Thursday, September 25, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedકૉલેજ પોલિટિક્સ રસનો સબ્જેક્ટ હોય તો આ ક્લાસ અટેન્ કરવા જેવો

કૉલેજ પોલિટિક્સ રસનો સબ્જેક્ટ હોય તો આ ક્લાસ અટેન્ કરવા જેવો

આજકાલની આપણી ટીવીસિરિયલમાંથી બે સારી વાત શોધીને લખવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી વાત છે… પણ 1990ના દાયકામાં (કદાચ 1993ની આસપાસ) મારી એક ફેવરીટ સિરિયલ હતીઃ ‘કૅમ્પસ’ (ઝી ટીવી). કૉલેજ લાઈફ, કૉલેજ પોલિટિક્સ, રોમાન્સની આસપાસ ફરતી આ સિરિયલનું અમીતકુમારે કમ્પોઝ કરેલું ટાઈટલ સૉન્ગ આજેય કાનમાં ગુંજે છે. સંજીવ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ‘કૅમ્પસ’માં પરિતોષ પેઈન્ટર-નિનાદ કામત-રીટા ભાદુરી-મિલિન્દ ગવલી-અજિત વાચ્છાની-આરીફ ઝકરિયા જેવા કલાકાર હતા.

અત્યારે આ ટીવીસિરિયલ યાદ આવવાનું કારણ છેઃ ‘ગર્મી.’ ના ના, અકળાવનારી ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે ઘરમાં બેસીને આ સિરિયલ યુટ્યુબ પર જોવાની એમ નહીં. વાત છે હેમલ અશોક ઠક્કર-સ્વરૂપ રાવલ નિર્મિત, તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત વેબસિરીઝ ‘ગર્મી’ની. ‘હાસિલ,’ ‘સાહેબ બિવી ઔર ગેંગસ્ટર’થી લઈને ‘પાનસિંહ તોમર’ જેવી ફિલ્મના સર્જક તિગ્માંશુ ધુલિયાની ‘ગર્મી’ એટલે કૉલેજ પોલિટિક્સ, પ્યાર, પોલિટિક્સ અને ગુનાખોરીની ડબલ ચવાળી સચ્ચાઈની સૃષ્ટિ.

આશાસ્પદ યુવાનો એન્જિનિયર, ડૉક્ટર, લૉયર કે આઈએએસ અફ્સર બનવા કૉલેજમાં જાય છે. આમાંના મોટા ભાગના પોતપોતાના કારકિર્દીપથ પર આગળ વધતા રહે છે, પણ અમુક એવા પણ હોય છે, જે કૉલેજ પોલિટિક્સ અને તે પછી સ્ટેટ પોલિટિક્સમાં પડીને નેતા અથવા ડૉન બની બેસે છે. ખાસ કરીને પૂર્વાંચલનાં અમુક વિદ્યાધામ આ માટે જાણીતાં છે, જેને ગુનાખોરીનાં બાળમંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રાઈમ નર્સરી તરીકે જાણીતી આવી જ એક વિદ્યાપીઠની કહાણી છે ‘ગર્મી.’

અરવિંદ શુક્લા (વ્યોમ યાદવ) પિતાનાં સપનાં સાકાર કરવા શુક્લા નિવાસમાંથી નીકળી ત્રિવેણીપુર યુનિવર્સિટીમાં પહોંચે છે. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી લઈને ઈન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવા માગતા, ગરમ મિજાજનો અરવિંદ પોતાના હક માટે લડવા તૈયાર હોય છે, પણ એ દિશાવિહીન છે. એવામાં યુનિવર્સિટીનું ઈલેક્શન આવે છે, જે એની કારકિર્દીને એક જુદો જ વળાંક આપે છે. એક તેજસ્વી વિદ્યાર્થી પહેલાં રાજકારણ અને પછી ગુનાખોરીના વમળમાં ફસાતો જાય છે અને… એ કેટલો આગળ વધે છે ને કેવાં પરાક્રમ કરે છે એ જોવા-જાણવા તમારે સોની લિવ પર ‘ગર્મી’ જોવી પડે.

મને આ સિરીઝની ગમી ગયેલી વાત છે લેખન (તિગ્માંશુ ધુલિયા અને કમલ પાંડે) અને દિગ્દર્શન. રંગમંચ પરથી આવતા પુનિતસિંહ, અનુરાગ ઠાકૂર, જતીન ગોસ્વામી જેવા પ્રતિભાશાળી યુવા નવોદિત કલાકારોને યોગ્ય દિશાદર્શન આપ્યું છે તિગ્માંશુભાઈએ. ક્લાસરૂમને બદલે યુનિવર્સિટીના કૅમ્પસ પરથી પોલિટિકલ સાયન્સના પાઠ ભણતો વ્યોમ યાદવ તો રીતસરનો એના કૅરેક્ટરમાં અંદર સુધી ખૂંપી ગયો છે. આ ઍક્ટર આગળ જતાં અલાહાબાદથી નીકળેલો વધુ એક એન્ગ્રી યંગ મૅન બને તો નવાઈ નહીં. રાઈટિંગ-ડિરેક્શન ઉપરાંત ચોટદાર અને બોલચાલની ભાષામાં વપરાતા સંવાદ પણ દર્શકને જકડી રાખે છે. એક સીનમાં પ્રદેશનો માથાભારે માફિયા અરવિંદ શુક્લાને કહે છેઃ “તારું ભવિષ્ય સરકારી અધિકારી બનવામાં નહીં, પણ સરકાર બનાવવામાં છે.”

કૉલેજ રાજકારણનાં મૂળિયાં રાજકીય નેતા, માથાભારે ગુંડા, ભ્રષ્ટ પોલીસ અધિકારી સાથે કેવી રીતે જોડાયેલાં હોય છે એનું આબાદ ચિત્રણ કરતી ‘ગર્મી’ની ફર્સ્ટ સીઝનના બધા એપિસોડ પૂરા કરો ને એ તમને ગમી જાય તો પછી કૉલેજ પોલિટિક્સ પર બનેલી અમુક ફિલ્મ તમારે જોવી જોઈએ. જેવી કે રામગોપાલ વર્માની ‘શિવા,’ તિગ્માંશુ ધુલિયાની જ પહેલી ફિલ્મ ‘હાસિલ,’ મણિરત્નમની ‘યુવા,’ અનુરાગ કશ્યપની ‘ગુલાલ,’ રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘રંગ દે બસંતી,’ આનંદ એલ. રાયની ‘રાંઝણા,’ વગેરે.

ધનુષ-સોનમ કપૂર-જિશાન અયુબ-અભય દેઓ-સ્વરા ભાસ્કર, વગેરેને ચમકાવતી અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કૅમ્પસમાં આકાર લેતી વાર્તાવાળી ‘રાંઝણા’ને આ વિષય પર બનેલી વિચારોત્તેજક ફિલ્મની યાદીમાં મૂકી શકાય. શું કહો છો?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular