Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedઓટીટીઃ પહલે ઈસ્તેમાલ કરે...ફિર વિશ્વાસ કરે!

ઓટીટીઃ પહલે ઈસ્તેમાલ કરે…ફિર વિશ્વાસ કરે!

આજકાલ ટ્વિટર પર એક ટ્રેન્ડ ચાલ્યો છેઃ ‘યૉર મેસેજ ટુ 2021’. જેમ કે, કોઈએ કહ્યું, “હે 2021, તું દહીં-સાકર ખાઈને આવજે” તો કોઈએ કહ્યું, “2020 જેવું બિહૅવ નહીં કરતો”. કોઈએ કહ્યું કે “સાત દિવસની મફત ટ્રાય આપ- પછી જોઈશું”.

આ છેલ્લો મશ્કરો મેસેજ ઓટીટીને લાગુ પડે છે.

ખીસામાં મલ્ટિપ્લેક્સ રાખવાની સગવડ આપતા ને ઓટીટી (ઓવર ધ ટૉપ) તરીકે ઓળખાતા મનોરંજનના આ નવા મંચે 2020માં જબરું કાઠું કાઢ્યું. દેશ-દુનિયામાં ઘરમાં ભરાઈને બેઠેલા લોકોનો સૌથી વધુ સમય ઓટીટી પર વીત્યો. હવે સાત કરોડ રૂપિયાનો સવાલ એ છે કે 2021માં ધીરે ધીરે જનજીવન થાળે પડતું જશે પછી ઓટીટીની લોકપ્રિયતા (આટલી બધી) રહેશે ખરી? અત્યારે 60થી વધુ ઓટીટી મંચ પરથી અપચો થઈ જાય એ હદે મનોરંજનના થાળ પીરસાઈ રહ્યા છે. 2021માં દર્શકની લાગણી એવી હશે કે પહેલાં મફત ટ્રાયલ આપો પછી જોઈશું. ચલો, નવા વર્ષમાં જોવા મળનારી કેટલીક વેબસિરીઝની એક ઝલક જોઈએઃ

ફૅમિલી મૅન-2 (પ્રાઈમ વિડિયો): પરિવારથી છૂપાઈને ‘નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી’માં કામ કરતો મનોજ તિવારી અને એના જોડીદાર શરીબ હાશમી તથા અન્ય કલાકારોએ પહેલી સીઝનમાં દર્શકોને બધા એપિસોડ્સ એકસાથે જોવા મજબૂર કરી દીધેલા. તાજેતરમાં બીજી સીઝનનું પોસ્ટર-ટીઝર બહાર પાડવામાં આવ્યું, એ જોતાં લાગે છે કે સિરીઝ એની પરંપરા જાળવી રાખશે.

તાંડવ (પ્રાઈમ વિડિયો): ભારતીય રાજકારણની આંટીઘૂંટીવાળી દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની નવ પાર્ટની સિરીઝ 15 જાન્યુઆરીથી જોવા મળશે. સૈફ અલી ખાન યુવા નેતા બન્યો છે. સાથે છે, ડિમ્પલ કાપડિયા-તિગ્માંશુ ધુલિયા-કુમુદ મિશ્રા, વગેરે.

બ્રોકન બટ બ્યુટિફુલ-3 (અલ્ટબાલાજી): આ રોમાન્ટિક સિરીઝની પહેલી બે સીઝનમાં વિક્રાંત મૅસી અને હરલીન સેઠી હતાં, તાજેતરમાં સર્જક એકતા કપૂરે ત્રીજી સીઝનના કલાકારની જાહેરાત કરીઃ ‘બિગ બૉસ’નો વિવાદાસ્પદ વિનર સિદ્ધાર્થ શુક્લા (અગસ્ત્ય) અને સોનિયા રાઠી (રૂમી).

જીત કી ઝિદ (ઝી5): અમિત સાધને ચમકવાતી આ સિરીઝની પૃષ્ઠભૂ છે ઈન્ડિયન મિલિટરી. સર્જકોનું કહેવું છે કે આ સિરીઝ કારગિલ-હીરો દીપેન્દ્રસિંહ સેંગારના જીવનથી પ્રેરિત છે. અમિત સાધ ઉપરાંત સિરીઝમાં અમૃતા પુરી (દીપેન્દ્રસિંહનાં પત્ની જયા) તથા સુશાંતસિંહ (કમાન્ડિંગ ઑફિસર) પણ દેખાશે.

મુંબઈ ડાયરીઝ 26/11 (પ્રાઈમ વિડિયો): 2008ની 26 નવેમ્બરે મુંબઈ પર થયેલા ઘાતકી હુમલાની 12મી વરસી પર આ વેબસિરીઝની જાહેરાત કરવામાં આવી. ડિરેક્ટર નિખિલ અડવાનીનો આ મેડિકલ ડ્રામા ડૉક્ટર્સ-નર્સ-પૅરામેડિક્સ અને હૉસ્પિટલ સ્ટાફની પ્રકાશમાં ન આવેલી સત્યકથા પર આધારિત છે. કલાકારો છેઃ કોંકણા સેન શર્મા-મોહિત રૈના-ટીના દેસાઈ અને શ્રેયા ધન્વંતરી.

આર્યા-2 (ડિઝનીહૉટસ્ટાર): સુસ્મિતા સેન માટે કારકિર્દીની સમીસાંજે આ સિરીઝ એક નવું પ્રભાત લઈને આવી. હવે આ વર્ષે દિગ્દર્શક રામ માધવાની બીજી સીઝન લાવી રહ્યા છે. પહેલી સીઝનમાં વાર્તા એવી હતી કે ત્રણ સંતાનની માતા અને વગદાર બિઝનેસમૅન (ચંદ્રચૂડસિંહ)ની પત્ની આર્યા (સુસ્મિતા સેન) પર પતિની હત્યા બાદ ઈલ્લિગલ ડ્રગ્ઝનો કારભાર સંભાળવાની જવાબદારી આવી પડે છે. હવે બીજી સીઝનમાં શું હશે? સર્જકો-કલાકારો કહે છેઃ પ્લીઝ, વેઈટ ઍન્ડ વૉચ.

ગુલ્લક-2 (સોની લિવ): સતત આવતા બૅડ વર્ડ્ઝ-હિંસા અને સેક્સને લીધે પરિવાર સાથે બેસીને નથી જોઈ શકતા? વેલ, તો તમારે હોમ-યે મેરી ફૅમિલી-માઈન્ડ ધ મલ્હોત્રાઝ-આમ આદમી ફૅમિલી અને ગુલ્લક જેવી પારિવારિક હિંદી વેબસિરીઝ ચેક કરવી જોઈએ. ‘ગુલ્લક-યાદોં કી….’ની બીજી સીઝન આ વર્ષે જોવા મળશે. ગીતાંજલિ કુલકર્ણી-જમીલ ખાન-હર્ષ માયર, વગેરેને ચમકાવતી ગુલ્લકની પૃષ્ઠભૂ ઉત્તર પ્રદેશ હોવા છતાં અહીં કોઈ કટ્ટા, રિવોલ્વર કે ગાળાગાળી નથી. છે તો બસ, મલકાટ અને લાગણીના ઉછાળ.

ધ ટેસ્ટ કેસ-2 (ઝી5) : 10-પાર્ટવાળી આ સિરીઝની પહેલી સીઝનમાં કૅપ્ટન શિખા શર્મા (નીમ્રત કૌર) હતી. હવે સેકન્ડ સીઝનમાં હશે ‘બ્રોકન બટ બ્યુટિફુલ’માં સમીરાના પાત્રથી ફેમસ થઈ જનારી હરલીન સેઠી, જે કિરદાર નિભાવશે મેજર ઝોયા અલીનું અને એની શૌર્યગાથાની પૃષ્ઠભૂ છે, અલબત્ત, કશ્મીર. હરલીનની સાથે જુહી ચાવલા-અતુલ કુલકર્ણી-રાહુલ દેવ, વગેરે પણ છે.

બસ ત્યારે, એન્જૉય અને હા… હૅપી ન્યૂ યર, બડીઝ.

(કેતન મિસ્ત્રી)

(તસવીરો પ્રતીકાત્મક છે)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular