Sunday, May 25, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedયે સાક્ષી તંવર મધર ઈન્ડિયા સે કમ હૈ કે?

યે સાક્ષી તંવર મધર ઈન્ડિયા સે કમ હૈ કે?

સાક્ષી તંવર… પાંચ અક્ષરનું આ નામ કાને અફળાતાં જ મન પહોંચી જાય છે ‘કેબીસી’ના આરંભના દિવસોમાં. સન 2000માં ‘સ્ટાર પ્લસે’ અમિતાભ બચ્ચનને લઈને ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ-શો શરૂ કર્યો, જે ઈન્સ્ટંટ હિટ થઈ ગયો. અચ્છા, ‘કેબીસી’ તો હિટ થઈ ગયો, પણ, તે વખતે ચેનલના સર્વેસર્વા સમીર નાયરે વિચાર્યું કે જો ‘કેબીસી’ના પ્રસારણની આગળપાછળ બેએક એવા શો મળી જાય તો પછી દર્શકો આપણી ચૅનલ પર જ ચોંટી રહે. એવા બે શો એટલે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ અને ‘કહાની ઘર ઘર  કી.’

એટલે જ, સાક્ષી તંવર નામસ્મરણ સાથે યાદ આવી જાય હાથમાં પૂજાની થાળી અને હોઠ પર મધુર સ્મિત ફરકાવતાં પાર્વતીભાભી. ‘કહાની ઘર ઘર કી’ છએક વર્ષ ચાલી. તે પછી સાક્ષીજી દેખાયાં ‘બડે અચ્છે લગતે હૈ’ સિરિયલમાં, મિસ્ટર કપૂર (રામ કપૂર)ની પત્ની પ્રિયાના રોલમાં. 2016માં આમીર ખાનની ‘દંગલ’ આવે છે ને સાક્ષી એક નવા જ કિરદારમાં જોવા મળે છેઃ પહેલવાન મહાવીરસિંહ (આમીર ખાન)ની પત્ની અને કુસ્તીબાજ દીકરી, ગીતા-બબિતાની મા.

-અને 2022માં 49 વર્ષી સાક્ષી એક વેબસિરીઝમાં પાવરફુલ રોલમાં જોવા મળે છે. પખવાડિયા પહેલાં આવેલા આ વેબશોનું નામઃ ‘માઈઃ અ મધર’સ રેજ.’

-અને ગઈ કાલે ગોધુલીથી મોંસૂઝણા સુધી ચાના કપ ખાલી કરતાં કરતાં ‘નેટફ્લિક્સ’ પર ‘માઈ’ જોઈ અને સવારે ફરીથી ચાયની ચુસકી તથા આંખમાં ઉજાગરા સાથે આ ‘મોજમસ્તી…’નું લેખન.

‘માઈ’ની કહાની લખનૌની મધ્યવયસ્ક શીલ ચૌધરી એટલે કે સાક્ષી તંવરની છે, જૉઈન્ટ ફૅમિલીમાં રહે છે, એક જવાન, બોલી ન શકતી બેટી સુપ્રિયા (વામિકા ગબ્બી) છે. સુપ્રિયા કોઈ કારણસર ડિસ્ટર્બ રહે છે, એ માને કંઈ કહેવા માગે છે, પણ કહી શકતી નથી. અચાનક એક દિવસ સુપ્રિયા એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે, જેની શીલ ચૌધરી ચશ્મદીદ ગવાહ છે. નર્સ તરીકે નોકરી કરતી શીલને ડાઉટ છે કે બેટીનું મોત લાગે છે એટલું કુદરતી નથી. ચોક્કસ એની સાથે કંઈ અજુગતું બન્યું છે. આ અજુગતું શું? એની શોધ અને એક માતા વહાલસોયી પુત્રીને ન્યાય અપાવવા કઈ હદ સુધી જઈ શકે એની આસપાસ ફરતી રહે છે સિક્સ એપિસોડ્સની ‘માઈ’. વિવેક મુશરન બન્યો છે યશ ચૌધરી, શીલનો પતિ.

વેબશોની ગતિ થોડી ધીમી છે, અનેક વાર સ્ક્રિપ્ટ કમજોર પડતી દેખાય છે, વાર્તા કંઈકેટલાય સ્તર અને કંઈકેટલાં કૅરેક્ટર સાથે ચાલે છે, જે યાદ રાખવાની કસરત થકવી નાખે છે, અને ક્યારેક એવું પણ લાગી આવે કે કારણવિના છ એપિસોડ્સ ખેંચ્યા છે, પણ જે રીતે રાઈટર-ક્રિએટર અન્શાઈ લાલ-અતુલ મોંગિયાએ વાર્તાની આસપાસ એક વાતાવરણ તથા રહસ્યની જાળ ગૂંથી છે એ તથા સાક્ષી તંવરનો વીજળીક અભિનય તમને ટીવી સામે બેસાડી રાખે છે. અતુલ મોંગિયા મૂળ તો કાસ્ટિંગ ડિરેક્ટર, સાથે સાથે એમણે કંઈકેટલાં ઍક્ટર-ઍક્ટ્રેસને તાલીમ આપી એમની પાસેથી બેસ્ટ પરફોરમન્સ કઢાવ્યો. હવે એ ‘માઈ’ સાથે હાજર થયા છે.

આ ભૂમિકા વિશે સાક્ષીનું કહેવું છે કે “અત્યાર સુધી, કોઈ બી રોલ માટે મેં ક્યારેય તૈયારી કરી નહોતી. મને પ્રિપેરેશન ગમતું જ નહોતું, પરંતુ શીલના પાત્ર માટે ઘરલેસન જરૂરી હતું. જેમ કે બોલી ન શકતી પુત્રીની માતાની ભૂમિકા માટે સાઈન લેંગ્વેજ શીખી, હૉસ્પિટલમાં નર્સ કેવી રીતે કામ કરે છે એ સમજી.”

સાક્ષી તંવર હવે ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘પૃથ્વીરાજ’ તથા તાહિરા કશ્યપની ‘શર્માજી કી બેટી’ જેવી ફિલ્મમાં જોવા મળશે. આશા રાખીએ કે આ મિડલએજ ઍક્ટ્રેસ શીલ જેવાં સશક્ત કૅરેક્ટર, ફિલ્મમાં જોવા મળતી રહે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular