Friday, May 16, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedછોટા પૅકેટ બડા ધમાકા...

છોટા પૅકેટ બડા ધમાકા…

 હું લખવા બેઠો છું ત્યાં અચાનક ટ્વિટર પર એક ટ્રેન્ડ નજરે ચડ્યોઃ સ્મૉલર રોલ વિથ અ બિગર ઈમ્પેક્ટ અર્થાત હિંદી સિનેમામાં નાનાં પણ પ્રેક્ષકનાં દિલદિમાગ પર ઊંડી છાપ છોડી જનારાં પાત્રો…કરીના કપૂર-શાહીદ કપૂરવાળી ‘જબ વી મેટ’નો પેલો પૂજાપાઠ કરતો, ધીમી ગતિએ ટૅક્સી ચલાવી કરીના-શાહીદને ઈરિટેટ કરતો ડ્રાઈવર (બ્રિજેન્દ્ર કાલા) યાદ છે? બસ, એવાં સશકત અભિનેતાની નાની નાની ભૂમિકા…

આમ તો ‘શોલે’નાં સાંભા, કાલિયાથી લઈને મૌસીજી કે પછી રહીમ ચાચા, સૂરમા ભોપાલી કે પછી અંગ્રેજ કે જમાને કે જેલર, હરિરામ નાઈ જેવાં પાત્રો યાદ રહી ગયાં છે, પણ બીજી એવી અનેક ફિલ્મ છે, જેનાં ઓછા સમય માટે પરદા પર આવતાં પાત્ર આપણાં મનમસ્તિષ્ક પર લાંબો સમય સુધી છવાયેલાં રહે છે. જેમ કે, જેના અસંખ્ય મીમ્સ બન્યાં છે એ (નહીં દબાના થા) ‘ધમાલ’નો ઍરટ્રાફિક કન્ટ્રોલર (વિજય રાઝ)… આ જ વિજય રાઝનાં બીજાં બે પાત્રઃ ‘મોનસૂન વેડિંગ’માં પીકે દુબે તથા ‘રન’માં “સાલા, છોટી ગંગા બોલકે હમકો નાલે મેં કૂદા દિયા”… આજે પણ યાદ છે.

એવી જ રીતે આશુતોષ ગોવારિકરની ‘લગાન’માં કચરા જેવાં નાનાં નાનાં પાત્ર યાદગાર બની રહ્યાં. એમ તો આશુતોષ ગોવારિકરની ‘સ્વદેસ’ જોઈ હોય તો એનો એક સીન, એક પાત્ર આંખમાં પાણી લાવી દે છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’માં નોકરી કરતો મોહન ભાર્ગવ (શાહરુખ ખાન) ભારતના એક ગામમાં પોતાની વયોવૃદ્ધ નૅની કાવેરી અમ્માને મળવા આવ્યો છે… એ ટ્રેનમાં બારી પાસે બેઠો છે. પ્લેટફોર્મ પર એક આઠ-દસ વર્ષનો બાળક પાણી વેચવા આવે છે ને શાહરુખને એક પવાલું પાણી લેવાની વિનંતી કરે છે. આ એક સીન મોહન ભાર્ગવનું હૃદયપરિવર્તન કરી મૂકે છે, એ અમેરિકા છોડી કાયમ માટે ભારત વસી જવાનું, ગ્રામોત્થાનનાં કામ કરવાનું નક્કી કરે છે.

ઝોયા અખ્તરની ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં નસીરુદ્દીન શાહના રોકડા બે સીન છે, પણ એ એમાં રીતસરના છવાઈ ગયા છે. ખાસ કરીને બીજો સીન, જેમાં એ પુત્ર (ફરહાન અખ્તર) સાથે સંવાદ સાધે છે. આ જ નસીરભાઈ 2008માં આવેલી અબ્બાસ ટાયરવાલાની ફિલ્મ ‘જાને તૂ…યા જાને ના’માં ઈમરાન ખાનના મૃત દીવાલ પર ટાંગેલી છબિમાંથી આવીને પ્રેક્ષકના ચહેરા પર સ્મિત ફરકાવતા રહે છે.

ઘણી ફિલ્મમાં પશુ-પક્ષી પણ મહત્વનાં પાત્ર સાબિત થયાં છે. ‘તેરી મેહરબાનિયાં’થી લઈને ‘કૂલી’નું પેલું બાજ પક્ષી… સૂરજ બરજાત્યાની ‘મૈને પ્યાર કિયા’નું કબૂતર અને ‘હમ આપકે હૈ કૌન’નો રમતિયાળ શ્વાન ટફી. જસ્ટ કલ્પના કરો- એ કૂતરું ન હોત તો સલમાનની હાલત કૂતરા જેવી થઈ જાત કે નહીં? શ્વેત રુવાંટીવાળું એ કૂતરું તે વખતે એટલું ફેમસ થયેલું કે એના વિશે લેખો આવેલાઃ છ વર્ષના એ ઈન્ડિયન સ્પિટ્ઝનું સાચું નામ રેડો હતું અને એ સૂરજ બરજાત્યાના આસિસ્ટંટ ડિરેક્ટરનો પાલતુ શ્વાન હતો.

તો 2018માં આવેલી ઉમંગ વ્યાસ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’માં પણ આવાં નાનાં નાનાં, પણ થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ યાદ રહે એવાં પાત્રો હતાં. આમ તો આ વિષય એવો કે એક આખો ગ્રંથ તૈયાર થાય, પણ અહીં થોડાં પાત્રનાં-ફિલ્મનાં નામ મૂક્યાં છે. તમારે એમાં ઉમેરા કરવા હોય તો મોસ્ટ વેલકમ.

ઍક્ટર – પાત્ર –  ફિલ્મ

સાસ્વત ચેટર્જી – બૉબ બિસ્વાસ – કહાની

ઓમ પુરી- નહારિ- ગાંધી

જૉની વૉકર – મૂસાભાઈ – આનંદ

અમિતાભ બચ્ચન- ફ્લાઈટ પેસેન્જર – ઈન્ગ્લિશ વિન્ગ્લિશ

હૃતીક રોશન – અલી ઝફર ખાન – લક બાય ચાન્સ

શક્તિ કપૂર ક્રાઈમ માસ્ટર ગોગો – અંદાઝ અપના અપના

પરેશ ગણાત્રા – બિપાશા બસુનો નકલી પતિ – નો એન્ટ્રી

સ્વરા ભાસ્કર – બિંદિયા – રાંઝણા

અખિલ મિશ્રા – લાઈબ્રેરિયન દુબે – થ્રી ઈડિયટ્સ

ઑલિવિયેર સંજય – કરીનાનો મંગેતર સુહાસ – થ્રી ઈડિયટ્સ

 

(કેતન મિસ્ત્રી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular