Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedસાથી ન કારવાં હૈ...  તેરા ઈમ્તિહાં હૈ

સાથી ન કારવાં હૈ…  તેરા ઈમ્તિહાં હૈ

વર્ષો પહેલાં મીન્સ કે, ‘ચિત્રલેખા’માં જોડાયો તે પહેલાં હું એક કંપનીમાં નોકરી કરતો હતો, જેને પ્રકાશનવ્યવસાય સાથે લાગતુંવળગતું નહોતું. કંપનીના ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર કર્ણાટક બાજુના કોઈ શેટ્ટી હતા. એમણે એમની કેબિનમાં એક ફિલ્મગીતની કડીને લેમિનેટ કરીને ટિંગાડેલી. એ પંક્તિઃ

“રુક જાના નહીં તૂ કહીં હાર કે… કાટોં પે ચલકે મિલેંગે સાયે બહાર કે”… ફિલ્મઃ ‘ઈમ્તિહાન’.

ગઈ કાલે પાંચ નવેમ્બરે ‘ટીચર્સ ડે’ ગયો ને મને મેનેજર અને એમને સતત પ્રેરણાનાં પીયૂષ પીવડાવતું ગીત ને 1974માં આવેલી ‘ઈમ્તિહાન’ યાદ આવી ગઈ. ગુરુ-શિષ્યના સંબંધ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો, આમ તો, બની છે. “આઓ બચ્ચોં તુમ્હે દિખાયે ઝાંખી હિંદુસ્તાન કી”વાળી ‘જાગૃતિ’થી લઈને મહેશ ભટ્ટની ‘સર’, સંજય લીલા ભણસાલીની ‘બ્લૅક’, નાગેશ કૂકનુરની ઈકબાલ, આમીર ખાનની ‘તારે ઝમીં પર’, શીમીત અમીનની ‘ચક દે ઈન્ડિયા’, વગેરે. પણ મારી ફેવરીટ છે વિનોદ ખન્નાની ‘ઈમ્તિહાન’. એટલા માટે કેમ કે આ ફિલ્મ સાથે કિશોરાવસ્થાની અનેક સ્મૃતિ સંકળાયેલી છે.

1967માં આવેલી બ્રિટિશ ફિલ્મ ‘ટુ સર, વિથ લવ’થી પ્રેરિત ‘ઈમ્તિહાન’ની વાર્તા એટલી જ કે એક કૉલેજ છે, જેના અમુક વિદ્યાર્થીઓ એવા તો મસ્તીખોર છે કે કોઈ પ્રેફેસર ત્યાં ટકતા નથી. એ કૉલેજમાં પ્રોફેસર પ્રમોદ શર્મા (વિનોદ ખન્ના)ને નોકરી મળે છે. અમીર બાપા (મુરાદ)ને બેટો પંતુજી બને એ પસંદ નથી, પણ પ્રમોદ કહે છે કે મારે તો શિક્ષણ ક્ષેત્રે જ જવું છે. પ્રમોદ શર્મા કોટ-પૅન્ટ-શૂઝ ને હાથમાં બૅગ ઝાલીને કૉલેજમાં દાખલ થઈ રહ્યા છે ત્યાંથી ફિલ્મ ઓપન થાય છે. બૅકગ્રાઉન્ડમાં ગીત વાગે છે “રુક જાના નહીં તૂ કહી હાર કે”… નોકરીના પહેલા જ દિવસે પ્રોફેસરને ભગાડી મૂકવા માથાભારે સ્ટુડન્ટ્સ જાતજાતના પેંતરા કરે છે, પણ પ્રમોદ સર એ બધા નિષ્ફળ બનાવે છે ને કહે છેઃ “તમે આજે જ્યાં છો ત્યાં હું ગઈ કાલે હતો એટલે મારી આગળ આવી હોશિયારી કરતા-બરતા નહીં”.

મહારાષ્ટ્રના નાશિકમાં શૂટ થયેલી અને વિનોદ ખન્ના-તનુજા-બિંદુની મુખ્ય ભૂમિકાવાળી ‘ઈમ્તિહાન’ના ડિરેક્ટર હતા મદન સિંહા, જે પોતે ફોટોગ્રાફર હતા. દિવ્યાંગ તનુજા પર ચિત્રિત થયેલા “રોજ શામ આતી થી… મગર ઐસી ન થી” એ ગીત સમી સાંજે શૂટ થયેલું. ગીતના પિક્ચરાઈઝેશનમાં મદનજીએ કલરફુલ ફિલ્ટર વાપરેલા, જેનાથી ઢળતી સાંજનું એક આહલાદક વાતાવરણ ખડું થયેલું. હિંદી સિનેમામાં આવું પહેલી જ વાર બનેલું. આ ગીત જોવા લોકો બીજી વાર ફિલ્મ જોતા. કમનસીબે, ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં ડિરેક્ટર મદન સિંહાનું અવસાન થઈ ગયું. ફિલ્મની સફળતા એ જોઈ ન શક્યા.

આમ જુઓ તો ‘ઈમ્તિહાન’ 1971માં બનેલી તમિળ ફિલ્મ ‘નૂટરુક્કુ નૂરુ’ (અર્થ થાય 100માંથી 100) પરથી સર્જાયેલી. અલબત્ત, ડિરેક્ટર કે. બાલાચંદરે એમની ફિલ્મ ‘ટુ સર, વિથ લવ’ પરથી બનાવેલી. કે. બાલાચંદર જાણીતા છે ‘આયના’ (મુમતાઝ-રાજેશ ખન્નાવાળી), ‘એક દૂજે કે લિયે’, ‘ઝરા સી જિંદગી’, ‘એક નયી પહેલી’ જેવી ફિલ્મો માટે.

‘ટુ સર, વિથ લવ’ પરથી અનેક ફિલ્મ આપણે ત્યાં બની છે. ફિરોઝ ખાનને ચમકાવતી ‘અંજાન રાહેં’નાં મૂળ પણ આ જ ફિલ્મમાં. ‘ઈમ્તિહાન’માંથી પ્રેરણા લઈને સ્ટાર પ્લસ પર ‘જીત’ નામની સિરિયલ પણ બની. ચાન્સ મળે તો ‘ઈમ્તિહાન’ જોઈ નાખજો, કૉલેજના દિવસો યાદ આવી જશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular