Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedકેવી છે ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી?

કેવી છે ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી?

આદિત્ય ચોપરાના પપ્પા યશ ચોપરાએ કારકિર્દીના આરંભમાં એક ફિલ્મ બનાવેલી ‘ધૂલ કા ફૂલ’. ફિલ્મનું એક પ્રસિદ્ધ સોંગ છેઃ “તૂ હિંદ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા”… હવે, આદિત્યને થાય છે કે યાર, 62-63 વર્ષ પહેલાં પાપાજીની ફિલ્મમાં સાહિર લુધિયાણવી સાહેબે જે વાત કરી એ આજે કહીએ તો? વાત કહેવાનું કામ એમણે સોંપ્યું વિજય કૃષ્ણ આચાર્યને. અને, ‘ધૂમ 3’, ‘ટશન’, ‘ઠગ્ઝ ઑફ હિંદોસ્તાન’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરનાર વિજયભાઈએ સિનેમાપ્રેમીઓ સામે ધરીઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી’. વાત એમણે ‘ધૂલ કા ફૂલ’ના સોંગવાળી જ કરી, પણ જરા જુદી રીતે.

વાર્તા ઉત્તર ભારતના એક કાલ્પનિક શહેર બલરામપુરમાં આકાર લે છે. નગરનો એક કર્મકાંડી બ્રાહ્મણ ત્રિપાઠીપરિવાર છે. પરિવારના મોભી (કુમુદ મિશ્રા) અને એના છોટા ભાઈ (મનોજ પાહવા) નદીના ઘાટ પર કે સંસદ ભવનની સાઈઝના બંગલામાં પૂજા-પાઠ-હવન કરાવે છે. દીકરો વેદવ્યાસ ત્રિપાઠી (વિકી કૌશલ) આખા વિસ્તારમાં ભજનસમ્રાટ તરીકે પંકાયેલો છે. આ ભજનકુમારની જીવનની ગાડી સડસડાટ દોડી રહી છે એવામાં એક દિવસ ખબર પડે છે કે બાય બર્થ એ બ્રાહ્મણ નહીં પણ મોમેડન છે. પોતાના વિશેની આ હકીકત જાણ્યા બાદ રૉકસ્ટાર ભજન કુમારની લાઈફમાં કેવાં પરિવર્તન આવે છે એ દેખાડ્યું છે સર્જકે.

હવે, ગમ્મત એ છે કે આ જ મૂળ વિચાર પર આધારિત ફિલ્મ થોડાં વરસ પહેલાં આવેલી, ‘ધરમ સંકટ મેં’… ફૌવાદ ખાન દિગ્દગ્શિત આ ફિલ્મમાં અમદાવાદમાં વસતા મધ્યમવર્ગી રૂઢિચુસ્ત હિંદુ પંચાવન વર્ષી ધરમપાલ ત્રિવેદી (પરેશ રાવલ)ને એક દિવસ ખબર પડે છે કે એ તો જન્મે મુસલમાન છે. મઝહબ વિશેની હકીકત જાણ્યા બાદ એના જીવનમાં કેવાં પરિવર્તન આવે છે એના પર આધારિત આ ફિલ્મની મૂળ વાત સારી હતી, પણ લેખન, દિગ્દર્શન નબળાં હતાં.

 

અહીં, એટલે કે ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી’માં એવું દેખાડવામાં આવ્યું છે કે ખરેખર તો ઊંચી વર્ણના હિંદુઓ જ નફરત ફેલાવે છે, બાકી વિધર્મીઓ તો કેટલા સારા છે. અને ઓ હેલો, આ વિશેના ઉપદેશ પણ ફિલ્મમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે.

ફિલ્મનો ઓપનિંગ ડાયલૉગ છેઃ “માઈક ચેકિંગ, માઈક ચેકિંગ”. કાશ ફિલ્મ શરૂ કરતાં પહેલાં સ્ક્રિપ્ટ ચેક કરી હોત. નબળા પાત્રાલેખનનો એક નમૂનોઃ કાનુડાનાં ભજન (કન્હૈય્યા ટ્વિટ્ટર પે આજા) ગાતો ભજનકુમાર અચાનક ઉર્દૂમિશ્રિત પંજાબી સોંગ “જપદા મેરા નામ સાહિબા” ગાવા માંડે છે, અચાનક નયા ભારતમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ વિશેનું લેક્ચર આપવા માંડે છે. મધ્યાંતર પહેલાં ફિલ્મ સરરરર જાય છે, પ્રીતમે બે ગીત દિલડોલ બનાવ્યાં છે, ઈન્ટરવલ સમયે પણ એક ધમાકેદાર કૉન્ફ્લિક્ટ જોવા મળે છે, પણ તે પછી ફિલ્મ રીતસરની પછડાય છે. વિકી કૌશલ, કુમુદ મિશ્રા, મનોજ પાહવા જેવા કેટલાક પાવરફુલ પરફોરમન્સ થોડોઘણો રસ જાળવી રાખે છે. અરે હા, ફિલ્મમાં 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ છે. કમનસીબે એ કેવળ એક ડેકોરેટિવ પીસ બનીને રહી જાય છે.

તો ફિલ્મ જોવાય કે નહીં? ધાર્મિક સુસંવાદિતા તથા હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી નહીં પણ માનવી બનો એ વિશેનો બે કલાકનો ક્લાસ ભરવો હોય તો પહોંચી જાઓ નજીકના થિએટરમાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular