વચ્ચે મૈત્રી અને પરસ્પર સન્માનના સંબંધો હતા, તેથી ટાગોરે નિવેદન સીધું પત્રકારોને આપવાના બદલે ગાંધીજીને મોકલ્યું હતું અને તેને પ્રેસમાં જાહેર કરવા કહ્યું હતું.
આ તો 1934ની વાત છે અને હજી આઝાદી મળી નહોતી, પણ અભિવ્યક્તિની આઝાદી અને પ્રતિવાદી માટે પ્રેમનો સમય હતો. ગાંધીજીએ ટાગોરના નિવેદનને પોતાના પ્રકાશન હરીજનમાં 16 ફેબ્રુઆરી 1934ના રોજ પ્રગટ કર્યું હતું, જેનો સાર નીચે પ્રમાણે છે:
“મને બહુ દુઃખ સાથે આશ્ચર્ય થયું કે મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતાના સામાજિક રિવાજને અંધ રીતે પાળતા લોકો સામે આક્ષેપ કર્યો કે તેમના કારણે બિહારના કેટલાક વિસ્તારોમાં ઇશ્વરે સજા આપી. આ વધારે કમનસીબ બાબત છે, કેમ કે વસ્તુસ્થિતિને અવૈજ્ઞાનિક રીતે જોવાની આવી રીત દેશની વિશાળ જનતા બહુ સહેલાઈથી સ્વીકારી લે છે. કુદરતી પરિબળોથી બનતી ઘટનાઓ સાથૈ સૈદ્ધાંતિક કે નીતિમત્તાની બાબતોને જોડવી જોઈએ નહિ.
“વધુ વક્રતા એ છે કે કુદરતી ઘટના વિશે મહાત્માજીએ જે દલીલ કરી તે તેમના હરિફોની માનસિકતાને વધારે બંધબેસતી આવે છે. મને નવાઈ નહિ લાગે કે કે આ લોકો આ જ ઘટનાને ઉલટી રીતે જોશે અને તેમને અને તેમના અનુયાયીઓને દૈવી પ્રકોપ લાવવા બદલ પાપી ગણાવશે. [અસ્પૃશ્યતાને દૈવી ગણીને તેનો ભંગ કરવા બદલ.]
“મહાત્માજી દેશવાસીઓને ભયમુક્તિ અને હિંમત આપવાનું પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે ત્યારે મને બહુ પીડા થશે કે આ જ પ્રજાના મનમાં તેમના શબ્દોને કારણે અતર્ક વધશે, એ અતર્ક જે અંધશ્રદ્ધાની તાકાતના મૂળ સ્રોત સમાન છે અને આપણને સ્વાતંત્ર્ય અને સ્વાભિમાનથી દૂર રાખે છે.
“આવી વાત માની લેવી મારા માટે મુશ્કેલ છે. પણ ખરેખર તમે આવું જ માનતા હો તો, મને લાગે છે કે તેનો પ્રતિવાદ કર્યા વિના ચાલે નહિ.”
આ છેલ્લી વાત આજના સંદર્ભમાં વધારે ધ્યાન ખેંચે એવી છે કે ભિન્નમત ધરાવનારા વચ્ચે પણ સારી રીતે સંવાદ થઈ શકે છે. ગાંધીજીએ હરીજન અખબારમાં જ બાદમાં તેનો જવાબ પણ આપેલો – ‘અંધશ્રદ્ધા વિરુદ્ધ આસ્થા’ એવા મથાળા સાથેના લેખમાં લખ્યું કે દુકાળ, વાવાઝોડા, ધરતીકંપ વગેરે ભલે કુદરતની ઘટનાઓ લાગતા હોય, પણ ‘મને તે માત્ર ભૌતિક ઘટનાઓ નથી લાગતી, પરંતુ તેનો સંબંધ કોઈક રીતે મનુષ્યની નૈતિકતા સાથે જોડાયેલો લાગે છે’. ગાંધીજીએ આગળ લખેલું કેઃ
”એથી મને સ્ફૂર્યું કે ધરતીકંપ અસ્પૃશ્યતાના પાપને કારણે જ આવ્યો છે. અલબત, સનાતનીઓને એવું કહેવાનો પૂર્ણ અધિકાર છે કે હું અસ્પૃશ્યતા વિરુદ્ધ ઉપદેશ આપું છું તેના કારણે આમ થયું છું. હું પશ્ચાતાપ અને સ્વશુદ્ધિમાં માનું છું. કુદરતી નિયમો કેવી રીતે કામ કરે છે તેનું મારું અગાધ અજ્ઞાન હું સ્વીકારું છું. હું ઇશ્વરમાં માનું છું, પણ સંશયી સામે તેમનું અસ્તિત્વ સાબિત કરી શકવા સમર્થ નથી. બિહારના ધરતીકંપ સાથે અસ્પૃશ્યતાના પાપનો સંબંધ હું સાબિત કરી શકું તેમ નથી, પણ મારા અંતરાત્મામાં તેની કડી જોડાયેલી મને લાગે છે. મારી માન્યતા ખોટી સાબિત થશે, તો તેનાથી મારું ભલું જ થશે.”
ટાગોર ગાંધીજીને હંમેશા મહાત્મા કહીને બોલાવતા અને ગાંધીજી તેમને ગુરુદેવ કહીને સંબધન કરતાં. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી તેમની વચ્ચે ઘણી વાર મુલાકાતો થઈ હતી અને પરસ્પર માટે આદરભાવ ધરાવતા હતા. આમ છતાં પોતપોતાના મતને વળગી રહેતા હતા અને આવી રીતે વાદ અને પ્રતિવાદ કરીને વાતને પૂર્ણવિરામ મૂકી દેતા હતા. આ બાબતે પછી બંનેએ વિવાદ આગળ વધાર્યો નહોતો.
બીજું કે અખબારી નિવેદન તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યાના એક અઠવાડિયા પછી 6 ફેબ્રુઆરી 1934ના રોજ તેમણે શાંતિનિકેતનથી અન્ય નિવેદન બહાર પાડીને બચાવ પણ કર્યો હતો. ‘કોઈ વાર અભિપ્રાયો અલગ પડતા હોય તેના કારણે કોઈની બદનામી કરીએ તો સ્વાર્થીપણું છે. મેં જાહેરમાં ઘણી વાર તેમની સાથે અસહમતી દર્શાવી છે, અને હાલમાં જ બિહાર ધરતીકંપ એ કુદરતે કરેલી સજા છે તેવી તેમની માન્યતાની પણ મેં ટીકા કરી છે. પરંતુ મને તેમની ધાર્મિક માન્યતાની પ્રામાણિકતા અને ગરીબો માટેના અતૂટ પ્રેમ માટે માન છે અને તેમના અલગ અભિપ્રાયને માનથી જોઉં છું.’
સૌની પોતપોતાની માન્યતા હોય છે અને માન્યતાને કારણે કોઈની માનહાની કરવી એ પણ યોગ્ય નથી તે વાત પણ આમાંથી ઉપસી આવે છે. કુદરતી પ્રકોપ સામે મનુષ્ય લાચારી વ્યક્ત કરે છે, પણ સાચી વાત એ છે કે સાથે મથામણ પણ કરતો રહે છે. માત્ર મનુષ્ય નહિ, દરેક સજીવ ટકી જવા માટે કુદરત સામે સંઘર્ષ કરતો રહે છે. કદાચ કુદરતનો નિયમ જ છે એ કે સંઘર્ષ કરવો અને ટકી જવું. આ કોઈ દુશ્મનાવટ નથી, પણ કુદરતી ક્રમ છે. કવિએ કહ્યું પણ છે કે – પોષતું તે મારતું, એ ક્રમ કુદરતી દીસે.
કુદરત અકળ છે અને સૌના મન પણ અકળ છે. આપણે કોઈની માન્યતા માનવી પણ નહિ, અને અકળાવું પણ નહિ. બરાબર કે નહિ? અકળાયા વિના અભિપ્રાય આપજો હોંકે…
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular