Thursday, May 15, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedગાંધીઃ માય ફાધરનાં 17 વર્ષ, પિતા-પુત્રના સંબંધનું સત્ય

ગાંધીઃ માય ફાધરનાં 17 વર્ષ, પિતા-પુત્રના સંબંધનું સત્ય

ને કહેવાય જોગ-સંજોગ. હજી ગયા અઠવાડિયે ચિત્રલેખાના વિરાટ વ્યક્તિત્વો વિભાગમાં સાહિત્યકાર-ઈતિહાસકાર દિનકર જોશીની વિસ્તૃત મુલાકાત પ્રકાશિત થઈ એ જ ટાંકણે એમની નવલકથા પ્રકાશનો પડછાયો પરથી સર્જાયેલી ફિલ્મ ગાંધી: માય ફાધરની રિલીઝને 17 વર્ષ થયાં. ઍક્ટર અનિલ કપૂરની પ્રોડ્યુસર તરીકે આ પહેલી, જ્યારે રંગકર્મી ફિરોઝ અબ્બાસ ખાનની ફિલ્મડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ. ‘ગાંધીઃ માય ફાધર’ એટલે ચુસ્ત સિદ્ધાંતવાદી પિતા મોહનદાસ કરમચંદ ગાંધી અને એમના મહત્ત્વાકાંક્ષી પુત્ર હરિલાલના જટિલ, ન સમજાય એવા સંબંધનું ચિત્રણ.

ગાંધીબાપુને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, પણ એમનોય એક પરિવાર હતો. એ પોતાના પુત્રને પ્રેમ કરતા, પણ એમને માટે દેશ વધુ મહત્ત્વનો હતો. હરિલાલની નસોમાં બાપુનું લોહી દોડતું, પણ એમની ઈચ્છાઆકાંક્ષા જુદી હતી. એમને બેરિસ્ટર બનવું હતું, પોતાની એક ઓળખ બનાવવી હતી, પણ ગાંધીજીની દલીલ હતી કે “આપણી પાસે આઝાદી જ નથી તો બેરિસ્ટર થઈએ કે ડૉક્ટર, શું ફરક પડે છે”? હરિલાલ સતત પિતાના ઝળહળતા પ્રકાશના પડછાયામાં જ રહ્યા. એક તબક્કે એ ધર્મપરિવર્તન કરી મુસલમાન બની ગયેલા, પછી પાછો હિંદુ ધર્મ અપનાવ્યો, દારૂની લત વળગી. અને છેલ્લે, મહાત્મા ગાંધીના અવસાનના પાંચ મહિના બાદ સાવ ગુમનામીમાં એમનો દેહાંત થયો. એમના અંતિમસંસ્કાર વખતે માંડ 12-15 જણ હાજર હતા.

 

દિનકર જોશીની નવલકથા ‘પ્રકાશનો પડછાયો’ પરથી નાટક ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ના ગુજરાતી-મરાઠી-અંગ્રેજી એમ વિવિધ ભાષામાં સેંકડો પ્રયોગ થયા. અંગ્રેજી ભાષામાં ‘મહાત્મા વર્સીસ ગાંધી’ નાટક ફિરોઝ ખાને જ કર્યું.

ફિલ્મમાં બે મહત્ત્વનાં પાત્ર રંગભૂમિના કળાકારે ભજવ્યાં- દર્શન જરીવાલા બન્યા મહાત્મા ગાંધી, શેફાલી શાહ કસ્તુરબા ગાંધી, જ્યારે અક્ષય ખન્નાએ હરિલાલ ગાંધીની ભૂમિકા ભજવી, ભૂમિકા ચાવલા હતાં હરિલાલનાં પત્ની ગુલાબ ગાંધી. પ્રસ્તુત છે ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન તથા ઍક્ટર-પ્રોડ્યુસર અનિલ કપૂર સાથે એ વખતે થયેલી વાતચીતના અંશઃ

ફિરોઝભાઈ કહે છેઃ “રિસર્ચ ખૂબ કર્યું. બાપુ-હરિલાલના સંબંધ તથા બીજી નક્કર હકીકતો મને મળી ચંદુલાલ ભગુભાઈ દલાલના પુસ્તક ‘હરિલાલઃ એક દુ:ખી આત્મા’માંથી. એ પછી હું વાંચી ગયો હરિલાલનાં દોહિત્રી નીલમબહેન પારેખ લિખિત ‘હરિલાલઃ બાપુનું ખોવાયેલું ધન’. એમના પુસ્તકમાંથી મને બાપુ-હરિલાલના સંબંધની મર્યાદા સમજવા મળી. દિનકરભાઈની ‘પ્રકાશનો પડછાયો’ પણ વાંચી. આ ઉપરાંત, મેં અરુણ ગાંધી લિખિત પુસ્તક ‘કસ્તુરબા’ પણ વાંચ્યું.”

અરુણ ગાંધીના પુસ્તકમાં બા-બાપુ વચ્ચે એક મજેદાર પ્રસંગ-સંવાદ છે. પ્રસંગ છે યરવડા જેલનો. બાપુ જેલમાં સમય પસાર કરવા બાને ભણાવતા. એક દિવસ બાએ સહજતાથી સવાલ કર્યો: “આપણો દેશ તો કેટલો મોટો છે? ત્રણેક લાખ અંગ્રેજો એમાં રહે તો આપણું શું જાય?”

 

બાપુએ હસીને જવાબ આપ્યોઃ “એ લોકો આપણને આઝાદી આપી દે પછી અહીં રહે તો આપણને કયાં વાંધો છે? એમની ગુલામી મંજૂર નથી”. આ સંવાદ પરથી ખ્યાલ આવે કે આ ફિલ્મ સનસનાટીની નહીં, પણ સંસ્કારની ફિલ્મ છે.

ફિરોઝભાઈ કહે છે કે “મારી ફિલ્મમાં મેં ન્યાય તોળવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. મારું સમગ્ર ધ્યાન કથા, કથા-કથન (સ્ટોરી-ટેલિંગ) પર જ રહ્યું છે. પિતા-પુત્રમાં કોણ સાચું હતું અને કોણ ખોટું એ વિશે મારે કંઈ કહેવું નથી, કહી શકું જ નહીં. મારું શું ગજું કે આવા મહાત્મા વિશે જજમેન્ટ આપું?”

રિસર્ચ અને કથા-પટકથા તૈયાર થઈ ગયા બાદની કામગીરી હતી કળાકારોની વરણી. બધા જ મુખ્ય કળાકારોએ ખૂબ સરસ કામ કર્યું છે. શૂટિંગ શરૂ થયું પછી થોડા જ સમયમાં અક્ષય હરિલાલ ખન્ના સ્ટાર મટીને હરિલાલ બની ગયો. એણે શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી બીજી ફિલ્મ ન સ્વીકારી. શેફાલીએ તો મીરા નાયરની ‘નેમસેક’ જેવી ફિલ્મ છોડી.

શું એ સાચું કે એક મોટા કળાકારે ગાંધીના રોલ માટે હા પાડીને પછી ફિરોઝભાઈને રઝળાવેલા?

“હા. ગાંધીજીના પાત્ર માટે એક ખૂબ જાણીતા, કલાકારને લેવામાં આવ્યા, દક્ષિણ આફ્રિકામાં શૂટિંગ ગોઠવાયું, અમારો કાફલો ત્યાં પહોંચી ગયો, પણ એ કલાકાર મુંબઈથી દક્ષિણ આફ્રિકા આવ્યા જ નહીં. અમે આફ્રિકાના ડેલે હાથ દઈ એમ ને એમ પાછા આવ્યા. ઍક્ચ્યુઅલી, એ અભિનેતાને થોડા ફૅમિલી પ્રોબ્લેમ્સ હતા. પછી, મુંબઈ આવીને રંગભૂમિ-ફિલ્મના ઉમદા કલાકાર દર્શન જરીવાલાની વરણી કરી”.

 

અનિલ કપૂરને મારો સવાલ હતો કે, નિર્માતા તરીકે પહેલી ફિલ્મ માટે એણે આવો વિષય કેમ પસંદ કર્યો હશે?

જવાબ આપતાં અનિલજી કહેઃ “માય ફ્રેન્ડ કેતન, સબ્જેક્ટ તો છોડ, હું નિર્માતા બનું એની સામે જ મારા ઘરમાં વાંધો હતો. ખાસ કરીને પત્ની સુનીતાને. એનું કહેવું હતું કે અત્યારે મને ફિલ્મમાં કામ કરવાના પૈસા મળે છે, બધા મને લાડ લડાવે છે. નિર્માતા બન્યા પછી મારે બધાને પૈસા ચૂકવવા પડશે, બીજાને લાડ લડાવવા પડશે. હવે વાત સબ્જેક્ટની. તો આ વિષય.. ઈટ ટચીસ માય હાર્ટ. પટકથા અમે ત્રણે- મેં, સુનીતાએ અને દીકરી સોનમે સાથે સાંભળેલી. નરેશન પૂરું થયું ત્યારે અમારી આંખોમાં આંસુ હતાં. સુનીતા રાજી થઈ ગઈ.’

આ એક ચોક્કસ સમયગાળાની ફિલ્મ (પિરિયડ ફિલ્મ) છે એટલે એ સચ્ચાઈની બિલકુલ નજીક લાગવી જોઈએ. સર્જકો સામે આ એક સૌથી મોટો પડકાર હતો. ફિરોઝભાઈ કહે છે કે “શૂટિંગનું પહેલું શિડ્યુઅલ અમદાવાદની વિવિધ પોળમાં, અડાલજની વાવમાં હતું. મધ્ય પ્રદેશના પટૌડીના જે કાર-શેડમાં એ જમાનાનાં એન્જિન મૂકવામાં આવ્યાં છે એની આસપાસ રેલવેસ્ટેશનનો સેટ ખડો કરી ત્યાં કેટલાંક મહત્ત્વનાં દૃશ્ય ઝડપ્યાં. અમદાવાદની પોળના રહેવાસીઓએ અમને ઘણો સારો સહકાર આપ્યો. અમે રાતભર શૂટિંગ કરતા, તો પોળવાસીઓ અમારા કસબીને આરામ કરવાનું કહી લાઈટ પકડીને ઊભા રહી જતા”.

 

રિયલ લોકેશન ઉપરાંત આર્ટ ડિરેક્ટર (હવે સ્વર્ગસ્થ) નીતિન ચંદ્રકાંત દેસાઈએ મહારાષ્ટ્રમાં પુણે નજીક એક નદીને કિનારે સાબરમતી આશ્રમનો સેટ બનાવ્યો, કારણ કે વાસ્તવિક સાબરમતી આશ્રમની આસપાસ ઘણી ઈમારતો બની ગઈ છે એટલે ત્યાં શૂટિંગ કરવું શક્ય નહોતું. નીતિન દેસાઈએ મહારાષ્ટ્રના ભોરમાં આફ્રિકાના ફિનિક્સ તથા ટૉલ્સ્ટૉય ફાર્મ, સાબરમતી આશ્રમ, વગેરેના આબેહૂબ સેટ્સ પણ તૈયાર કર્યા. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં પણ શૂટિંગ થયું.

ફિલ્મમાં વિવિધ દૃશ્યનાં ટેકિંગ, લોકેશન, કતારબંધ ઊભેલાં સ્ટીમ એન્જિન એક રોમાંચક વાતાવરણ સર્જે છે. ઈંગ્લૅન્ડના સિનેમેટોગ્રાફર ડેવિડ મેક્ડોનલ્ડની ફોટોગ્રાફી મગજ તરબતર કરી દે એવી છે. આ ઉપરાંત, મેકઅપ-હેર ડિઝાઈનર પૅની સ્મિથે ઢગલાબંધ રિસર્ચ મટીરિયલ ફેંદીને ગાંધીજી, કસ્તુરબા, હરિલાલ અને ગુલાબ ગાંધી (હરિલાલનાં પત્ની), વગેરેના ગેટઅપ તૈયાર કર્યા, જ્યારે સુજાતા શર્માએ કૉસ્ચ્યુમ્સ. તો પીયૂષ કનોજિયાએ સંગીતનો ડિપાર્ટમેન્ટ બખૂબી સંભાળ્યો.

દક્ષિણ આફ્રિકા, નવી દિલ્હી તથા મુંબઈ એમ ત્રણ સ્થળે ‘ગાંધીઃ માય ફાધર’ના પ્રીમિયર શો યોજાયેલા. મુંબઈના પ્રીમિયરમાં ખાસ દિનકર જોશીને આમંત્રણ આપવામાં આવેલું. આફ્રિકાના પ્રીમિયર-શોમાંથી થયેલી આવક નેલ્સન મન્ડેલાનાં સદ્કાર્યો માટે દાન આપવામાં આવી.

“ઓકે ફિરોઝભાઈ, ગાંધીજી હરિલાલના સંબંધ વિશે તમારે એક વાક્યમાં કંઈ કહેવાનું હોય તો…”?

“એ જ કે બ્રિટિશ સામ્રાજ્યનું હૃદયપરિવર્તન કરનારા મહાપુરુષ પોતાના પુત્રનું હૃદયપરિવર્તન કરી ન શક્યા એ વિધિની કેવી વક્રતા? ફિલ્મમાં બાપુનો એક સંવાદ છેઃ બે વ્યક્તિને હું ક્યારેય મનાવી શક્યો નહીં એ મારા જીવનનો સૌથી મોટો અફસોસ-એક તો મારા મુસ્લિમ મિત્ર મોહમ્મદ અલી ઝીણા અને બીજી, મારો સગો દીકરો હરિલાલ.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular