Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedતુમ ભૂલ ન જાઓ ઉનકો, ઈસ લિયે કહી યે કહાની...

તુમ ભૂલ ન જાઓ ઉનકો, ઈસ લિયે કહી યે કહાની…

જકાલ ગેમ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સીઝન ચાલી રહી છે. હમણાં 8 સપ્ટેમ્બરના એપિસોડમાં ઉષ્ણ-ખુરશી પર બિરાજતા શોના સંચાલક અમિતાભ બચ્ચને સ્પર્ધકને સવાલ પૂછ્યોઃ “એ કલાકારનું નામ કહો, જેમણે 15 ઑગસ્ટ, 1947ની સમી સાંજે, દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયેલા જશનમાં પોતાની કલા પ્રદર્શિત કરી.”

જવાબ હતોઃ “મહાન કલાકારોની હરોળમાં બિરાજતા શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં.”

સંયોગથી, પ્રથમ સ્વાતંત્ર્યદિન બાદ એમણે પ્રથમ પ્રજાસત્તાક દિને પણ એ જ સ્થળેથી શરણાઈના સૂર છેડેલા. આ એપિસોડ જોઈને મન પહોંચી જાય છે સ્મૃતિની કુંજગલીમાં ને સાંભરી આવે છે 1963માં યોજાયેલો પ્રજાસત્તાક દિન… એક અમર ગીત, એની પ્રથમ રજૂઆત અને ગીતના રચયિતા સાથેની મારી મુલાકાત. એ અમર ગીત એટલે “અય મેરે વતન કે લોગોં…” એના રચયિતા એટલે ગીતકાર પ્રદીપજી.

આમ તો કવિ પ્રદીપજી સાથે એમના મુંબઈના નિવાસસ્થાન પર યોજાયેલી મુલાકાતનો વિષય હતોઃ ‘જય સંતોષી મા’, જેનાં પ્રદીપજીએ લખેલાં ગીતોએ ઈતિહાસ રચેલો, પણ બોનસમાં એમણે શુદ્ધ ગુજરાતીમાં પેલા અમર ગીત પાછળની કથા સંભળાવેલી. મૂળ સિદ્ધપુર ગામના, પણ ઉજ્જૈનમાં વસેલા રામચંદ્ર નારાયણ દ્વિવેદી ઉર્ફે કવિ પ્રદીપજીના આગ્રહથી આ લાગણીનીતરતું ગીત લતાદીદીએ રજૂ કરેલું.

ગીતકાર પ્રદીપ-લતા મંગેશર-સી. રામચંદ્ર

1962ની ચીન સાથેની લડાઈમાં આપણો પરાજય થયેલો. યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને અંજલિ અર્પવા તથા દેશવાસીમાં પુનઃ જુસ્સો ભરવા પ્રદીપજીએ આ ગીત રચેલું. જો કે આ ગીત ફિલ્મનું નહોતું એટલે એ લોકપ્રિય થશે કે કેમ એ વિશે લતાજીના મનમાં અવઢવ ચાલે, પણ પ્રદીપજીને પૂરો વિશ્વાસ હતો કે આ ગીત જરૂર વખણાશે. પ્રદીપજીએ ભાખેલું ભાવિ બિલકુલ સાચું પડ્યું. ગીત રજૂ થયા બાદ લતા મંગેશકરનો એવો એક પણ જાહેર કાર્યક્રમ નહીં યોજાયો હોય, જ્યાં એની ફરમાઈશ થઈ ન હોય.

મજાની વાત તો એ કે લતાદીદીએ આ ગીત રજૂ કરવાની ના પાડી દીધેલી. આનું કારણ એ હતું કે રિહર્સલનો સમય નહોતો. દિલ્હીના રામ લીલા મૈદાનમાં મોંઘેરા મહેમાનો સામે ગીત રજૂ કરવાનું હોય તો જરાય ગડબડ ન ચાલે. હવે, સાચું-ખોટું ભગવાન જાણે, પણ તે વખતે એવુંયે ચર્ચાતું કે લતાજીને અને આ ગીતના સ્વરકાર, સંગીતકાર રામચંદ્ર નરહરકર ચીતળકર ઉર્ફે સી. રામચંદ્રને કશાક મુદ્દે વાંધો પડ્યો છે એટલે લતીદીદી ના પાડે છે. પછી એક સૂચન થયું કે લતાદીદી આ ગીત આશાદીદી સાથે ડ્યુએટ તરીકે રજૂ કરે, પણ આશાતાઈએ દિલ્હી જવાની ના પાડી. પછી તો દેશ અને આપણા બહાદુર સિપાઈઓ માટે લતાજી-સી. રામચંદ્રે બુચ્ચા કરી લીધી અને લતાદીદીએ ગીત રજૂ કરવા હા પાડી.

સી. રામચંદ્ર તો કાર્યક્રમની તૈયારી માટે વહેલા દિલ્હી પહોંચી ગયેલા. જતાં પહેલાં એમણે ગીતની ટેપ લતાજીને આપી રાખેલી, જેથી એ તૈયારી કરી શકે. કાર્યક્રમના દિવસે, 27 જાન્યુઆરી, 1963ના મંગળ દિવસે એ સ્ટેજ પર પહોંચ્યાં. ઑર્કેસ્ટ્રેશનની જવાબદારી હતીઃ મહાન સ્વરકાર-ગાયક હેમંતકુમારની. એ પણ સમયસર સાજિંદા સાથે સ્ટેજ પર પહોંચી ગયા. લતાજીએ બે રચના રજૂ કરીઃ પહેલી, “અલ્લા તેરો નામ, ઈશ્વર તેરો નામ અને બીજી અય મેરે વતન કે લોગોં…

ઢળતી સાંજે “જયહિંદ… જયહિંદ કી સેના”… બાદ ધડામ્ અવાજ સાથે સંગીતના સૂર આથમ્યા, ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ ને ગણતરીની પળોમાં તાળીના ગડગડાટનો પ્રચંડ ધ્વનિ શરૂ થયો. ટાઢમાં ધ્રૂજતાં લતાજી શરીરને ગરમાટો આપવા સ્ટેજની પાછળ કૉફી પીવા ગયાં. હજી તો માંડ એક ચુસકી ભરી ત્યાં મહાન ફિલ્મસર્જક મેહબૂબ ખાન આવીને એમને ખેંચી ગયા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પાસે. પંડિતજી, તથા કંઈકેટલા અતિથિ વિશેષો એમને મળવા માગતા હતા. ગ્રુપ-ફોટા પડ્યા, પંડિતજીએ કહ્યુઃ “લતાજી, તમે તો મને રડાવી દીધો…”

આ સમારંભના બે દિવસ બાદ લતા મંગેશકરનાં બહેન મીનાનાં લગ્ન કોલ્હાપુરમાં હોવાથી એ દિલ્હીથી તરત નીકળી ગયાં. મુંબઈ પહોંચ્યાં ત્યાં સુધીમાં તો “અય મેરે વતન કે લોગોં” આખા દેશમાં વાઈરલ થઈ ગયેલું. મુંબઈ ઍરપૉર્ટ પર પ્રશંસકો-પત્રકારો-તસવીરકારો લતાજીને ઘેરી વળ્યા.

-અને ક્લાઈમેક્સ હવે આવે છેઃ આવા યાદગાર ગીતના રચનાકાર, પંડિતની કક્ષામાં આવતા કવિ પ્રદીપજીને એ ઐતિહાસિક સમારંભમાં હાજર રહેવાનું નિમંત્રણ નહોતું. ખુદ વડા પ્રધાને કહ્યું કે “આ અદભુત ગીત લખ્યું છે કોણે? મારે એમને મળવું છે” ત્યારે આયોજકોએ લાળા ચાવ્યાઃ “જી… વો તો બમ્બઈ મેં હૈ.” જો કે થોડા દિવસ બાદ જવાહરલાલ નેહરુ મુંબઈ આવ્યા ત્યારે ખાસ પ્રદીપજીને મળવા ગયા અને એમને શાબાશી આપી…

કેતન મિસ્ત્રી

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular