Wednesday, May 14, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedપ્રતીક-યામીની ધૂમ ધામ કેવી છે?

પ્રતીક-યામીની ધૂમ ધામ કેવી છે?

વેલેન્ટાઈન’સ ડે વીકમાં શેખર કપૂરની દીકરી કાવેરી અને વરદાન પુરીની કુણાલ કોહલી દિગ્દર્શિત ‘બૉબી ઔર રિશી કી લવસ્ટોરી’ રિલીઝ થઈ, જે અસહ્ય છે. તો બીજી છે પ્રતીક ગાંધી-યામી ગૌતમ અભિનિત, રિષભ સેઠ દિગ્દર્શિત ‘ધૂમ ધામ.’ આપણે ‘ધૂમ ધામ’ની વાત કરીએઃ અમદાવાદના વેટરનિટી ડૉક્ટર વીર પોદ્દાર (પ્રતીક ગાંધી, ફુલ ફૉર્મમાં)ના અરેન્જ મેરેજ સુશીલ-સંસ્કારી કોયલ ચઢ્ઢા (યામી ગૌતમ) સાથે નક્કી થાય છે. મુંબઈમાં ધામધૂમથી લગ્ન થાય છે. ફાઈવ સ્ટાર હોટેલના આલીશાન સ્વીટમાં મધુરજનીનો આરંભ જ થવામાં હોય છે ત્યાં બારણે ટકોરા. બારણું ઉઘાડતાં બે શખ્સ અંદર ઘૂસી આવે છે- સાઠે અને ભીડે (એજાઝ ખાન-પવિત્ર સરકાર), જે નવદંપતી સામે રિવૉલ્વર તાકીને ‘ચાર્લી’ વિશે પૂછપરછ શરૂ કરે છે. કપલ આ વિશે સાવ અજાણ છે. ટેન્શન વધે એ પહેલાં તક મળતાં નવવરવધૂ ભાગી છૂટે છે. તે પછીની ફિલ્મ અથવા કહો કે ફર્સ્ટ નાઈટ પેલા લોકોથી પિછો છોડાવવા માટે ભાગતાં નવવિવાહિત વિશે છે.

આશરે એક કલાક ને પંચાવન મિનિટની ‘ધૂમ ધામ’ની વાર્તા, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, પ્રીડીક્ટેબલ છે. અમુક લોકો કોઈ કારણસર હીરો-હીરોઈનની પાછળ  આદું ખાઈને પડ્યા હોય, જાન બચાવવા બન્ને ભાગતાં રહે,   ઠેકાણાં બદલાતાં રહે… આવી અનેક ફિલ્મ તમે જોઈ હશે, પણ અહીં મામલો જરા જુદો એ રીતે છે કે દોડધામમાં તથા એક પછી એક બનતી ઘટનામાં ન્યુલી વેડ કપલને ખબર પડે છે કે એમનું જોવાનું ગોઠવાયું ત્યારે બન્નેના વડીલોએ એમને સાવ જુદી રીતે રજૂ કર્યાં છે, એમની પર્સનાલિટી વિશે જૂઠાણાં ચલાવવામાં આવ્યાં છે. બન્નેએ પણ થોડી ફેકંફેક કરી છે. હીકકતમાં બન્નેનાં વ્યક્તિત્વ ચોક અને ચીઝ જેટલાં જુદાં છે… ન તો વીર નામ પ્રમાણે બહાદુર છે, ન કોયલ મધુર સ્વર ધરાવતી, નાજુકનમણી નાર છે. રાતભરની દોડધામમાં બન્ને એકબીજા વિશે વધુ ને વધુ જાણતાં જાય છે અને પ્રવાસમાં સામે બે રસ્તા આવે છેઃ કાયમ માટે છૂટા પડી જવું કે સાથે કાયમ માટે જીવવું, સાથે મરવું?

ઓક્કે, આદિત્ય ધર-રિષભ સેઠ અને આર્ષ વોરાએ લખેલી કથા-પટકથામાં અનેક બાકોરાં છે. એક ઉદાહરણ છેઃ યામી ગૌતમનો મોનોલોગ. પુરુષના આધિપત્યવાળી  આ દુનિયામાં બિચારી છોકરીઓએ શા માટે જૂઠું બોલવું પડે છે એ વિશેની આ એકોક્તિ સરસ લખાઈ છે, વિચારવા મજબૂર અવશ્ય કરે છે, પરંતુ ઓ હેલ્લો, વાર્તામાં અનફિટ છે. કલ્પના કરો- એક કપલ અમુક લોકોથી જાન બચાવવા ભાગી રહ્યું છે ને અચાનક છોકરી ઊભી રહીને છોકરાને આવું જ્ઞાન આપવા માંડે? બીજા સીનમાં વીર-કોયલને થાળી પીરસવામાં આવે છે. અહીં પણ, ભોજન પીરસનાર વયોવૃદ્ધ દંપતી એમને શાદી-બ્યાહ-પ્રેમ વિશે ઉપદેશ આપે છે. તો વીર માણસ-જનાવરનાં સારાં-નરસાં પાસાં વિશે ઉપદેશ આપે છે. કમોન, યાર.

સારા સમાચાર એ છે કે, ફિલ્મની ગતિ ક્યાંય મંદ પડતી નથી, એને કારણવિના લંબાવવામાં-ખેંચવામાં આવી નથી, વચ્ચે વચ્ચે રમૂજના ચમકારા જોવા મળે છે. વીર કહે છે કે ‘આઈ એમ અ વેજિટેરિયન. આઈ કાન્ટ ઈટ માય પેશન્ટઃ હું શુદ્ધ શાકાહારી છું. મારા દર્દીને હું કેવી રીતે ખાઈ શકું?’

ગયા વર્ષે ‘દો ઔર દો પ્યાર’ અને ‘મડગાંવ એક્સપ્રેસ’ જેવી ફિલ્મમાં રીતસરનો છવાઈ જનાર પ્રતીક ગાંધીએ અહીં વિચિત્ર પરિસ્થિતિમાં અને એટલી જ વિચિત્ર પરણેતર સાથે અટવાઈ પડેલા અમદાવાદી યુવાનની ભૂમિકામાં સ-રસ કામ કર્યું છે, પણ એને હજી સારી સ્ક્રિપ્ટ, પાત્રાલેખન મળવાં જોઈતાં હતાં. યામી પણ સરસ છે. ધર્મેશ નિમિષા વખારિયા, નીલુ કોહલી, કેવિન દવે, વગેરેએ પોતાના ફાળે આવેલી ભૂમિકા યથોચિત ભજવી.

‘ધૂમ ધામ’ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular