Wednesday, May 28, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedગમતીલું ઈચ્છાધારી વરુ..

ગમતીલું ઈચ્છાધારી વરુ..

આ અઠવાડિયાની કૉલમ લખવા હું બેઠો છે ત્યારે છાપામાં સમાચાર છે કે અમારા મુંબઈના કલ્યાણ વિસ્તારના બિલ્ડિંગમાં એક દીપડો ઘૂસી ગયો અને સાતેક કલાકની મથામણ બાદ બધું થાળે પડ્યું. પશુનિષ્ણાતોનું કહેવું છે કે માણસ જ્યારે રાન અને એમાં વસતાં રાની પશુની જગ્યા પર કબજો કરવા માંડે, વિકાસના નામે આડેધડ જંગલો કાપવા માંડે તો પશુ જાય ક્યાં? એ આપણે ત્યાં જ આવવાનો. પ્રકૃતિ સાથે છેડછાડથી દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂસ્ખલન જેવી દુર્ઘટના નિહાળવા છતાં આપણે એમાંથી કંઈ ધડો લેવા માગતા નથી.

આજે (પચીસ નવેમ્બરે) રિલીઝ થેલી ‘ભેડિયા’માં લેખક મહાશય નિરેન ભટ્ટે અને ડિરેક્ટર અમર કૌશિકે આ વિષયને હૉરર કૉમેડીના સ્વરૂપમાં રજૂ કર્યો છે. અહીં વાત ઉત્તર-પૂર્વી રાજ્ય અરુણાચલ પ્રદેશના જંગલની, એનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની છે.

દિલ્હીવાસી ભાસ્કર શર્મા (વરુણ ધવન)ને અરુણાચલ પ્રદેશના ઝીરો (Ziro) નામની નગરીના ગાઢ જંગલમાં રસ્તો બાંધવાનો કૉન્ટ્રેક્ટ મળતાં એ કઝીન જનાર્દન (અભિષેક બેનર્જી) સાથે સાઈટ પર પહોંચે છે, જ્યાં એક એને વરુ કરડી જાય છે. તે પછી ભાસ્કર ચિત્રવિચિત્ર શારીરિક પરિવર્તન અનુભવવા માંડે છે, અમુક પર્ટિક્યુલર તિથિએ એ વરુ બની જાય છે. હવે ભાસ્કરે બે ચીજ કરવાની છેઃ બેસવાની જગાએ બટકું ભરવા વરુને એ જ કેમ મળ્યો એ શોધવાનું અને, પહેલાં જેવા સામાન્ય માનવી બની જવું. આમાં એને મદદ રૂપ થાય છે એના લોકલ ફ્રેન્ડ્સ, દીપક ડોબ્રિયાલ, અભિષેક બેનરજી, પાલિન કબક, અને પશુચિકિત્સક ડૉ. અનિકા (ક્રીતિ સેનન).

ઑલરાઈટ ઑલરાઈટ, આ વાંચીને કોઈને 1981માં આવેલી હોલિવૂડની હૉરર કૉમેડી ‘ઍન અમેરિકન વોરવૂલ્ફ ઈન લંડન’ની યાદ આવી જાય તો નો પ્રોબ્લેમ. આપણા ભાવનગરી લેખક નિરેન ભટ્ટ અને દિગ્દર્શક અમર કૌશિકની જોડીએ માત્ર એક તંતુ પકડીને મૌલિક હૉરર કૉમેડી સર્જી છે.

ઓકે. ‘ભેડિયા’ની મને ગમી ગયેલી કેટલીક વાતોઃ એક તો સ્થાનિક લોકકથાને વણી લેતું કથાકથન. નંબર ટુઃ માનવ દ્વારા પર્યાવણ-નિકંદનની વાતો પાત્રો કરે છે તે જરાય ઉપદેશાત્મક નથી લાગતી. નંબર થ્રીઃ ઉત્તર-પૂર્વી રાજ્યો, એની પ્રજા સાથે થતા સાવકા સંતાન જેવા વહેવારને જે હળવાશથી હાથ ધરવામાં આવ્યો છે તે. આપણે નૉર્થ ઈસ્ટની પ્રજામાં, એમના ક્લ્ચરમાં ખાસ રસ લેતા નથી, કેમ કે એ લોકો આપણાથી ઘણા દૂર વસે છે. એમની ઓળખ વિશેની વ્યથા પ્રેક્ષકને સ્પર્શી જાય એ રીતે લેખક-દિગ્દર્શકે રજૂ કરી છે.

ડિરેક્ટર અમરને રાઈટર નિરેન ઉપરાંત સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો છે ઍક્ટિંગનો. વરુણ અને અભિષેક બેનર્જી ઉપરાંત સ્થાનિક કલાકાર, એનએસડીમાં આવતા પાલિન કબાક અને દીપક ડોબરિયાલે પણ કમાલ કરી છે. ભાસ્કરનો ઈલાજ કરનારી પશુચિકિત્સક ડૉ. અનિકાની ભૂમિકામાં ક્રીતિ સેનન પણ સ-રસ. વળી, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પણ આ ફિલ્મમાં એક મહત્વના કલાકાર જેવી ભૂમિકા ભજવે છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાની છે. વરુણનું વરુમાં રૂપાંતર તથા અન્ય કેટલાક સીન્સ થ્રી-ડીમાં જોવા રોમાંચક અનુભવ બની રહે છે.

જિષ્ણુ ભટ્ટાચાર્યની સિનેમેટોગ્રાફી તથા પ્રોડક્શન ડિઝાઈન એ-વન છે. ઉત્તર-પૂર્વી રાજ્યનો જંગલવિસ્તાર તથા અન્ય દશ્યો એમણે આબાદ ઝડપ્યાં છે. સચીન-જિગરનું સંગીત કથાવસ્તુને અનુરૂપ છે અને દર્શકને થ્રિલ ફીલ કરાવે છે. ‘જંગલ મેં કાંડ હો ગયા’ અને ગુલઝારની રચના ‘ચડ્ડી પહનકર ફૂલ ખિલા’ મજેદાર બન્યાં છે.

નિર્માતા દિનેશ વિજન હૉરર કૉમેડીની શૈલી (જોનર)માં હાલ ઓલમોસ્ટ ખાલી એવી જગા ભરી રહ્યા છે. ‘સ્ત્રી,’ ‘રૂહી’ અને હવે ‘ભેડિયા’ આની સાબિતી છે. ‘ભેડિયા’માં એન્ડ ક્રેડિટ્સમાં એમણે વાર્તાને ‘સ્ત્રી’ ફિલ્મનાં પાત્ર સાથે જોડવાની કોશિશ કરી છે.

વેલ વેલ વેલ… પ્રેક્ષકને વિચારમાં પાડી દેતી અને મનોરંજક એવી ‘ભેડિયા’ જોવાની હું ભલામણ કરું છું, કેમ કે આ ઈચ્છાધારી વરુ ગમી જાય એવું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular