Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedહસવાની હસવા જેવી વાત નથી આ...

હસવાની હસવા જેવી વાત નથી આ…

હસવાનું ખસવું થઈ જવું તે આનું નામઃ ગયા અઠવાડિયે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબીએ)એ કૉમેડિયન ભારતીસિંહ અને એના હસબંડ હર્ષ લિંબાચિયા વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી એમાં દાવો કર્યો છે કે (સતત પરફૉર્મ કરવાના) પ્રેશરથી હળવા થવા એ લોકો ગાંજો ફૂંકતાં હતાં. લેખક-નિર્માતા હર્ષે કબૂલ્યું (એવું એનસીબી કહે છે) કે ‘ગાંજો ફૂંકવો એ ગુનો ગણાય એની મને ખબર ખબર છે, પણ હું તો સ્ટ્રેસ રિલીવ કરવા ફૂંકતો હતો.’

યાદ હોય તો બેએક વર્ષ પહેલાં લગભગ આ જ સમયે (નવેમ્બર, 2020)માં એનસીબીએ ભારતીસિંહ અને હર્ષ લિંબાચિયાની ગાંજો રાખવા બદલ અરેસ્ટ કરેલી. બીજા દિવસે, રવિવારે મેજિસ્ટ્રેટ કોર્ટ ચાલુ રહી, કેસની સુનાવણી થઈ. સોમવારે ભારતી દીદીના વકીલે પતિ-પત્નીના જામીન મેળવવા મેજિસ્ટ્રેટને કહ્યું કે ‘મારી અસીલ જાણીતી અભિનત્રી છે, એ ટીવી-શોમાં કામ કરે છે, એ કાંઈ ભાગી થોડી જવાની છે?’

દલીલમાં દમ જણાતાં મેજિસ્ટ્રેટે જામીન મંજૂર કર્યા. આ આખા મામલાની ગમ્મત એ કે ભારતીસિંહના વકીલ દલીલ કરી રહ્યા હતા ત્યારે એમને જામીન આપવા ન જોઈએ એવું કહેવા કોરટમાં ન તો એનસીબીના અધિકારી હાજર હતા, ન પબ્લિક પ્રૉસિક્યૂટર.

એ પહેલાં પણ કંઈકેટલા તારલા પાસે એનસીબીએ લેફ્ટ-રાઈટ કરાવેલી. વિશેષતઃ અભિનેતા સુષાંતસિંહના અપમૃત્યુ બાદ. જો કે અંતે એમાંથી નીકળ્યું કંઈ નહીં એ જુદી વાત છે. હા, ટીવીચૅનલવાળાઓને કૅડબરી મિલ્ક ચૉકલેટનું ગાડું મળી ગયું. સેલિબ્રિટી, એમના મૅનેજર, એમના બાલ કાપનારા, એમના ઘરે પિઝા ડિલિવર કરવાવાળા જે હાથ લાગ્યા એ બધાના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ કરી કાઢ્યા, ન્યુઝ એન્કરો પોતે જ ખરા છે એની સાબિતી આપવા સ્ટુડિયોમાં ઘાંટા પાડતા હતા. ધીરે ધીરે બધું શમી ગયું.

હશે. એનસીબીની કાર્યપ્રણાલી વિશે લખવાનો ઈરાદો નથી. હમણાં જ દિવાળી ગઈ તો મને ચિત્રલેખાનો એ દિવાળી અંક યાદ આવે છે, જેમાં મેં કૉમેડિયન કૃષ્ણા અભિષેક અને ભારતીસિંહને સામસામે મૂકેલાં. એમણે એકબીજા સાથે ગપ્પાં માર્યાં અને એ ટૉક્સમાંથી એક સુવાંગ લેખ લખેલો. એ લેખના કેટલાક પ્રકાશિત-અપ્રકાશિત અંશની અહીં વાત કરવી છે.

જેમ કે, કાચી વયે પિતાને ગુમાવી દેનારી, દારુણ ગરીબીમાં જીવતી ભારતીસિંહ કૉલેજમાં સ્પૉર્ટ્સમાં ભાગ લેતી કેમ કે ત્યાં નાસ્તો-જમવાનું મફત મળતું. સાંજે મોડે સુધી પ્રૅક્સિટસ કરો તો ફૂડ-કૂપન મળે. એ કૂપનો ભેગી કરી ભારતી મા અને ભાઈ-બહેનો માટે ખાવાનું લઈ જતી.

2008ની સાલમાં મુંબઈથી લાફ્ટર ચૅલેન્જ રિઆલિટી શોવાળા અમૃતસરમાં કૉમેડિયનોના ટેસ્ટ લેવા ગયેલા. ભારતી પણ ટેસ્ટ આપવા ગયેલી. એણે પેલી ગપ્પાંગોષ્ઠિ વખતે કહ્યું કે ‘હું ટેસ્ટ આપવા હોટેલ પર જતી’તી ત્યારે એવા વિચાર આવતા હતા કે જેવી હું રૂમમાં જઈશ કે પેલા લોકો મારી પર રેપ કરશે. મેં મારી બહેનપણીને હોટેલની બહાર ઊભી રાખેલી. અમુક સમયમાં પાછી ન આવું તો કોઈને લઈને રૂમ પર આવી જવા કહેલું. જો કે એવું કંઈ બન્યું નહીં. મારી પસંદગી થઈ ગઈ.‘

તે વખતે અમૃતસર-મુંબઈની ફ્લાઈટ ટિકિટ મોબાઈલ પર મળી ત્યારે એ મૂંઝાઈ ગઈઃ પીએનઆર એટલે શું? ઍરપૉર્ટ પર ટ્રૉલીના પૈસા લાગે? પ્લેનની અંદર ખાવાનું આપે તો એ પેઈડ હોય કે મફત? (આ ડરથી મા-દીકરી પ્લેનમાં ભૂખ્યાં રહ્યાં)… નિર્માતા પાસેથી પૈસા માગવા જોઈએ? કે પછી વિમાનભાડું ને મુંબઈમાં નિવાસથી અને ઈનામથી સંતોષ માની લેવો? આવા સમયકાળમાંથી પસાર થઈને એક ગભરુ પંજાબી કન્યા 13-14 વર્ષમાં સ્વબળે, મહેનત-પ્રતિભાના જોરે આ સ્થાને પહોંચે, લખલૂટ દોલત કમાય (મુંબઈ, પંજાબમાં મિલકત, ઈમ્પોર્ટેડ કારના કાફલા, પંજાબમાં મિનરલ વૉટરની કંપની, વગેરે) ને પછી આમ… ડ્રગ્ઝ? ઈઝ ઈટ ટ્રુ?

આ બધા સવાલના જવાબ તો પતિ-પત્ની જ આપી શકે. ભારતીસિંહ અને એના જેવા કૉમેડિયનોને નજીકથી ઓળખતા ટીવી-ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક દોસ્તદાર કહે છે કે ‘પૈસા-પ્રસિદ્ધિ પામવાં એ એક વાત અને પચાવવાં બીજી વાત. ટીવી-શો તેમ જ ઈવેન્ટ્સમાંથી લખલૂટ દોલત કમાનારા કૉમેડિયનો વિશેષ તો સતત મળતાં અટેન્શનથી છકી જાય છે. આસપાસ પાનો ચડાવતા ચમચા. ડ્રગ્ઝ-દારૂમાં ન સંડોવાય તો જ નવાઈ. યાદ હોય તો, કપિલ શર્માએ પોતે જાતે અવારનવાર પોતાના દારૂના વ્યસન વિશે પેટછૂટી વાત કરી છે.’

હવે, આ લોકો આડાઅવળા ધંધા ભૂલી પોતાની ટેલન્ટ પર ધ્યાન આપે તો સારું, નહીંતર હસવામાંથી ખસવું થતાં વાર નહીં લાગે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular