Saturday, May 17, 2025
Google search engine
HomeFeaturesMojmasti Unlimitedવિવાદની રેસિપી

વિવાદની રેસિપી

ફર્સ્ટ ટાઈમ તમિળ ડિરેક્ટર નીલેશ કૃષ્ણાએ તમિળ મૂવી ‘અન્નપૂર્ણીઃ ધ ગૉડેસ ઑફ ફૂડ’ બનાવીને 1 ડિસેમ્બર, 2023ના દક્ષિણ ભારતમાં રિલીઝ કરી. નવર્ષના પ્રભાતે નેટફ્લિક્સ પર આવી, જોવાઈ અને હોબાળોઃ વિશ્વ હિંહુ પરિષદે મૂવીના સર્જક, હીરોઈન નયનતારા, હીરો જય, પા ડઝન નિર્માતાઓ તેમ જ નેટફ્લિક્સ ઈન્ડિયા પર હિંદુઓની ધાર્મિક લાગણી દુભવવા બદલ ફરિયાદ નોંધાવી. પરિણામે અન્નપૂર્ણીને ઓટીટી પ્લૅટફૉર્મ પરથી ઉતારી લેવામાં આવી.

વારુ. અઢી કલાકની અન્ડરડૉગ સ્ટોરીવાળી ‘અન્નપૂર્ણી’ મેં જોઈ છે. ટૂંકસાર જોઈએ તો, રૂઢિચુસ્ત બ્રાહ્મણોની નગરી શ્રીરંગમના રંગનાથ મંદિરમાં પ્રસાદ તેમ જ ભગવાનનો થાળ બનાવતા બ્રાહ્મણ રંગરાજન્ (અચ્યુતકુમાર)ની પુત્રી અન્નપૂર્ણીને શૈશવકાળથી પાકકળામાં રસ. પારંપરિક શુદ્ધ શાકાહારી તમિળ વાનગી એવી બનાવે કે ખાનારા આંગળાં ચાટી જાય. એના આદર્શ છેઃ સેલિબ્રિટી શેફ આનંદ સુંદરરાજન્ (સત્યરાજ). મોટી થઈ અન્નપૂર્ણી (નયનતારા), અપાર સંઘર્ષ વેઠીને ટૉપની શેફ બને છે. એની સ્ટ્રગલયાત્રાનો સહપ્રવાસી છે ફરહાન (જય). અન્નપૂર્ણી સામે સૌથી મોટો પડકાર છે માંસાહારી રસોઈ બનાવવાનો, ખાવાનો. થોડા ખચકાટ બાદ, અને ફરહાનના પ્રોત્સાહનથી એ મીટ ખાવા, રાંધવા માંડે છે. ત્યાર બાદ એ ચેન્નઈમાં આયોજિત વિશ્વ કક્ષાની કૂકિંગ કમ્પિટિશનમાં ભાગ લે છે…

હવે, લાગણી આમાં ક્યાં દુભાય છે? નંબર વન, મંદિરમાં પ્રસાદ બનાવતા બ્રાહ્મણની ચુસ્ત શાકાહારી દીકરી ઈન્ડિયા’સ બેસ્ટ શેફ બનવા મીટ-ઈટર બને છે, મટન-ચિકન રાંધે છે. નંબર ટુ, અન્નપૂર્ણીને પ્રોત્સાહન આપવા ફરહાન કહે છે કે “ઈવન, શ્રીરામ પણ વનવાસ દરમિયાન માંસ આરોગતા.” ત્યારે અન્નપૂર્ણી સવાલ કરે છે કે “તો હું માંસ આરોગું એ પાપ ગણાય કે નહીં?” નંબર થ્રી, કૂકિંગ કમ્પિટિશનના ફાઈનલ રાઉન્ડમાં બિરિયાની બનાવતાં પહેલાં અન્નપૂર્ણી નમાજ પઢે છે. શું કામ? બીકૉઝ, કોઈ એક સમયે ફરહાનની અમ્મીએ એને સ્વાદિષ્ટ બિરિયાની બનાવવાની ટિપ્સ આપી હોય છે, એટલે એમને સારું લાગે.. નંબર ફૉર, લવ જિહાદઃ ફરહાન-અન્નપૂર્ણીની રોમાન્ટિક રિલેશનશિપ.

ફિલ્મ કેવી છે એ કહેવા હું એક સીનનો આધાર લઉં છું- જીવનમાં પહેલી વાર ચિકન કરી બનાવનારી અન્નપૂર્ણીને કહેવામાં આવે છે કે (ચિકન કરી) ઠીક છે, પણ અદભુત નથી. ફિલ્મ પણ આવી જ છેઃ કાચીપાકી, સગવડિયા પ્રસંગ-વળાંકવાળી, ફટ્ દઈને અંત ધારી લેવાય એવી પ્રિડિક્ટેબલ.

ફિલ્મ નેટફ્લિક્સ પરથી કાઢી લેવામાં આવી તે પછી ચોમેર બુમરાણ મચી. હાય હાય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું શું? ફિલ્મ પર બૅન મુકાય જ નહીં, વગેરે. આ વિશે પછી, પહેલાં આ વાંચોઃ પોતાની ઓળખ બનાવવા, બાળપણનું સપનું સાકાર કરવા માગતી એક યુવતીએ છેવટે તો અમુક ધર્મના તાબે થવું જ પડે? કદાચ અડધે પહોંચ્યા પછી લેખક-દિગ્દર્શકને થયું હશે કે યાર, આ તો સીધીસાદી સ્ટોરી બની રહી છે. આમાં કૉન્ફ્લિક્ટ ક્યાં આવ્યો? હીરોઈનને પોતાનાં મૂલ્યો, શાકાહારી સંસ્કારના કારણે કેટલું સહન કરવું પડે છે એ દેખાડીએ તો? દેખાડ્યું અને… ઍક્ચ્યુઅલી, આ ફિલ્મથી એક મેસેજ એ જાય કે જીવનમાં સફળતા મેળવવી હોય તો નીતિ, મૂલ્યો સાથે સમાધાન કરવું જ પડે.

હવે આ જુઓઃ ફિલ્મનું હાર્દ એ છે કે રસોઈ બનાવવા સ્વાદેન્દ્રિય (ખાવી કે ચાખવી) એ એકમાત્ર જરૂરિયાત નથી, પણ અન્નપૂર્ણી કૅટરિંગ કૉલેજના પ્રોફેસરને, શેફને સવાલ નથી કરતી કે, ખાધા કે ચાખ્યા વગર નૉન વેજ બનાવવાનો વિકલ્પ કેમ નથી?

યાદ હોય તો, રિઆલિટી ટીવીશો ‘માસ્ટર શેફ ઈન્ડિયા’ની છેલ્લી સીઝનમાં ચેન્નઈથી અરુણા જૈન નામનાં એક બહેન આવેલાં. કમ્પિટિશનમાં પ્રોટીન-યુક્ત માછલીની વાનગી રાંધવાની વાત આવી ત્યારે અરુણાબહેને શાલીનતાથી ના પાડીઃ “માંસાહાર નહીં રાંધું. પ્રોટીન-યુક્ત વાનગી બનાવવાની હોય તો હું પનીરની બનાવી શકું.” નિર્ણાયકોએ તેમ કરવાની અનુમતિ આપેલી. શું આ ઘટનાની આસપાસ ડિરેક્ટર નીલેશ ક્રિશ્નાએ ‘અન્નપૂર્ણી’નો પાયો રચ્યો હશે? હા, એ હકીકત છે કે વર્લ્ડ-કિચનમાં પાકકલા બતાવવી હોય તો વેજ નૉનવેજ બનાવવાની તૈયારી રાખવી પડે. જો એવી કોઈ મહત્વાકાંક્ષા હોય તો.

વારુ. ‘કશ્મીર ફાઈલ્સ,’ ‘કેરળ સ્ટોરી’ પર બૅન મૂકવાની માગણી કરો, એના વિશે કંઈ જ ન લખીને, ઘોર અવગણના કરીને બહિષ્કાર કરો એ ચાલે, પણ હિંદુઓની લાગણી દુભાય એ ન ચાલે? કેમ ભાઈ? ચલો, એ પણ બાજુએ મૂકીએ. અમુક (વિવાદાસ્પદ) ચિત્ર-પુસ્તક-ફિલ્મના સર્જકોને બિગનિંગથી ખબર હોય છે કે આ કૃતિ આવવાથી ખળભળાટ મચશે, તોફાન થશે, એમાં કોઈના જીવ પણ જશે. તેમ છતાં ધરાર ધાર્યું કરે, દેવી-દેવતાનાં વાંધાજનક ચિત્ર દોરે, ફિલ્મ બનાવે એ કેટલું વાજબી? શું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એટલું મહત્વનું છે? જો હા, તો એ વિશે બેવડાં ધોરણ કેમ?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular