Thursday, May 15, 2025
Google search engine
HomeBudget 2024આવકવેરાના ચોક્કસ ફેરફાર આવકાર્યઃ ખરું બજેટ જુલાઈમાં

આવકવેરાના ચોક્કસ ફેરફાર આવકાર્યઃ ખરું બજેટ જુલાઈમાં

અમદાવાદઃ અનુકૂળતા, આશા અને અપેક્ષા વચ્ચે ઝૂલતા આપણા દેશના અર્થતંત્ર માટે આ એક મહત્વનો સમયગાળો છે ત્યારે વચગાળાનું અંદાજપત્ર રજૂ થયું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી બે દિવસ પહેલાં જ અંદેશો આપ્યો હતો કે આ વખતના અંદાજપત્રનું ક્ષેત્ર દિશા-નિર્દેશ કરવાનું રહેશે. આર્થિક પગલાંઓ અને કાયદાની જોગવાઈઓ તો જુલાઈના સંપૂર્ણ અંદાજપત્ર દ્વારા આવશે. એક રીતે જોવા જાઓ તો આ તો વાજિંત્રોના તારની મિલાવટ છે, વાદન તો જુલાઈમાં થશે.

વૈશ્વિક સ્તરે અર્થતંત્ર મંદ, સ્થગિત અને ક્યારેક નકારાત્મક સ્થિતિમાં છે ત્યારે ભારત સામે પૂરે તરી રહ્યું છે અને સાત ટકાથી વધુ વૃદ્ધિદર જોવાઈ રહ્યો છે. માત્ર શેરબજારનો ઇન્ડેક્સ વિશ્વસનીય માપદંડ હોઈ ન શકે એ કબૂલ રાખીએ તો પણ સિત્તેર હજારની આસપાસ રહેતો બીએસઇનો સેન્સેકસ રોકાણકારોનો ભવિષ્ય માટે તો વિશ્વાસ તો દર્શાવે જ છે. ચાર વર્ષમાં કરવેરાની વસૂલાત પચાસ ટકા વધી છે. આવકપત્રકોનો પ્રોસેસિંગ સમય દસ વર્ષમાં 93 દિવસથી ઘટીને 10 દિવસ થયો છે અને 80 ટકા કિસ્સામાં રિફંડ એક મહિનામાં આપવામાં આવે છે. ટેક્નોલોજીને કારણે છેલ્લાં દસ વર્ષમાં કર ભરનારાઓની સંખ્યા 65 ટકા વધી છે.
આ વચગાળાના અંદાજપત્રમાં જૂની ડિમાન્ડ રદ કરવાનો પ્રસ્તાવ આવકાર્ય છે. મહદંશે આ ડિમાન્ડ આવકવેરા ખાતાના જૂના રેકોર્ડ પૂર્ણ ન હોવાને કારણે ઊભી છે. કર ભરનારાઓએ ચુકવણી કરી હોવા છતાં જ્યારે આવકવેરાના રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ ન હતા ત્યારે એને ચોપડે એ ચુકવણી નોંધાઈ ન હતી અને એ જ અપૂર્ણ ચોપડાની વિગતો કોમ્પ્યુટરમાં મુકાઈ હતી. જોકે ડિમાન્ડ રદ કરવાની મર્યાદા વધારવી જોઈએ એ માગણીને વાજબી ગણી શકાય.

આ ઉપરાંત વિદેશમાં મોકલાતી રકમ પર ટેક્સ કલેક્શન એટ સોર્સની જોગવાઈમાં છૂટ મૂકવામાં આવી છે અને રૂ. સાત લાખ સુધી મુક્તિ આપવામાં આવી છે. રૂ.  સાત લાખથી વધુ તબીબી અને શૈક્ષણિક ચુકવણી પરનો દર વીસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
હવે જુલાઈમાં પૂર્ણ અંદાજપત્ર કેવી જોગવાઈઓ લાવશે એની રાહ જોવી રહી.

 

(સ્નેહલ ન મુઝુમદાર)
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અધ્યક્ષ (ભારત) ઇન્ડો યુએસ ચેમ્બર ઓફ કોમર્સ,  યુએસએ)

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular