Monday, May 26, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedજીવનની ફિલ્સૂફી સમજાવે છે સિનેમા...

જીવનની ફિલ્સૂફી સમજાવે છે સિનેમા…

આખી વાતની શરૂઆત થઈ ક્રિકેટથી. બુધવારે (પચીસ મે) મોડી રાતે આઈપીએલની મહત્વની મૅચમાં લખનઉના કૅપ્ટન કે. રાહુલે લખનવી તેહઝીબ સાથે બેંગલોરના કપ્તાન ફેફ દુ પ્લેસીસને કહ્યું, “પેહલે આપ” અને આરસીબી લગભગ ફાઈનલમાં પહોંચી તે પછી ઊંઘ ન આવતાં હું ‘ટાટા પ્લે’ પર નિરુદ્દેશ ચેનલો સર્ફ કરી રહ્યો હતો. ત્યાં ‘ઝી ક્લાસિક’ પર ‘ધરતીપુત્ર’ નામ વાંચતાં અટક્યો.

અહાહાહા… મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મામુટીની પહેલી હિંદી ફિલ્મ ‘ધરતીપુત્ર.’ રિશી કપૂર, જયાપ્રદા, ફરાહ, નગમા, ડૅની, સુરેશ ઑબેરૉય, જેવી કાસ્ટ. આતુરતાથી હું મામુટીના સીનની પ્રતીક્ષા કરી રહ્યો હતો ત્યાં મેં શું જોયું? મેં જોયું કે જયાપ્રદા જેલમાં છે એવો સીન ચાલી રહ્યો છે. લગભગ એક ઈંચની ભૂરા રંગની બોર્ડરવાળી સફેદ સુતરાઉ સાડીમાં સજ્જ જયાપ્રદા જમીન પર પલાંઠી વાળીને બેઠી છે, અને ઑર્ડર્લી એલ્યુમિનિયમની થાળીમાં એનું જમવાનું લાવે છે. થાળી જોઈને, ગુસ્સામાં રાતીપીળી થઈને જયાપ્રદા ખાવાનું જમીન પર ઠાલવી દે છે, અને માટીમાં ભળી ગયેલા ભોજનમાંથી કોળિયો ભરે છે. ઑર્ડર્લીને નવાઈ લાગે છે. એ કહે છેઃ “અરે! આ જ ખાવાનું તું થાળીમાંથી પણ ખાઈ શકી હોત કે નહીં?”

ત્યારે છાશિયું કરતાં જયાપ્રદા કહે છેઃ “ભોજન અને મોઢા વચ્ચે થાળી તો દલાલ છે દલાલ છે… અને, મને દલાલથી સખ્ખત નફરત છે.”

એ જ ક્ષણે મને ખ્યાલ આવ્યો કે જીવનના ઘણાબધા અઘરા પાઠ આપણને નાની મંડળી, મોટી મંડળી (અંગ્રેજીવાળા માટે જુનિયર કેજી, સિનિયર કેજી) કે શાળાએ નહીં, પણ થિએટરે શીખવ્યાં છે. યાદ છે, બાળપણમાં ઘોર અંધકારમાં પાછળથી પ્રકાશનો શેરડો રેલાતો હોય, બાજુમાં કોઈ પાન ચાવતો કે સોમરસની સુવાસવાળો સુજ્ઞ પ્રેક્ષક બેઠો હોય ને સામે પરદા પરથી એયને જ્ઞાનની ગંગા વહેતી હોયઃ

* “જ્યાં સુધી બેસવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી ચૂપચાપ ઊભા રહેવું. આ પોલીસસ્ટેશન છે, તમારા પૂજ્ય પિતાશ્રીનું ઘર નહીં.”

* “જેમનાં ઘર કાચનાં હોય એમણે બીજાનાં ઘર પર પાણા ફેંકવાની કુચેષ્ટા કરવી નહીં.” (કોઈએ વળી આમાં ઈમ્પ્રૂવાઈઝેશન કરતાં કહેલું કે “જેમનાં ઘર કાચનાં હોય એમણે ડ્રૉઈંગ રૂમમાં કપડાં બદલવાં જોઈએ નહીં”).

* “મોટરમાં આવવાવાળા હંમેશાં મોડા જ આવતા હોય છે.”

* “મૈત્રીનો એક રુલ્સ છેઃ નો સૉરી, નો થેંકયુ.”

એટીકેટ, ફિલસૂફી, પરોપકાર, નૈતિક મૂલ્યો, ત્યાગ-બલિદાન કે પછી ગુનેગારને કેવી રીતે સજા આપવી… વેઈટ, આ ગુનેગારને સજા આપવાવાળો પાઠ તો મને થોડા જ સમય પહેલાં મિલાપ મિલન ઝવેરી કરીને એક લેખક-દિગ્દર્શક હોવાનો દાવો કરતા ભાઈએ શીખવ્યો. ‘સત્યમેવ જયતે-ટુ’ નામની એમની ફિલ્મમાં જૉન અબ્રાહમ કહે છેઃ “હર ગુનહગાર કો ઐસી મોત મારુંગા કી અગલે જનમ મેં માઁ કી કોખ સે તો ક્યા બાપ કી તોપ સે ભી નિકલને સે ડરેગા.” શાબ્બાશ! અને આવા સિદ્ધાંત સમજાવવા એમાં એક-બે નહીં, ત્રણ-ત્રણ જૉન અબ્રાહમ છે.

બૂરાઈ પર હમેંશાં અચ્છાઈની જીત થાય છે એ પણ આપણે ફિલ્મમાંથી જ શીખ્યા. યાદ છે, રણજીત-પ્રેમ ચોપરા-અમરીશ પુરી કે શક્તિ કપૂરની અંતમાં કેવી પિટાઈ થતી ડાગા-તેજા કે સુલતાનના અડ્ડામાં આ બધા માર ખાતા અને ખાલી પીપડાં અને પૂંઠાનાં બૉક્સ પર ગબડતા રહેતા.

-અને હિંદી સિનેમાએ એ પણ શીખવ્યું કે ફિલ્મને સુપરહીટ બનાવવી હોય તો જેમ આપણે ભેળપૂરીવાળાને ઑર્ડર આપતી વખતે ભૈય્યા, તીખામીઠા સબ બરાબર એમ કહેતા હોઈએ છીએ એમ, એમાં ગીત-સંગીત-નૃત્ય-મારામારી-લાગણીવેડા સબ બરાબર હોવાં જોઈએ. અંતમાં આલ ઈજ વેલ પણ હોવું જોઈએ…

હવેના ટ્રેન્ડ પ્રમાણે અંત એવો હોવો જોઈએ કે ભાગ બીજા, ત્રીજો કે સિક્વલ બનવી જોઈએ. હેં ને?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular