Wednesday, May 14, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedધ સ્ટોરીટેલરઃ દિલ નહીં, આત્માને સ્પર્શતી કૃતિ...

ધ સ્ટોરીટેલરઃ દિલ નહીં, આત્માને સ્પર્શતી કૃતિ…

2025ના શુભારંભમાં અક્ષયકુમારની સ્કાયફોર્સ અને શાહીદ કપૂરની દેવા વચ્ચે ડિઝનીહોટસ્ટાર પર આવી ગઈ ‘ધ સ્ટોરીટેલર..’ દેશ-વિદેશના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી ‘ધ સ્ટોરીટેલર’ આધારિત છે ઓસ્કારથી સમ્માનિત ફિલ્મસર્જક સત્યજિત રેની ટૂંકી વાર્તા ‘ગોલપો બોલિએ તારિણી ખુરો’ પર.

મહાનની પંગતમાં બિરાજતા લેખક-દિગ્દર્શક સત્યજિત રેએ, મૌલિકતા અને ઉઠાંતરી વિશેની એમની આ શોર્ટ સ્ટોરીમાં એક વિચારોત્તેજક સવાલ આપણી સામે મૂક્યો છેઃ મહત્વનું કોણ? વાર્તા કે વાર્તા કહેનાર?

અનંત મહાદેવન્ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પરેશ રાવલે કોલકાતાનિવાસી 62-વર્ષી તારિણી બંદોપાધ્યાયનું પાત્ર ભજવ્યું છે. યુવાવયથી કથા કહેવાના શોખીન તારિણી ગમે તે વિષય પર જકડી રાખે એવી વાર્તા કહી શકે. તારિણી વાર્તા વિચારે અને સંભળાવી દે, પણ ક્યારેય વાર્તા લખતા નથી. એમની પત્ની (અનિંદિતા બોઝ) હંમેશાં કહ્યા કરે છે કે તમારે વાર્તા લખવી જોઈએ.. અચાનક નિવૃત્તિકાળમાં તારિણીને અમદાવાદથી નોકરીની ઓફર આવે છેઃ સફળ બિઝનેસમેન રતન ગરોડિયા (આદિલ હુસૈન)ને વાર્તા સંભળાવવાની. રતન ગરોડિયા પાસે પૈસા-પ્રસિદ્ધિ-મોભા સાલસ પત્ની સરસ્વતી (રેવતી) બધું છે, પણ એ ક્રોનિક ઈન્સોમ્નિયા એટલે કે અનિદ્રાથી ત્રસ્ત છે. એમને એમ કે સારી વાર્તા સાંભળાથી મીઠી નીંદર આવી જશે. એકમેકથી તદ્દન જુદાં બે વ્યક્તિત્વો- તારિણી દા અને રતનની પ્રથમ મુલાકાતથી જ ફિલ્મનો ખરો ઉપાડ થાય છે. તારિણીની કહાની કહેવાની કળા રતનને મંત્રમુગ્ધ કરી દે છે. રતન એમના રહેવા-જમવાની વ્યવસ્થા કરે છે. અને શરૂ થાય છેઃ બંગાળી-ગુજરાતી ભાષા-ભૂષા ને ભોજનનો સંઘર્ષ. અહીં સુધી મોજમસ્તી ચાલતી રહે છે, પણ અચાનક વાર્તા ગંભીર વળાંક લે છે. એ શું છે એ જાણવા ફિલ્મ જોવી જોઈએ.

‘ધ સ્ટોરીટેલર’ બે-ઘડી મોજ કરાવતાં, તબિયત માટે હાનિકારક એવાં એરેટેડ ડ્રિન્ક જેવી નહીં, પણ આદુ-મસાલાવાળી સવારની પહેલી, મોટ્ટા ડોઝવાળી ચા જેવી છે, જે તમે નિરાંતે, ધીમા સ્વાદે માણો છો. જાણે મનગમતી કિતાબ વાંચી રહ્યા છોઃ કથાનક, પાત્રો, કથાની બારીકી ધીમે ધીમે ગ્રહણ કરો છો, લેખકે સર્જેલી સૃષ્ટિમાં પ્રવેશ કરો છો, અંત (ક્લાઈમેક્સ) વિશે સતત વિચારતા રહો છો.

ધારદાર રમૂજવૃત્તિ ધરાવતા, તરંગી કથાકાર તારિણી ખુરોના પાત્રમાં પરેશભાઈ  ઊંડી છાપ છોડી જાય છે. મને ગમી ગયેલા અનેક સીનમાંનો એકઃ અમદાવાદથી તારિણી બિલાડી લઈને કોલકાતા આવે છે. ભૂખી થયેલી ફિશ-લવર બિલાડી માટે તારિણી હિલ્સા માછલી રાંધે છે. આ સીન, એની નજાકત, પરેશભાઈનો સહજ અભિનય, એમના હાવભાવ વિદ્યાપીઠ બની રહે છે કલાકારો માટે. આ સીન તારિણીની જિંદગી સાથે પણ બંધબેસે છે. એ બિઝનેસમેન રતન માટે કોલકાતાથી અમદાવાદ ગયા, જ્યાં એમને પોતાના અસ્તિત્વનો અર્થ સાંપડ્યો. લેખક કહેવા માગે છે કે, જીવનમાં સ્થિરતા જેવું કંઈ હોતું નથી. સ્થળકાળનાં પરિવર્તન આવ્યાં જ કરે છે. આ પરિવર્તન જીવનને નવો અર્થ, ખુશહાલી બક્ષે છે.

અનંત મહાદેવને રેને દીધેલી બેસ્ટ અંજલિ છે. એમણે કથાનકમાં  દુગ્રા પૂજા, ભીડવાળી મચ્છી માર્કેટ, ટ્રામ, હાથરિક્ષા, લાલપીળા રંગનાં મકાન, હાવરા બ્રિજ જેવાં સત્યજિત રેના કોલકાતા અને એના કલ્ચરને વણી લીધાં છે. રિજુ રોયના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ સીટી મારવાનું મન છે. રવીન્દ્રનાથ ટાગોર તથા બાંગલા લોકસંગીત વાર્તાને આગળ લઈ જાય છે, જ્યારે સ્ક્રીનપ્લે-ડાયલોગ્ઝ માટે ત્રણ જણને શ્રેય આપવામાં આવ્યુઃ કિરીટ ખુરાના-અનંત મહાદેવન્-શ્રીજાતો.

ફિલ્મનો આત્મા છે સશક્ત પાત્રાલેખન. વિશેષ કરીને પરેશ રાવલનો અભિનય. પરેશ રાવલ આપણું કેવું અણમોલ રતન છે એ આ ફિલ્મ જોઈને સમજાય છે. ‘ધ સ્ટોરીટેલર’ જોતી વખતે ‘હેરાફેરી’વાળા પરેશભાઈ નહીં, પણ ‘તમન્ના’ કે ‘સરદાર કે ‘રોડ ટુ સંગમ’વાળા પરેશ રાવલ યાદ આવી જાય. આદિલ હુસૈને પણ કમાલનું કામ કર્યું છે. રેવતી અને તનિષ્ઠા ચેટર્જી પણ પ્રશંસાને પાત્ર છે, પણ સાદ્યંત પરેશ રાવલ જ આપણને રીઝવે છે.

ફિલ્મમાં કહેવાયેલી સ્ટોરી અને સ્ટોરીટેલિંગનો સાર જ ફિલ્મને નવી ઊંચાઈએ લઈ જાય છે. અને દોસ્તી, વાર્તાની તાકાત, અને અંતે સ્વાનુભૂતિ (સેલ્ફ રિઅલાઈઝએશન) પર પ્રકાશ પાડતી ‘ધ સ્ટોરીટેલર’ની ઉપલબ્ધિ એ કે સત્યજિત રેનું  લેખન આજે પણ કેટલું સાંપ્રત છે. ઓટીટી પર ખૂનામરકી, ગાળાગાળી ને ડાર્કંડાર્ક જોઈને કંટાળ્યા હો તો ‘ધ સ્ટોરીટેલર’ જોવી જ જોઈએ. જુઓ અને કંઈક મેળવ્યાનો પ્રાપ્તિનો આનંદ લો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular