Friday, May 16, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedએન્થોલોજીઃ એક મેં અનેક કી શક્તિ

એન્થોલોજીઃ એક મેં અનેક કી શક્તિ

હાલ સોશિયલ મિડિયામાં નેટફ્લિક્સની નવી રજૂઆત ‘અજીબ દાસ્તાન્સ’ની ચર્ચા ચાલી રહી છે. સાહિત્યમાં એન્થોલોજીનો અર્થ થાય છે એક જ વિષય પર લખાયેલી રચનાનું સંકલન કે સંગ્રહ… સિનેમાના સંદર્ભમાં કહી શકાયઃ એક જ વિષય પર વિવિધ લેખક-દિગ્દર્શકે બનાવેલી ફિલ્મનો સંગ્રહ. ‘અજીબ દાસ્તાન્સ’માં ચાર ફિલ્મ છે. ચારેયના કેન્દ્રમાં છે અજીબ કહેવાય એવા સંબંધ. ઘરમાં થતી (પત્નીની) મારપીટથી લઈને મર્દાના જોહુકમી તળે દબાયેલી અસંતુષ્ટ પત્ની, વગેરે. કરણ જોહર દ્વારા નિર્મિત આ એન્થોલોજીમાં છે શશાંક ખૈતાનની ‘મજનૂ’, રાજ મહેતાની ‘ખિલૌના’, નીરજ ઘૈવાનની ‘ગિલી પુછી’ અને કાયોઝે ઈરાનીએ ડિરેક્ટ કરેલી ‘અનકહી’. સમાજના બે વિભિન્ન વર્ગ (દલિત-બ્રાહ્મણ)માંથી આવતી બે ફૅક્ટરી વર્કર (કોકંણા સેન શર્મા-)ની રિલેશનશિપ પર ફોકસ તાકતી ‘ગિલી પુછી’ સિવાય બાકીની ત્રણ, કમસે કમ મને તો સ્પર્શી નહીં.

ઓકે, ઓટીટી પર એન્થોલોજી હમણાં હમણાં આવી હશે બાકી બોલિવૂડમાં કેટલીક અદભુત એન્થોલોજી અથવા વિવિધ વાર્તાના સંગ્રહવાળી ફિલ્મો તો વર્ષો પહેલાં આવી ગઈ છે. જરા તમારી સ્મૃતિ ઢંઢોળો ને યાદ કરો અનુરાગ બસુની અદભુત ફિલ્મોની પંગતમાં બેસતી ‘લાઈફ ઈન અ મેટ્રો’ (2007). લાગણીનીતરતી કથા, એવું જ કથાનક, કમાલનું સંગીત, ઉત્કૃષ્ટ અભિનય. ઈરફાન ખાન, કોંકણા સેન શર્મા, ધર્મેન્દ્ર, નફીસા અલી, શર્મન જોશી-કંગના રણોટ, કેકે મેનન, શિલ્પા શેટ્ટી, શાઈની આહુજા, પ્રીતમ ચક્રવર્તી (હા એ જ, સંગીતકાર) જેવા નવ પાત્રો અને સતત દોડતા શહેર મુંબઈમાં એમનાં જીવનની આસપાસ ફરતી આ ફિલ્મ પૂરી થાય એ સાથે આપણા મગજમાં શરૂ થાય છે.

એ જ વર્ષે એટલે કે ‘લાઈફ ઈન અ મેટ્રો’ આવી એ જ અરસામાં આવી આવી ‘દસ કહાનિયાં’. સંજય ગુપ્તા-હંસલ મહેતા-અપૂર્વ લાખિયા-રોહિત રૉય-મેઘના ગુલઝાર અને જસ્મિત ધોધી જેવા છ ડિરેક્ટરે સર્જેલી 10 ફિલ્મ. જો કે પચીસથી વધુ કલાકારો અને દસ વાર્તાનો આ શંભુમેળો પ્રેક્ષકોને રીઝવવામાં નિષ્ફળ નીવડેલો.

2008માં આવી ‘મુંબઈ કટિંગ’. ‘’લાઈફ ઈન અ મેટ્રો’ની જેમ જ આ ફિલ્મસંગ્રહ પણ મુંબઈ શહેરમાં વસતા વિવિધ પાત્રોનાં જીવનમાં ડોકિયાં કરે છે. 11 વાર્તા, 11 ડિરેક્ટરવાળી મુંબઈ કટિંગ વિદેશના નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત થઈ દેશમાં કમર્શિયલી રિલીઝ થઈ જ નહીં. આજે પણ એ જોવા મળતી નથી.

દરમિયાન, 2013માં ભારતીય સિનેમાનાં 100 વર્ષની ઉજવણી કરવા કરણ જોહર-ઝોયા અખ્તર-અનુરાગ કશ્યપ અને દીબાકર બેનર્જીએ મળીને સર્જી ‘બૉમ્બે ટૉકીઝ’. ફિલ્મના હાર્દમાં છે ઈન્ડિયન સિનેમાનાં 100 વર્ષ અને મૉડર્ન સિનેમાનો એક નવો યુગ. આ ચાર ડિરેક્ટરોએ મળીને બીજા બે ફિલ્મસંગ્રહ આપ્યાઃ ‘લસ્ટ સ્ટોરીઝ’ (2018) અને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ (2020).

ફિલ્મસંગ્રહ અથવા એન્થોલોજીની ખરી મજા એ છે કે એક જ વિષય પર ભલે અલગ અલગ ફિલ્મો બને પણ એ તમામની વાર્તા, એનાં પાત્રો ક્યાંક ને ક્યાંક એકતાંતણે બંધાયેલાં હોય. જેમ કે ‘લક બાય ચાન્સ’. ડિરેક્ટર તરીકે ઝોયા અખ્તરની આ પહેલી ફિલ્મ. આમાં મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માગતા એક ઍક્ટર વિક્રમ જયસિંહ (ફરહાન અખ્તર)ની વાત હતી, પણ એની સાથે, એની આસપાસ વણાયેલાં કેટલાંક પાત્રોની સ્ટોરી પણ એમાં વણી લેવામાં આવેલી. આમ જોઈએ તો આ એન્થોલોજી નહોતી પણ અને છે.

આ વખતની કોલમનો ધી એન્ડ કરીએ 2007માં આવેલી ‘સલામ-એ- ઈશ્કથી’. 3 કલાક 45 મિનિટની નિખિલ અડવાનીની આ એક મહાબોરિંગ એન્થોલોજી હતી. આમાં છ લવસ્ટોરી હતી. 2003માં સુપરહિટ ‘કલ હો ના હો’ આપ્યા બાદ ચાર વર્ષે આવી ફિલ્મ લઈને આવેલા નિખિલે ફિલ્મપ્રેમીને ચોંકાવી દીધેલા. છ પ્રેમકહાણીમાં ઈન્વોલ્વ બાર સ્ત્રીપુરુષનાં જીવન ક્યાંક ને ક્યાંક એકમેક સાથે સંકળાયેલાં હોય છે. 2003માં આવેલી હોલિવૂડની ‘લવ ઍક્ચ્યુઅલી’ (2003)ની બિનસત્તાવાર રિમેક (પ્રેરિત, યાર) ‘સલામ-એ- ઈશ્ક’ જોઈને ક્રિટિક્સે કપાળ કૂટતાં એકઅવાજે કહેલું કે ‘કલ હો ના હો’ અઠ્ઠેગઠ્ઠે જ હિટ થઈ ગઈ હશે કે શું? (હેંહેંહેં).

ચાલો ત્યારે, આવી કોઈ એન્થોલોજી ચુકાઈ ગઈ હોય ને તમને યાદ આવે તો જરૂરથી જણાવજો.

(કેતન મિસ્ત્રી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular