Thursday, May 22, 2025
Google search engine
HomeFeaturesKahevatપીપળ પાન ખરતાં હસતી કુંપળીયાં...

પીપળ પાન ખરતાં હસતી કુંપળીયાં…

 

પીપળ પાન ખરતાં હસતી કુંપળીયાં, મુજ વીતી તુ જ વીતશે, ધીરી બાપુડીયાં…

 

આદિ તેનો અંત છે. જે જન્મે છે તે એક દિવસ વિદાય પણ લે છે. પાનખર ઋતુમાં આપણે જોયું હોય તો એક બાજુ ઝાડનાં પાન ખરી પડતાં હોય છે અને સાથોસાથ નવી કૂંપળ ફૂટવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. અહીંયાં પીપળાના ઝાડનાં પાન પાકટ થઈને ખરી રહ્યા છે. બરાબર તેવે જ સમયે જાણે તેમની મશ્કરી કરતી હોય તે રીતે કિલકિલાટ કરતી કૂંપળ ફૂટી રહી છે.

ખરી રહેલા આ પાન પોતાનો ભૂતકાળ યાદ દેવડાવી કિલકિલાટ કરતી આ કૂંપળને કહે છે કે, એક દિવસ અમે પણ તારી માફક કિલકિલાટ કરતા હતા. સમયનો થપેડો વાગ્યો અને અમે પાકટ બન્યા. આજે ખરી રહ્યા છીએ. આ વાત તું યાદ રાખજે. તારો પણ વારો આવશે. તું પણ પાકટ થઈશ અને એક દિવસ ખરી જઈશ.

આ કહેવત એવો બોધ આપે છે કે, કોઈની પણ પડતી પર હરખાવવું ન જોઈએ અથવા એની મશ્કરી પણ ન કરવી જોઈએ. કાળનું ચક્ર ચાલ્યા જ કરવાનું છે. સ્થિતિ બદલાતી રહેવાની છે ત્યારે જુવાનીના મદમાં અથવા ધન-દોલતથી આંધળા થઈને ક્યારેય છકી જવું નહીં. આ જગત પરિવર્તનશીલ છે અને કાળ સર્વોપરી છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular