Sunday, July 20, 2025
Google search engine
HomeFeaturesKahevatખેડ, ખાતર ને પાણી કરમને લાવે તાણી

ખેડ, ખાતર ને પાણી કરમને લાવે તાણી

ખેડ, ખાતર ને પાણી કરમને લાવે તાણી

 

કરમ એટલે નસીબ. ખેડૂત જમીનને બરાબર પળોટે નહીં, એને શક્ય તેટલી વધુ વખત ખેડીને તપવા ના દે, જમીન ભેજ ગ્રહણ કરવા માટે અને બીજને અંકુરિત કરવા માટે અનુકૂળ ન બને તો એમાંથી ધાર્યો પાક નીપજે નહીં. પણ જ્યારે એક કે બે પાક લેવાઈ જાય ત્યારે જમીનનો કસ ચૂસાઈને ઓછો થાય, આ પરિસ્થિતીમાં ખાતર નાખીને જમીન વળી પાછી વધુ ફળદ્રુપ બને તેમ કરવું પડે. જેટલી અગત્યતા ખેડની એટલી જ ખાતરની. કદાચ એથીય વધારે અગત્યતા ખાતરની મૂકી શકાય. પણ બરાબર ખેડ કરી હોય, ખાતર પણ નાખ્યું હોય અને વરસાદ પડે જ નહીં તો જો ટ્યૂબવેલ અથવા અન્ય રીતે પાણી આપીને જમીનને ભેજ પૂરો પાડવાનું શક્ય બને તો જ એમાં વાવેલું બીજ અંકુરિત થાય અને ખાતરનું સત્વ મૂળિયાં વાટે ચૂસીને સરસ મજાનો પાક ખેતરમાં લહેરાવા માંડે.

જો પિયતની સવલત ન હોય તો માફકસરનો વરસાદ પડવો જોઈએ જેથી બિયારણ ઊગી નીકળે અને છોડ અથવા વેલો વધી શકે. આમ, પહેલાં ખેડ, ત્યારબાદ ખાતર પછી બિયારણ અને છેલ્લે સૌથી અગત્યનું પાણી. આ બધું ભેગું થાય તો જ મબલખ પાક ઉતરે. જો આમાંથી એકની પણ ઉણપ રહે તો ધાર્યું ફળ કે પાક મળે નહીં. આ સંદર્ભમાં આ કહેવત વપરાય છે કે –  ‘ખેડ, ખાતર ને પાણી કરમને લાવે તાણી’ એટલે કે અનુકૂળ inputs અને મહેનત ભેગા થાય તો માણસના નસીબ આડેનું પાંદડું ખેસવી શકે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular