Sunday, July 6, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedજ્યારે બિગ બી શૂટિંગમાં રોજ લેટ પહોંચતા હતા...

જ્યારે બિગ બી શૂટિંગમાં રોજ લેટ પહોંચતા હતા…

એક કબૂલાતઃ મને ટેલિવિઝન જોવાનો ખાસ શોખ નથી. હા, સમાચાર-બમાચાર જોઈ કાઢીએ કે હોલિવૂડની મૂવી-ચૅનલો, બાકી સિરિયલ્સની વાર્તા ફૉલો કરતો નથી. હમણાં (મંગળવાર, 18 ઑક્ટોબરે) ખાસ કંઈ કરવાનું નહોતું એ રાતે ચૅનલ સર્ફિંગમાં કેબીસી પકડાઈ ગયું. એમાં ગરમ ખુરશીમાં બેઠેલા કોઈ કન્ટેસ્ટંટ સાથે અમિતાભ બચ્ચન ‘દીવાર’ ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા કે, વિજય પોતાની મા ઝટ સારી થઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવા મંદિરે જાય છે. સૌ જાણે છે એમ, સુમિત્રા દેવી અને આનંદ વર્મા (નિરૂપા રૉય-સત્યેન કપ્પુ)નો સ્મગર બેટો વિજય નાસ્તિક હોય છે. હવે અચાનક એને મંદિરે જવાનું છે.

પેલા એપિસોડમાં બચ્ચન સર કહે છે કે “શૂટિંગ માટે હું સાત વાગ્યે પહોંચ્યો. ડિરેક્ટર યશ ચોપડા પણ આવી ગયેલા, બધું રેડી હતું, પણ રાત સુધી હું મેક-અપ રૂમમાંથી બહાર જ નીકળી ન શક્યો. મારું મગજ બહેર મારી ગયેલું. સમજ નહોતી પડતી કે આ સીન મારે ભજવવો કેવી રીતે? પણ અહીં રાઈટર (સલીમ-જાવેદ)ની કમાલ જુઓ. એમણે પહેલી પંક્તિ એવી લખી કે મારું કામ સરળ થઈ ગયું. રાતે દસ વાગ્યે એ સીન ઓકે થયો.” એ પંક્તિ એટલે “આજ ખુશ તો બહોત હોગે તૂમ” એ કહેવાની જરૂર ખરી?

વસ્તુ એવી છે કે, બચ્ચન સર ઈન્ડસ્ટ્રીમાં કાયમ સમયસર પહોંચી જવા માટે પ્રખ્યાત છે. શૂટિંગ હોય કે સમારંભ. પણ થોડા સમય પહેલાં એક પુસ્તક વાંચવામાં આવેલું, જેમાં શૂટિંગ માટે એ સતત મોડા પડતા હતા એવો ઉલ્લેખ હતો. એ પુસ્તક એટલે‘અનસ્ક્રિપ્ટેડ: કન્વરસેશન ઑન લાઈફ ઍન્ડ સિનેમા,’ લેખકઃ આપણા અભિજાત જોશી. અભિજાત દાદાએ પુસ્તકમાં ખાસ તો નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાનો સિનેમાપ્રવાસ આલેખ્યો છે, જેમાં એમના એક મહત્વાકાંક્ષી ચિત્રપટ ‘એકલવ્યઃ ધ રૉયલ ગાર્ડ’ના નિર્માણ વિશેનો આ પ્રસંગ છે.

બનેલું એવું કે વિધુ વિનોદ ચોપડાને કેટલાંક મહત્વનાં દશ્યો વહેલી સવારે ચોક્કસ સમયના સૂર્યપ્રકાશમાં (મૉર્નિંગ લાઈટમાં) ચિત્રિત કરવા હતાં. બનતું એવું કે દરરોજ અમિતાભ મોડા પડે, એટલે વિધુભાઈનું રુટિન અપસેટ થાય. એકાદબે દિવસ તો એમણે લેટ ગો કર્યું, પણ ત્રીજે દિવસે એમનો પિત્તો ગયો. વળી ગુસ્સાની આગમાં ઘી હોમ્યું બચ્ચન સરના આસિસ્ટંટ પ્રવીણ જૈને. વિધુ વિનોદ ચોપડાએ એમને બોલાવ્યા તો એ આવ્યા જ નહીં… આવ્યા ત્યારે સામી દલીલ કરી, જેનાથી વાત વધુ વણસી. શોરબકોર સાંભળી બચ્ચન એમની વૅનિટી વૅનમાંથી બહાર આવ્યા.

હવે સૌની નજર વિધુ વિનોદ પર હતી. એ મહાનાયકને શું કહે છે અને મહાનાયક શું જવાબ આપે છે એની પર હતી.

ગમ્મત એ થઈ કે અમિતાભે વિધુ વિનોદ સાથે વાત કરવાને બદલે ત્યાં ઉપસ્થિત એમનાં બેટર હાફ અનુપમા ચંદ્રા સાથે વાર્તાલાપ શરૂ કર્યોઃ “મૅડમ, તમે આવા (વિધુ વિનોદ જેવા) ગાંડા માણસ સાથે કેવી રીતે રહો છો?”

મહાનાયકની વાત સાંભળીને અનુપમા હસવા લાગ્યાં, પછી તો અમિતાભ અને બધા જ હસવા લાગ્યા… વિધુ વિનોદ પણ લાફ્ટર થેરાપીમાં જોડાયા. વાતાવરણ હળવું બનતાં બિગ બીએ મોડા પડવાનું કારણ ડિરેક્ટરને જણાવ્યુઃ ‘દોસ્ત, આ ફિલ્મમાં મારું પાત્ર તમે જે રાખ્યું છે એનો મેક-અપ કરવામાં બહુ સમય જાય છે. વળી આ મેક-અપ કરનારા ભાઈઓ ખૂબ ગંધાય છે.’

હત્તેરિકી. વિધુને મામલો સમજાઈ ગયો. એમણે તુરંત મેક-અપ ટીમને આદેશ આપી દીધો કે ‘તમારે વહેલી સવારે સુગંધી સાબુ ચોળી ચોળીને, પછી ડેટોલથી સ્નાન કરી, ડૉક્ટર પહેરે એવા સફેદ ગાઉન (કે કોરોનામાં પહેરતા હતા એવી પીપીઈ કિટ) પહેરીને અમિતાભ બચ્ચનનો મેક-અપ કરવા જવું’.

બસ, પછી તો ફટાફટ શૂટિંગ થવા લાગ્યું અને… આ વર્ષે એકલવ્યએ એની રિલીઝનાં 15 વર્ષ પૂરા કર્યાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular